બી.એસ.એફ. દેશમાં કોઇપણ વ્યક્તિની ધરપકડ, તપાસ કરી શકે તેવા કેન્દ્રીય કાનૂની સુધારાનો ઉગ્ર વિરોધ કરતા ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી
કેન્દ્રની વર્તમાન સરકાર રાજ્યોના અધિકારો છિનવી લઇને ભારતના સંધીય ઢાંચાને નબળો પાડવા રીતસરના પેંતરા રચે છે તે અંગે પ્રધાન મંત્રીશ્રી સમક્ષ મુખ્ય મંત્રીશ્રીએ તર્કબદ્ધ દ્રષ્ટાંતો રજૂ કર્યાં
ભારતના વડાપ્રધાનને રાજ્યો અને સંઘીય ઢાંચા ઉપર કુઠારાઘાત કરવાના વર્તમાન કેન્દ્ર સરકારના બદઇરાદા સામે પત્ર પાઠવીને ચેતવણી આપતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારતના વડાપ્રધાન શ્રી મનમોહનસિંહને ભારતના સમવાયઢાંચાની બંધારણીય ભાવનાઓ ઉપર કુઠારાઘાત કરતા અને રાજ્ય સરકારોના અધિકારો ઉપર તરાપ મારતા કેન્દ્ર સરકારના વધુ એક સૂચિત કાનૂન સુધારા સામે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, બોર્ડર સિકયુરીટી ફોર્સ એકટમાં સુધારો કરીને બી.એસ.એફ. દ્વારા કોઇપણ વ્યક્તિની તપાસ અને ધરપકડ કરવાની સત્તાઓ આપવા અંગેનો સુધારો કેન્દ્ર સરકાર લાવવા માંગે છે અને આ સંદર્ભની ચર્ચા દિલ્હીમાં ૧૬ એપ્રિલે મળનારી આંતરિક સલામતી અંગેની મુખ્ય મંત્રીશ્રીઓની પરિષદમાં કરવાનો સમાવેશ એજન્ડામાં થયો છે તે અંગે મુખ્ય મંત્રીશ્રીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
વડાપ્રધાનશ્રીને પાઠવેલા પત્રમાં મુખ્ય મંત્રીશ્રીએ એ હકિકતનો ખાસ ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરમાં નેશનલ કાઉન્ટર ટેરરીઝમ સેન્ટર (NCTC) અંગે એકપક્ષીય કેન્દ્રીય નિર્ણય અંગે તેમણે રાજ્યોના અધિકારોના વ્યાપક હિતમાં વિરોધ કર્યો હતો. એ જ રીતે રેલ્વે પ્રોટકશન ફોર્સ (આર.પી.એફ.)ને પોલીસની સત્તાઓ આપી દેવા સામેના કેન્દ્રીય કાયદાનો પણ તેમણે વિરોધ કરેલો. આમ છતાં, કેન્દ્ર સરકાર આવા કાનૂની સુધારાઓ સંદર્ભમાં રાજ્યોની સ્વાયત્તતા ઉપર હસ્તક્ષેપ કરવા સુઆયોજિત ધોરણે પ્રયાસો કરી રહી છે તે દર્શાવે છે કે, કેન્દ્રની વર્તમાન સરકાર સંધીય ઢાંચાને નબળો પાડવા પ્રતિબદ્ધ છે.
મુખ્ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને જણાવ્યું છે કે, આંતરિક સલામતીની રાષ્ટ્રીય પરિષદના એજન્ડામાં સ્પષ્ટપણે કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે, બોર્ડર સિકયુરીટી ફોર્સ માત્ર સીમાવર્તી વિસ્તારોમાં જ નહીં, પરંતુ દેશમાં કોઇપણ સ્થળે કોઇપણ ભાગોમાં પોતાની જવાબદારીઓ નિભાવવા કોઇપણ વ્યક્તિની ધરપકડ, તપાસ અને તેને કબજે લેવાની સત્તા પ્રાપ્ત કરી શકશે. તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, સીમા સુરક્ષા બળ, ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ, કેન્દ્રીય અનામત પોલીસદળ જેવા કેન્દ્રીય સુરક્ષા બળોને માટે આ જોગવાઇઓ લાગુ પડેલી છે અને બોર્ડર સિકયુરિટી ફોર્સને પણ આવી સત્તાઓ મળે તે માટે કેટલીક રાજ્ય સરકારો પણ સહમત થયેલી છે એવું કેન્દ્ર સરકાર આ સૂચિત કાયદામાં સુધારાના સમર્થનમાં આગળ ધરી રહી છે.
