પ્રિય મિત્રો,
થોડા સપ્તાહ પૂર્વે હું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદઘાટન માટે ગયો હતો. અદ્ભુત સાબરમતી નદીના કિનારે અમે સાંસ્કૃતિક વૈવિધ્યતાનો અનુભવ કર્યો અને વિવિધ દેશોના સ્પર્ધકોને આવકાર્યા હતા. જોકે, થોડા વર્ષો પહેલા આ ચિત્ર કંઈક અલગ હતું. રિવરફ્રન્ટની મારી મુલાકાતથી હું જુની યાદોમાં સરી પડ્યો. જે સમયે સાબરમતી નદીના પટમાં પાણી સિવાય બધું હતું. અહીં યુવાનો ક્રિકેટ રમતાં અને સર્કસ યોજાતાં હતા.
છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન સાબરમતી નદી અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આજે નદી બારેમાસ પાણીથી છલોછલ રહે છે અને તેની આસપાસ સર્જાતા મનોરંજક જીવંત માહોલના કારણે લોકો આ વિસ્તાર તરફ ખેંચાઈ આવે છે. આજે, રિવરફ્રન્ટના બાંધકામના કારણે અહીં પાણીનું સ્તર વધ્યું છે અને વરસાદના કારણે થતાં રોગોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. પાણીના સ્તરમાં વધારાના કારણે વિજળીના દરો ઘટ્યા છે. રિવરફ્રન્ટની શ્રેષ્ઠ કામગીરી બદલ ઘણાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓએ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા પત્રો મને લખ્યા છે. ઉલ્લેખનિય છે કે રિવરફ્રન્ટને સૌથી નવીનતમ પ્રોજેક્ટ્સમાં પણ સ્થાન મળ્યું છે.
ગુજરાત: આપણા શહેરોમાં વૈશ્વિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં
રિવરફ્રન્ટ એ ગુજરાતના શહેરોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અમારી પ્રતિબદ્ધતાની એક ઓળખ છે. હકીકત એ છે કે સારી માળખાગત સુવિધાઓને કારણે શહેરીકરણ વધ્યું છે અને લોકો અહીં સ્થાયી થઇ રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો અમદાવાદ તરફ આકર્ષાઇ રહ્યાં છે. ભારતમાં ગુજરાત સૌથી વધુ અર્બનાઇઝ્ડ રાજ્ય છે. રાજ્યની 42 ટકા જનતા નગર અને શહેરોમાં વસે છે અને અમારી શહેરી વસતીનો એક દશકાનો વૃદ્ધિદર 35.8 ટકા રહ્યો છે. અમને ખબર છે કે ઝડપી શહેરીકરણની સાથે-સાથે ઘણાં પડકારો પણ સર્જાઇ રહ્યાં છે.
નગર અને શહેરોના માળખાની ભારે કસોટી થઇ રહી છે. વસતી અને ટ્રાફિકની સમસ્યાઓ સહિતના ઘણાં મોટા પડકારો સર્જાઇ રહ્યાં છે. જોકે, આપણે શહેરીકરણને સમસ્યાના સ્વરૂપે જોઇશું તો આપણે ક્યારેય આ પડકારોને પાર કરી શકીશું નહીં. આપણે શહેરીકરણના પડકારનો ઉકેલ લાવવો પડશે, નહીં કે તેની સામે લડવું, આમ કરવાથી જ આપણે પડકારોને પાર પાડી શકીશું. ગુજરાતે જે કર્યું છે તે વિસ્તારપૂર્વક આપને જણાવતા મને ખુશી થાય છે. શહેરીકરણની સમસ્યાનો હલ લાવવા માટે ગુજરાતના વલણ અંગે હું વિશ્વાસ અને ગૌરવથી કહી શકીશ કારણકે માત્ર થોડાં લોકોને જ વિકાસનું ફળ નહીં મળે, પરંતુ દરેક વ્યક્તિ સુધી વિકાસના ફળ પહોંચશે. નવીનીકરણ અને માળખાગત અને સંસ્થાકીય વલણ અપનાવીને અમે શહેરીકરણના વિશાળ પડકારને લોકો માટે અર્થસભર તકમાં ફેરવી દીધો છે. મને યાદ છે કે જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં ત્યારે શહેરી વિકાસ માટે માત્ર રૂ. 200 કરોડથી પણ ઓછો ખર્ચ કરવામાં આવતો હતો.
આજે, અંદાજપત્રિય આયોજનમાં શહેરી વિકાસ માટે રૂ. 5670 કરોડની જોગવાઇ કરવામાં આવે છે, જે 25 ગણો વધારો સૂચવે છે. સાકલ્યવાદી અભિગમ સાથે રાજ્ય સરકારે વર્ષ 2009માં સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (એસજેએમએમએસવીવાય)ની રજૂઆત કરી હતી. નોંધનીય છે કે આ પહેલ ગુજરાતના 8 શહેરો અને 159 નગરપાલિકાઓના વિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને મોટા શહેરોમાં ઉપલબ્ધ સેવાઓને તેમના ઘર આંગણે ઉપલબ્ધ કરાવે છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને સંપૂર્ણ રીતે ભંડોળ પુરું પાડવામાં આવે છે.શરૂઆતમાં રૂ. 7000 કરોડના બજેટ સાથે શરૂ કરાયેલી આ યોજના માટે ભંડોળની જોગવાઇ નોંધપાત્ર વધીને રૂ. 15,000 કરોડ કરવામાં આવી છે.
