શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ પરંપરાનું ગૌરવગાન કરે
દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે
સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલનના અતિથિવિશેષ પદેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યના શાસનકર્તા તરીકે મારી જવાબદારી છે કે, સમાજશકિતની પરંપરાનું ગૌરવગાન કરવું જોઇએ.""મારું કામ છે સદ્ભાવના મિશનનું. સૌનો સાથ લઇને સૌના વિકાસ માટેનો આ ગુજરાતની ધરતી ઉપર જે યજ્ઞ માંડયો છે, તે કોઇનું પડાવી લેવા નહીં પણ રાષ્ટ્રના કલ્યાણ માટે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.''
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બ્રાહ્મણત્વ અને શાસ્ત્ર સંસ્કારની પરંપરાને ખંડિત કરનારા સામે પરશુરામની જેમ ન્યાયની-સત્યની લડાઇ કરવી પડે.
અક્ષયતૃતિયાના પૂનિત અવસરે ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ - દક્ષિણ ગુજરાતના ઉપક્રમે બ્રાહ્મણોનું આ મહાસંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી સુરત આવીને વસેલા બ્રહ્મસમાજોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રાહ્મણ મહાસંમેલનનું ઉદ્ધાટન શ્રી રમેશભાઇ ઓઝાએ કર્યું હતું.
છ કરોડ ગુજરાતીઓના બ્રહ્મતેજ સમા ભૂદેવ પરિવારોને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોઇપણ સમાજને તેની યશસ્વી પરંપરાનું સ્વામિમાન ના હોય તો તે પરાક્રમી પુરુષોને જન્મ આપી શકતો નથી.
દુનિયામાં શસ્ત્ર દ્વાર જેટલી સમાજ વ્યવસ્થા વિકસી છે તેનો કયારેક અંત આવેલો છે, જેનો ઇતિહાસ સાક્ષી છે પણ ભારતની સાંસ્કૃતિક વિરાસતનો સમાજ ટકી રહ્યો છે તેનું કારણ આ વ્યવસ્થા ""શાસ્ત્ર'' દ્વારા વિકસેલી છે અને ""શાસ્ત્રનું સંસ્કાર સંક્રમણ'' બ્રહ્મ સમાજના પંડિતોએ કરેલું છે. વેદ વિજ્ઞાનનું પરંપરા જ્ઞાનનું આ ભૂદેવોએ જ ગૌરવ કરેલું છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભૂતકાળમાં જેમણે સમાજને ટુકડે ટુકડામાં વહેંચીને અંદરોઅંદર સંધર્ષ કરાવ્યો તેમાંથી ગુજરાતને મુકત કરીને શાંતિ, એકતા અને ભાઇચારાની ભાવનાથી સમાજની સદ્ભાવનાની શકિતનું સંક્રમણ કરાવ્યું છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારે ભારતીય ઋષિકુળની સંસ્કૃત ભાષા અને વેદશાળાના શિક્ષણ માટે સંસ્કૃત યુનિવર્સિટીને નવી ગરિમા સાથે પ્રસ્થાપિત કરી છે. વર્ષે એક લાખ યુવાનો સંસ્કૃત બોલતા થાય એવું સફળ અભિયાન ઉપાડયું છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક વેદપાઠથી ટેમ્પલ મેનેજમેન્ટનું શિક્ષણ આપવા ભૂદેવો માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ ગુજરાતે જ શરૂ કરી છે અને તેના કારણે મંદિર વ્યવસ્થાપન પ્રશિક્ષણ મેળવેલા યુવાનો વિદેશોમાં મંદિરોનું સાંસ્કૃતિક પરંપરાથી વ્યવસ્થાપન કરે છે.
ભાઇજી રમેશભાઇ ઓઝાએ બ્રાહ્મણ સમાજ સંમેલનનું ઉદધાટન કરતાં જણાવ્યું કે, ભાર્ગવ રામ (પરશુરામ), રાધવરામ (પુરૂષોત્તમ) તથા યાદવરામ (બલરામ) એમ ત્રણ રામ પુરાણોમાં થઇ ગયા. બ્રાહ્મણે પોતાની ધ્રાણેન્દ્રિયનો વિનિયોગ કરીને સમાજ વ્યવસ્થામાં કોઇ ક્ષતિ કે અવ્યવસ્થા છે કે કેમ તેના પર સૂક્ષ્મ દૃષ્ટિ રાખવાની છે, સતત તેનું નિરીક્ષણ કરતા રહેવાનું છે. બૌદ્ધિક બ્રાહ્મણ સમાજના આક્રોશનું સામૂહિક સ્વરૂપ એટલે ભગવાન પરશુરામ. શસ્ત્ર જો બૌદ્ધિક-સમજદાર-વિદ્વાન મનુષ્યના હાથમાં હોય તો તેનો ઉપયોગ સમાજના હિત માટે જ થાય તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાતના વિચક્ષણ રાજપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે તેજ ગતિએ રાજ્યની વિકાસયાત્રા થકી ગુજરાતને જે વિકાસના ઉન્નત શિખરે મૂકયું છે, તેનાથી દેશના અન્ય રાજ્યોના પ્રજાજનોને ગુજરાતની મીઠી ઇર્ષા થાય છે.
કથાકાર શ્રી પ્રફુલ શુકલએ જણાવ્યું કે, મનુષ્ય જન્મથી બ્રાહ્મણ નથી હોતો તે કર્મથી બ્રાહ્મણ કહેવાય છે, એથી જ કર્મથી બ્રાહ્મણ એવા આપણા વિકાસપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીને આ બ્રહ્મ સંમેલનના અધ્યક્ષપદે સન્માનપૂર્વક સ્થાન આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની પાવન ભૂમિ પર પરશુરામની સ્મૃતિમાં એક પ્રકલ્પના નિર્માણ કરવાનો સમસ્ત બ્રહ્મ સમાજે સંકલ્પ કરવો જોઇએ, જેનું મહાત્મ્ય ૧૨ જ્યોતિર્લિંગ સમાન ૧૩મા જ્યોતિલિંગની સમકક્ષ હોય.
પાવન પંડિત રાજેશ જોશીએ પરશુરામ પ્રકલ્પ અંગે પ્રસ્તાવના રજુ કરી, ઉપસ્થિત મેદની પાસે આ ધામને પરશુરામ ધામ ધોષિત કરવા સંકલ્પ લેવડાવ્યો હતો.
બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઇ પાઠકે સ્વાગત પ્રવચન રજુ કર્યું હતું. આભારવિધિ શ્રી યજુર્વેન્દ્રજી દુબેએ કરી હતી.
આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ, રાજ્યમંત્રીશ્રી રણજીતભાઇ ગિલીટવાલા, સંસદ સભ્યો શ્રી સી.આર.પાટિલ, શ્રીમતી દર્શના જરદોષ, શ્રી પ્રવીણભાઇ નાયક, ધારાસભ્યો શ્રી કિશોર વાંકાવાલા, શ્રી નાનુભાઇ વાનાણી, શ્રી કનુભાઇ જોશી, મેયરશ્રી રાજેન્દ્ર દેસાઇ, પ્રખ્યાત ભોજપુરી ગાયક શ્રી મનોજ તિવારી સહિત બ્રાહ્મણ સમાજના અગ્રણી મહાનુભાવો, ઋષિઓ ઉપસ્થિત રહ્યા હતા.