આ સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ પત્રમાં જણાવ્યું કે, ‘‘હું સમજુ છું ત્યાં સુધી બી.એસ.એફ. આપણી સરહદોની રક્ષા કરવા માટે રચવામાં આવેલું છે અને તેને યોગ્ય સત્તા અધિકારો પણ આપવામાં આવેલા છે. બી.એસ.એફ. પાસે ક્રિમીનલ પ્રોસિઝર કોડની જોગવાઇઓ હેઠળ નિર્દિષ્ટ કરેલ સરહદી વિસ્તારની મર્યાદામાં કોઇ ગૂનો કરે તો તેની તપાસ કરવાની સત્તા હાલ ઉપલબ્ધ છે. અર્ધ લશ્કરીદળો અને લશ્કરી દળો દેશના રાજ્યોમાં મૂલ્કી સત્તાતંત્રને કુદરતી આપત્તિ કે અન્ય કટોકટી વખતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં સહાયરૂપ થવા વિશેષ જોગવાઇઓ હેઠળ બોલાવવામાં આવે છે, અને અત્યાર સુધીની પરંપરા એ રહી છે કે લશ્કરી દળો તેમની ફરજો બજાવવામાં કામિયાબ રહ્યા છે એટલું જ નહીં, સ્ટેટ રીઝર્વ પોલીસ જે રાજ્યની પોલીસના અર્ધલશ્કરી દળ તરીકે જ કાયદો વ્યવસ્થાની જાળવણીમાં સંપૂર્ણ મદદરૂપ થાય છે તેને પણ સામાન્ય ફરજો નિભાવવામાં આ પ્રકારના ધરપકડ અને તપાસના અધિકારો આપવામાં આવ્યા નથી ત્યારે બી.એસ.એફ.ને દેશમાં કોઇપણ વ્યક્તિની ધરપકડ કે તપાસ કરવાની વિશેષ સત્તા આપવા માટે કોઇ ખાસ સંજોગો ઉભા થયા નથી'' એમ તેમણે જણાવ્યું છે.
આ સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને સ્પષ્ટપણે ચેતવણી આપતાં જણાવ્યું છે કે, બી.એસ.એફ.ને આ પ્રકારની સત્તા આપવાનું કેન્દ્રનું પગલું રાજ્યની અંદર ‘‘બીજું રાજ્ય'' (ક્રિએટીંગ સ્ટેટ વીથ ઇન સ્ટેટ)નું વરવું દ્રષ્ટાંત છે. એક બાજુ કેન્દ્ર સરકાર પાસે ગુપ્તચર સેવાઓ ભેગી કરતા એકમો, આંતરિક સલામતી જાળવવા માટે કાર્યરત દળો વચ્ચે વધુ ઉત્તમ સંકલન રાખવા સહકાર માંગે છે અને બીજી બાજુ કેન્દ્ર સરકાર રાજ્યોના અધિકારો પોતાના હસ્તક ખેંચી લઇને રાજ્યની પોલીસ પ્રત્યે અવિશ્વાસ અને તેનું નૈતિક બળ તોડવાની મૂરાદ ધરાવે છે તે કોઇ સંજોગોમાં ઉચિત નથી.
મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યોના અધિકારો ઉપર તરાપ મારતા કેન્દ્રીય કાનૂન લાવવા અંગેની માનસિકતા સામે પોતાનો ઉગ્ર વિરોધ આ પત્રમાં વડાપ્રધાનશ્રી સમક્ષ વ્યકત કર્યો છે.