પરિવહન અને શહેરી ગતિવિધિ માટેના તમામ પાસાઓનું મજબૂતીકરણ
શહેરીજીવનમાં આપણે રોજ રોડનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર આપણા મનમાં શહેરની પહેલી છાપ તેના રોડની ગુણવત્તા અને ટ્રાફિક જેવા પરિબળોથી ઉપસી આવે છે. વસતી અને વાહનોની સંખ્યા વધવા સાથે રોડ ખુબજ સારી ગુણવત્તાયુક્ત તૈયાર કરવામાં આવ્યાં છે. ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરવું ખુબજ સરળ છે, પરંતુ આ સમસ્યાનો હલ લાવવા કંઇક કરવાનું આપણામાંથી કેટલાં લોકોએ વિચાર્યું છે? આર્થિક વિકાસ માટે શહેરી પરિવહન ખુબજ મહત્વપૂર્ણ માધ્યમ છે અને સરકારે શહેરી વસતીમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને સારા રોડને પ્રાથમિકતા આપી છે.
ગુજરાતમાં અમે સંખ્યાબંધ ફ્લાયઓવરનું નિર્માણ કર્યું છે, જેના કારણે અમારા શહેરોના ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની અવરજવર સરળ બની છે. સુરતે 'ફ્લાયઓવર સીટી ઓફ ગુજરાત' તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે કારણકે અહીં ટ્રાફિકની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ફ્લાયઓવરનાનિર્માણથી સમસ્યાનો ઉકેલ આવ્યો છે. અમદાવાદમાં ઘણાં ફ્લાયઓવર અને અન્ડરપાસથી ટ્રાફિકની સ્થિતિમાં અમે નોંધપાત્ર સુધારો લાવ્યાં છીએ.
ઉપરોક્ત દર્શાવેલા પ્રયાસો ઉપરાંત શહેરી પરિવહન માળખાને મજબૂત બનાવવા માટે અમે કોઇપણ કચાશ રાખી નથી. જ્યારે તમે અમદાવાદમાં સફર કરશો તો ખુબજ પ્રશંસા પ્રાપ્ત કરેલા જનમાર્ગ- બીઆરટીએસની નોંધ તમે ચોક્કસપણે લેશો. સુરત અને રાજકોટમાં પણ હાલ આ પ્રોજેક્ટ કાર્યરત છે.અમે મલ્ટી-મોડલ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એમએટીએ)ની રચના કરી છે, જેથી સુરક્ષિત, પોષાય તેવા, સગવડભર્યા અને વિશ્વસનીય શહેરી પરિવહનને પ્રોત્સાહન આપવા માટે રોડમેપ તૈયાર કરી શકાય.
ગુજરાતના શહેરોમાં નવીન રિક્ષા સેવા!
મોટા શહેરોની મુલાકાત વખતે તમે 'રેડિયો ટેક્સી', 'કોલ અ કેબ; અંગે સાંભળ્યું હશે, પરંતુ ક્યારેય તમે એની ટાઇ રિક્ષા સર્વિસ અંગે સાંભળ્યું છે? ગુજરાત સ્થિત એક ફાઉન્ડેશનની પહેલ દ્વારા રિક્ષા ડ્રાઇવર્સનું એક જૂથ એક છત નીચે આવ્યું છે અને જી-ઓટોનું ગઠન કરવામાં આવ્યું છે, જે ચોવીસ કલાક વિશ્વાસપાત્ર રિક્ષા સેવા ઉપલબ્ધ કરાવે છે. આ જી-ઓટોમાં સેવા ખુબજ અદભુત છે. જ્યારે તમે રિક્ષામાં બેસશો ત્યારે ડ્રાઇવર તમને પાણીની બોટલ અને સમાચારપત્રો ઓફર કરશે. હાલમાં આ સેવા અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં ઉપલબ્દ છે અને આગામી વર્ષોમાં તે રાજ્યના અન્ય હિસ્સાઓમાં વિસ્તારવામાં આવશે. આ પ્રકારની પહેલ સગવડયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા સાથે મૈત્રીપૂર્ણ પરિવહનના વિકલ્પ પણ પુરાં પાડે છે!
પર્યાપ્ત શહેરી આવાસના પડકારોને પાર પાડવા
મોટી સંખ્યામાં લોકો શહેરો તરફ આકર્ષાઇ રહ્યાં છે ત્યારે આવાસની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરાવવી વધુ એક પડકાર છે. સરકાર તરીકે અમારી ફરજ છે કે લોકોના માથે છત હોય. ઘર એ માત્ર ચાર દિવાલથી નથી બનતું, પરંતુ એવું સ્થળ હોવું જોઇએ કે ત્યાં રહી શકાય. રાજ્યભરમાં શહેરી આવાસની સુવિધાને મજબૂત બનાવવા માટે અમે ઘણાં પગલાં ભર્યાં છે.
