ભારતના જાહેર ક્ષેત્રોની કંપનીઓમાં સેવારત મહિલાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્દઘાટન કરતા મુખ્ય મંત્રીશ્રી
જાહેર ક્ષેત્રની સેવારત મહિલા સંગઠન નારી સશક્તિકરણ ઉપર ધ્યાન કેન્દ્રીત કરે
મહિલાઓના સામર્થ્યને વિકાસમાં ભાગીદાર બનાવવા ગુજરાત સરકારે નવા આયામો અપનાવ્યા
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના જાહેર ક્ષેત્રોના કંપની એકમોમાં સેવારત મહિલાઓની રાષ્ટ્રીય પરિષદનું આજે અમદાવાદમાં ઉદ્દઘાટન કરતાં સમાજની નારીશક્તિને દેશના વિકાસ માટે નિર્ણયમાં ભાગીદાર બનાવવાની આવશ્યકતા ઉપર ભાર મુકયો હતો.જાહેર ક્ષેત્રના પદો અને કાર્યક્ષેત્રમાં પોતાના સામર્થ્યનું યોગદાન આપી રહેલી આ સામર્થ્યવાન મહિલાઓએ તેમના સંગઠ્ઠન દ્વારા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી (સામાજિક દાયિત્વ)ના કર્તવ્યરૂપે નારી સશક્તિકરણના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
આપણા દેશની જનશક્તિમાં પ૦ ટકા હિસ્સો નારીશક્તિનો છે અને તેને નિર્ણયમાં ભાગીદાર બનાવવાથી દેશના વિકાસને નવી ગતિ મળશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જાહેર ક્ષેત્ર સહિત સમાજમાં નારીશક્તિના સામર્થ્યનો પ્રસંશા કરતાં જણાવ્યું કે, ગુજરાત સરકારે નારી સમાજને મિલકતના અધિકાર સરકારી લાભોમાં માલિકીની પ્રાથમિકતા, શાળામાં નામાંકન કરતાં બાળક સાથે ફરજિયાત માતાનું નામ લખવાનો આદેશ જેવા અનેકવિધ નવા આયામો અપનાવ્યા છે.
કોઇપણ વિપરીત સંજોગો અને પરિસ્થિતિ ઇચ્છાશક્તિ અને દ્રષ્ટિવંત આયોજનથી બદલી શકાય છે એ ગુજરાત સરકારે દશ વર્ષમાં ભૂકંપથી તારાજ થયેલા રાજ્યને વિકાસની નવી ઊંચાઇના મોડેલ ઉપર મુકીને પુરવાર કરી દીધું છે તેના અનેકવિધ દ્રષ્ટાંતો મુખ્ય મંત્રીશ્રીએ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની જાહેર સાહસોની કંપનીઓ ગુજરાત વિદ્યુત બોર્ડ, ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનને કોર્પોરેટ પ્રોફેશનલ મેનેજમેન્ટથી ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જાહેરક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓમાં સફળતાથી રૂપાંતર કર્યું છે. કૃષિ વિકાસ અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાતે ક્રાંતિ સર્જી છે.
નારી સશક્તિકરણ ક્ષેત્રેસ્ત્રી-પુરૂષ જન્મદરનું અસંતુલન દૂર કરવા બેટી બચાવ આંદોલન અને કન્યા કેળવણી અભિયાનની સફળતાના દ્રષ્ટાંતો તેમણે વિગતવાર ગુણાત્મક પરિવર્તનના આંકડા સાથે રજૂ કર્યા હતા. ગરીબ સગર્ભા માતા અને ગરીબ બાળકો, કિશોરીઓને કુપોષણમાંથી મુકત કરવા સમાજને પ્રેરિત કરીને રાજ્ય સરકારે દેશને માતા-શિશુ મૃત્યુ દર,સ્ત્રી-પુરૂષ અસંતુલન અને કન્યા શિક્ષણ માટેની નવી દિશા બતાવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ મહિલાઓને નારી સશક્તિકરણ માટેની નવી દિશામાં પોતાના સામર્થ્યનું પ્રગટીકરણ કરવા પણ સૂચનો કર્યા હતા.
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે દેશના જાહેર ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરનારી મહિલાઓ અને કંપનીઓના મહિલા કાર્યવાહકોને WIPSના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં આઇ.આઇ.એમ. ખાતે બે દિવસ ચાલનારી આ રાષ્ટ્રીય પરિષદમાં WIPSના અધ્યક્ષા શ્રીમતી રેચલ મેથ્યુ અને પヘમિ ક્ષેત્રના અધ્યક્ષા શ્રીમતી કીર્તિ તિવારીએ પરિષદની ચર્ચાની રૂપરેખા આપી હતી.
‘‘સ્ક્રોપ''ના ડાયરેકટર જનરલ શ્રી યુ. ડી. ચૌલે તથા આઇ.આઇ.એમ.ના શ્રી અજય પાંડેએ હાર્દરૂપ પ્રવચનો કર્યા હતા. શ્રીમતી મલ્લિકા શેટીએ આભારદર્શન કર્યું હતું.
મહિલા પદાધિકારીઓ સહિત તમામ વકતાઓએ મુખ્ય મંત્રીશ્રીના કુશળ નેતૃત્વ અને ગુજરાતના વિકાસના વિઝનની ભરપૂર પ્રસંશા કરી હતી.