ગુજરાત સરકારે શ્રી જશવંતસિંધના પુસ્તક ઝિન્ના-ભારત-પાકિસ્તાન સ્વતંત્રતા ઉપર તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. તદ્અનુસાર ગુજરાતમાં આ પુસ્તકનું કોઇ પણ પ્રકારે વિતરણ વેચાણ કે પ્રકાશન થઇ શકશે નહિં. રાજ્ય સરકારે આ પુસ્તક ઉપરના પ્રતિબંધના કારણો દર્શાવતાં જણાવ્યું છે કે શ્રી જશવંતસિંધના આ પુસ્તકમાં દેશના ભાગલા સંબંધે સરદાર વલ્લભભાઇ પટેલની ભૂમિકા અને દેશભકિત ઉપર સંદેહ અને પ્રશ્નાર્થો ઊભા કરવામાં આવ્યા છે.
ભારતની એકતાના શિલ્પી ગુજરાતના આ સપૂતની છબિ ખરડાવા સહિત કેટલાંક મનધડંત અને ઐતિહાસિક તથ્યોથી વિપરીત એવું આલેખન થયેલું છે. આથી રાજ્ય સરકારે વ્યાપાક હિતમાં આ પુસ્તક ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.