ગુજરાતને ઝુંપડપટ્ટી મુક્ત બનાવવા માટે અમે 25 લાખ જેટલાં કાચા ઘરોને પાકા ઘરોમાં ફેરવવા માટેનો સર્વે પહેલેથી જ પૂર્ણ કરી લીધો છે. અગાઉની સરકારોએ 40 વર્ષમાં 10 લાખ ઘરોનું બાંધકામ કર્યું હતું અને તેની સામે અમે માત્ર એક જ દશકામાં 22 લાખ ઘરોનું બાંધકામ કર્યું છે અને ગુજરાતમાં ગરીબોને આનો લાભ મળ્યો છે. આગામી વર્ષોમાં અમે શહેરી આવાસના પડકારને પાર પાડવા માટેની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરીશું.
1+1: ટ્વીન-સીટી મોડલને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના પ્રયાસો
અમે અમદાવાદને ચમકતું જોવા માગીએ છીએ, પરંતુ અમદાવાદ સાથે ગાંધીનગર પણ ચમકે તેમ અમે ઇચ્છીએ છીએ. એકબીજાની નજીક આવેલા બે શહેરોને વિકાસ માટેની સરખી તક શા માટે ન મળવી જોઇએ? આથી અમે ટ્વીન સીટી મોડલ રજૂ કર્યું છે. ગુજરાત સક્રિયપણે અમદાવાદ-ગાંધીનગર, સુરેન્દ્રનગર-વઢવાણ, સુરત-નવરાસી, વડોદર-હાલોલ, ભરૂચ-અંક્લેશ્વર અને મોરબી-વાંકાનેર ટ્વીન સીટી પર કામ કરી રહ્યું છે. શ્રેષ્ઠ શહેરોની રચનાની દિશામાં ગુજરાતની પહેલને ટ્વીન સીટીથી ચોક્સપણે લાભ મળી રહેશે.
ટ્વીન સીટી સાથે અમે સેટેલાઇટ ટાઉન પણ વિકસિત કરવા જઇ રહ્યાં છીએ અને વિશ્વ સ્તરના શહેરોનું નિર્માણ ગુજરાતને વાઇબ્રન્ટ ભવિષ્ય તરફ દોરી જશે! દિલ્હી જેવા શહેરને વિકાસ માટે ઘણો લાંબો સમય લાગ્યો, પરંતુ ધોલેરા દિલ્હી કરતાં બે ગણા, શાંઘાઇ કરતાં છ ગણું મોટું હશે અને આધુનિક માળખાગત સુવિધા બાબતે ઘણું આગળ હશે.
કાંકરિયા લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને સુરતમાં સાયન્સ સેન્ટર જેવાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સથી શહેરી જનતાને લાભ મળી રહેશે. તમને જાણીને આનંદ થશે કે શહેરી વિકાસના વિવિધ પ્રયાસોએ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન 50 કરતા વધુ એવોર્ડ જીત્યાં છે.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પાસેથી ઉપલબ્ધ વિગતો અનુસાર જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મીશન (જેએનયુઆરએમ) પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે.
રુર્બનાઇઝેશન - આત્મા ગામની, સુવિધા શહેરની
અમે શહેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ ત્યાં અટકીશું નહીં. નાના નગરો અને ગામડાઓમાં સારું માળખું અને સેવાઓ પુરી પાડવાની પણ જરૂર સર્જાઇ છે. રુર્બનાઇઝેશનના અમારા મંત્રથી ગામડાની અનોખી સાંસ્કૃતિક ઓળખ જળવાઇ રહેશે અને તેની સાથે-સાથે શહેર જેવી સુવિધાઓ પણ તેમને મળી રહેશે (આત્મા ગામની, સુવિધા શહેરની) ! આ વર્ષના વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં શહેરીકરણ કેન્દ્ર સ્થાને રહ્યું હતું. સમીટ દરમિયાન હું રુર્બનાઇઝેશન પરની પેનલ ચર્ચામાં ઉપસ્થિત રહ્યો હતું. સમીટ પૂર્ણ થયાં બાદ હું પ્રોફેસર પૌલ રોમરને મળ્યો હતો, જેઓ યુએસએમમાં એનવાયુના સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં શહેરીકરણના પ્રોજેક્ટને માર્ગદર્શન આપે છે. પ્રોફેસર રોમરે શહેરી વિકાસની દિશામાં ગુજરાતના પગલાંની પ્રશંસા કરી હતી.
રાજકીય ઇચ્છાશક્તિ, અધિકારીઓની શ્રેષ્ઠ ટીમ અને લોકોના સહકારથી ગુજરાત સરકાર અર્બન રિજનરેશન માટે તૈયાર છે, જે નવા વૈશ્વિક સ્તરના શહેરોનું નિર્માણ કરશે અને ગામડાઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ભવ્ય અને દિવ્ય ગુજરાત માટે અમારા પ્રયાસોમાં અસરકારક રીતે યોગદાન આપી શકે.
નરેન્દ્ર મોદી