દિલ્હીની બોમ્બ વિસ્ફોટની ધટનાનો ભોગ બનેલા ઇજાગ્રસ્તો અને મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આતંકવાદી કૃત્યોથી વારંવાર કયાં સુધી નિર્દોષોનું લોહી આ દેશમાં વહેતું રહેશે? આતંકવાદ સામેની આ લડાઇ રાજનીતિ નહીં, પણ રાષ્ટ્રનીતિ સાથે જોડાયેલી છે અને તે માટે દેશનાં નેતૃત્વએ નીતિ સાફ અને ઇરાદા સ્પષ્ટ રાખીને હિન્દુસ્તાનની ધરતી ઉપરથી આતંકવાદને નેસ્તનાબૂદ કરવા કૃતસંકલ્પ બનવું પડશે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દિલ્હી હાઇકોર્ટ સામે આતંકવાદીઓનો આ બીજો હુમલો છે. પહેલા આતંકવાદી હુમલામાં સદ્નસિબે બચી ગયા હતા, પરંતુ તેની પાછળ આતંકવાદી હિંસાનો કેટલો ભયાનક કારસો હતો તેનો અંદાજ આજના બોમ્બ વિસ્ફોટની ધટનાએ આપી દીધો છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે જ્યારે જ્યારે દેશમાં આતંકવાદી ધટના બને છે ત્યારે થોડો સમય આક્રોશ વ્યકત થાય છે, પરંતુ વારંવાર આતંકવાદનો ભોગ બનતા આ દેશમાં આતંકવાદ સામે કેમ લડવું અને આતંકવાદને કઇ રીતે નેસ્તનાબૂદ કરવો, દેશમાં નિર્દોષ નાગરિકોની આતંકવાદ સામે કઇ રીતે રક્ષા કરવી તે બાબતમાં આપણે દુનિયાના બીજા દેશો પાસેથી એ શીખવાની જરૂર છે કે જેમણે પોતાના દેશમાં આતંકવાદની એક ધટના પછી બીજી આતંકવાદી ધટના થવા દીધી નથી!
આપણા દેશમાં પણ આતંકવાદથી નિર્દોષોનું લોહી વહે નહીં તે માટેના કૃતસંકલ્પ એવા કઠોર પગલાની અપેક્ષા જનતા દેશના નેતૃત્વ પાસે રાખે છે. મુખ્યમંત્રીશ્રીએ ભારતની ધરતી ઉપરથી આતંકવાદની જડોને નેસ્તનાબૂદ કરવા માટે રાજનીતિથી ઉપર ઉઠીને રાષ્ટ્રનીતિ તરીકે સંપૂર્ણ એકતાની તાકાતથી કૃતસંકલ્પ બનવા ઉપર ભાર મૂકયો હતો.