ટોચના પ્રવાસન સ્થળ તરીકે ઉપસતું ગુજરાત
ગુજરાતના ભવ્ય પ્રવાસન વૈવિધ્યને માણવાનું પસંદ કરતા પ્રવાસીઓઃ પ્રવાસીઓમાં ત્રીસ ટકાનો વધારો
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ (૪ ઓગસ્ટ થી ૧લી સપ્ટેમ્બર, ૨૦૧૨)
તરણેતર મેળો (૧૯ થી ૨૧ સપ્ટેમ્બર,૨૦૧૨)
"ખુશ્બૂ ગુજરાત કી' વિશ્વભરમાં ફેલાઇ રહી છે. તેને પગલે દેશના પ્રવાસન ઉઘોગના માર્કેટમાં ગુજરાત પોતાનું સ્થાન જમાવી રહ્યું છે અને ટોચના પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. ગુજરાતના ભવ્ય પ્રવાસન વૈવિધ્યને માણવાનું દેશ અને દુનિયાના પ્રવાસીઓ પસંદ કરી રહ્યા છે જેના કારણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધતી જઇ રહી છે. ૨૦૦૯-૧૦માં ૧.૭૦ કરોડ પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા, જે સંખ્યા ૨૦૧૧-૧૨માં વધીને ૨.૨૩ કરોડે પહોંચી છે. ગુજરાતના પ્રવાસન વિભાગે આ પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે સમગ્ર વર્ષ દરમિયાન અનેક આયોજનો કર્યાં છે, જેમાં સાપુતારા મોન્સૂન ફેસ્ટ, તરણેતર મેળો, નવરાત્રિ મહોત્સવ અને રણોત્સવ વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યમાં આવતા પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે તે મહત્વની પ્રોત્સાહક બની રહેશે.સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ
ગુજરાતની દક્ષિણ સરહદે સહ્યાદ્રિની ધટાટોપ પર્વતમાળામાં સાપનું નિવાસસ્થાન કહેવાતું એવું સાપુતારા સુંદર કુદરતી દૃશ્યાવલિ ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલું એ એક અનોખું હિલ સ્ટેશન છે. કુદરતે નવરાશના સમયમાં કંડારેલી અહીંની મનોરમ્ય ધરતી પ્રવાસીઓને આકર્ષિત કરીને મસ્ત બનાવી દે એવી છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રી રામે પોતાના વનવાસકાળ દરમિયાનનો ૧૧ વર્ષનો સમય અહીંના જંગલોમાં વિતાવ્યો હતો. આ નયનરમ્ય હિલસ્ટેશન સહ્યાદ્રિ પર્વતમાળામાં ડાંગનાં ગાઢ જંગલ વિસ્તારમાં દરિયાની સપાટીથી ૧૦૦૦ મીટર જેટલી ઊંચાઇએ આવેલું છે. સાપુતારામાં આખા વર્ષ દરમિયાન સરખું હવામાન રહે છે. ચોમાસાના વરસાદથી સાપુતારાનું હવામાન જાદુઇ સ્પર્શ પામે છે. એટલે જ ચોમાસાની ઋતુમાં ગુજરાત ટુરિઝમ દ્વારા આ સ્થળને આહ્લાદક પ્રવાસન સ્થળ તરીકે પ્રચલિત કરવાનું આયોજન કર્યું છે. મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, નાશિક જેવાં શહેરો માટે સાપુતારા ચોમાસાનું લોકપિ્રય પ્રવાસન સ્થળ છે. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલું હોવાને લીધે આ રાજ્યના લોકો માટે એ હાથવગું પસંદગીનું સ્થળ છે. ચોમાસા દરમિયાન ૪ ઓગસ્ટ થી ૧લી સપ્ટેમ્બર એક મહિનો ચાલનારા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને માટે અનેક આકર્ષણો અને અનેક્વિધ પ્રવૃત્ત્િાઓ હશે. વોટર સ્પોર્ટ્સ, સાહસિક પ્રવૃત્ત્િાઓ, લેસર શો, ફોટોગ્રાફી પ્રદર્શન, હેરિટેજ વોક, સાંસ્કૃતિક સંધ્યા, ફૂડ ફેસ્ટિવલ, વિવિધ સ્પર્ધાઓ વગેરેનાં પણ આયોજનો આ ફેસ્ટિવલમાં કરાશે. ફેસ્ટિવલના સમગ્ર મહિના દરમિયાન અહીં આવતા પ્રવાસીઓને રસ પડે અને આનંદ આવે એવી પ્રવૃત્ત્િાઓ તેમજ અનેક શ્રેષ્ઠ આયોજનો વડે પ્રવાસીઓને આકર્ષિત કરવા રાજ્ય સરકારે ધનિષ્ઠ પ્રયાસો કર્યા છે.તરણેતર મેળો
ગુજરાતનું વધુ એક નજરાણું એટલે તરણેતરનો મેળો. આ મેળો ગુજરાતનો અત્યંત જાણીતો લોકસંસ્કૃતિનો મેળો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાતા સિરામિકનગર થાનગઢ નજીક આવેલા તરણેતર નામથી ઓળખાતા ત્રિનેત્રેશ્વરના શિવ મંદિરના સાનિધ્યમાં તે યોજાય છે. મહાભારત સાથે જોડાયેલી લોક કથા મુજબ દ્રૌપદીના સ્વયંવર માટે અર્જુને પોતાના બાણ વડે માછલીની આંખ વીંધીને કરેલા મત્સ્યવેધ માટે આ સ્થળ જાણીતું છે. આ દિવસોમાં ગુજરાતભરમાંથી લોકો ભાતીગળ - પરંપરાગત પોશાકો અને સુંદર ધરેણાં પહેરીને આ મેળામાં મહાલવા માટે મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે. યુવક-યુવતીઓ માટે મનનો માણીગર શોધવાનો એને પામવાનો અને એની સાથે મેળામાં રાસડા લઇને મહાલવાનો અનોખો અવસર આ મેળો પૂરો પાડતો હતો.લોકપિ્રય હુડોરાસ અહીંનું અનોખું આકર્ષણ છે. એક વિશાળ ગોળ કુંડાળામાં સેંકડો યુવક-યુવતીઓને પરંપરાગત પોશાકો સાથે મસ્ત બનીને પરંપરાગત ઢબે રાસ લેતા કે ગરબે ધૂમતા જોવા એ એક લ્હાવો છે. જોડિયા પાવાના નાદે અને ઢોલના ધબકારે લોકગીત-સંગીત અને લોકનૃત્યની જુગલબંધી જામતી હોય છે. હસ્તકળા-ગૂંથણવાળા પરંપરાગત પોશાકોમાં ગ્રામીણ યૌવન આ મેળામાં હિલોળે ચડે છે. આ મેળો જેટલો ધાર્મિક છે એના કરતાં વિશેષ સાંસ્કૃતિક છે. ગુજરાત ટુરિઝમ દ્વારા મેળામાં વિશેષ આયોજનો પણ કરાય છે. રાજ્ય સરકારના પ્રયાસોથી અહીં શરૂ થયેલી ગ્રામીણ ઓલિમ્પિક તેમજ ગાડા-દોડ જેવી સ્પર્ધાઓ આ મેળાનું વિશેષ આકર્ષણ બનેલી છે.
અહીં આવતા પ્રવાસીઓ માટે ગુજરાત ટુરિઝમ દ્વારા રહેવાથી માંડીને અન્ય જરૂરી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. સાપુતારા તથા તરણેતરના મેળાને મ્હાલવા જવું હોય તો પ્રવાસન વિભાગ જરૂરી સુવિધા પૂરી પાડશે.