ભારતભરના રેગ્યુલેટરી કમિશનોના વરિષ્ઠ પદાધિકારીઓનો FOIR કાર્યશિબિર અમદાવાદમાં - મુખ્યમંત્રીશ્રીએ કર્યું ઉદ્દઘાટન
મુખ્યમંત્રીશ્રીઃ
દેશના વિવિધલક્ષી વિકાસ પ્રોજેકટની ટેન્ડર પ્રક્રિયાના સર્વગ્રાહી નિયમનો અને ધોરણો સુનિશ્ચિત કરીએ
રેગ્યુલેટરી મિકેનિઝમ રાષ્ટ્રીય હિત અને વિકાસલક્ષી હોવું જોઇએ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ FOIR ના ઉપક્રમે અમદાવાદમાં આયોજિત ભારતના વિવિધ રેગ્યુલેટરી કમિશનોના પદાધિકારીઓને દેશમાં માળખાકીય સુવિધાઓ અને વિકાસના વિવિધલક્ષી પ્રોજેકટો માટેની ટેન્ડર પ્રક્રિયાના સર્વગ્રાહી માપદંડો (NORMS) અને નિયમનો (Regulations) સુનિશ્ચિત કરવાનું પ્રેરક સૂચન કર્યું હતું.
ગુજરાત વીજનિયમન આયોગ (GERC) ના આમંત્રણથી FORUM OF INDIAN REGULATORS (FOIR) નો આ કાર્યશિબિર આજથી અમદાવાદમાં શરૂ થયો હતો. દેશના જૂદા જૂદા રાજ્યોના તેમજ કેન્દ્ર સરકારના રેગ્યુલેટરી કમિશનો અને ઓથોરિટીના અધ્યક્ષશ્રીઓ તથા વરિષ્ઠ પદાધિકારીઓ આ કાર્યશિબિરમાં ભાગ લઇ રહ્યા છે.દેશમાં અનેકવિધ વિકાસના કામો અને પ્રોજેકટનું આયોજન અને અમલીકરણ થાય છે તેના માટેની ટેન્ડર પ્રક્રિયાની પારદર્શિતા અને સુવિચારિત ધોરણે નોર્મ્સ એન્ડ રેગ્યુલેશન્સનું સર્વગ્રાહી મોડેલ તૈયાર કરવાની જરુર ઉપર મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂકયો હતો. ગુજરાતે માળખાકીય સુવિધા વિકાસ અને જનસુખાકારીના પ્રોજેકટમાં આ પ્રકારના નવા પેરામિટર્સ વિકસાવેલા છે તેનો આ સંદર્ભમાં નિર્દેશ કરતાં તેમણે એમ પણ જણાવ્યું કે આધુનિક વિકાસના કામો અને યોજનાઓના પ્રોજેકટ અને JNNURMના અનેકવિધ કામો રાજ્યોમાં હાથ ધરાય છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયાના ધારાધોરણો જૂદાં જૂદાં છે તેની સમીક્ષા કરીને સર્વગ્રાહી મોડેલ ફ્રેઇમવર્ક ઉભૂં કરવું જોઇએ.
મુખ્યમંત્રીશ્રીએ રેગ્યુલેટરી ઓથોરિટીની કાર્યશૈલીની સ્વાયત્તતા વિશે જણાવ્યું કે વીજળીના દરો નક્કી કરવાની પ્રક્રિયા ERC માટે ખૂબ જ લાંબી હોય છે, પરંતુ વિનામૂલ્યે વીજળી આપવાની જાહેરાત, વિનાવિલંબે ચૂંટણી જીતવાની રાજનીતિ માટે થઇ જતી હોય ત્યારે, રેગ્યુલેટરી કમિશનોની ભૂમિકા કેવી હોય તે વિચારવું જરૂરી છે. આખેઆખો "હાથી પસાર થઇ જાય પણ પૂંછડું અટકી જાય" એવી સ્થિતિ બદલવા માટે આખી વ્યવસ્થાને વધુ વૈજ્ઞાનિક અને સુવિચારિત બનાવવી જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગેસ અને કોલસા જેવા કુદરતી સંસાધનોના ઉપયોગ અને વપરાશ માટેની કેન્દ્રીય નિયમન નીતિઓ સંદર્ભમાં જણાવ્યું કે ગુજરાતની ધરતીમાંથી ગેસભંડાર મળે છે, પરંતુ આ ગેસ રાજ્યની જરૂરિયાતો પ્રમાણે ઉપયોગમાં લેવાનો કે ગુજરાતને ગેસગ્રીડ માટેની પાઇપલાઇનો નાંખવાનો અધિકાર નથી. કેન્દ્રીય નીતિનિયમોના કારણે ગુજરાતને ગેસ અને કોલસો મોંઘાભાવે ખરીદવો પડે છે.
આ માટેના રેગ્યુલેટરી નોર્મ્સ અંગેની આખી વ્યવસ્થા જ પૂનઃવિચારણા માંગી લે છે જે રાષ્ટ્રીય અને સાર્વજનિક હિતમાં હોવી જોઇએ એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
ગુજરાત વિદ્યુતબોર્ડ જેવા જાહેર સેવા-સાહસની કાર્યક્ષમતામાં ગૂણાત્મક પરિવર્તન લાવીને વર્તમાન રાજ્ય સરકારે દશ વર્ષ પૂર્વે રૂા. રપ૩૩ કરોડની જંગી ખાદ્ય અને રૂા. ૯૦૦ કરોડના વીજ સબસીડીના બોજ હેઠળ રહેલા GEB નું પૂર્નગઠન કરીને આજે રૂા. પ૩૩ કરોડની ચોખ્ખી આવક ધરાવતું સફળ સેવાક્ષેત્ર બનાવ્યું છે તે અંગેનો કેસસ્ટડી કરવા અને અન્ય રાજ્યોમાં પણ બેસ્ટ પ્રેકટીસની સફળ સિધ્ધિઓના અભ્યાસ ઉપર તેમણે ભાર મૂકયો હતો.
ગુજરાતની નર્મદા મુખ્ય કેનાલ ઉપર સોલાર પેનલ મૂકીને અને કેનાલના વહેતા પાણીમાં હાઇડ્રો માઇક્રો ટર્બાઇન ટેકનોલોજીનો વિનિયોગ કરીને રાજ્ય સરકારે એક કીલોમીટર કેનાલમાંથી એક મેગાવોટ વીજળી અને એક કરોડ લીટર વરાળથી બાષ્પીભવન થઇ જતા પાણીની બચત કરવાનો પાઇલોટ પ્રોજેકટ હાથ ધર્યો છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સોલાર એનર્જી અને વિન્ડ એનર્જી જેવા બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતો માટેની સર્વગ્રાહી પ્રોત્સાહક નીતિઓ અપનાવીને સૌરઊર્જા અને પવનઊર્જાથી વિપુલ વીજળી ઉત્પાદન માટેની સફળ કેડી કંડારી છે. એટલું જ નહીં, આવી સૌરઊર્જાની વીજળી સસ્તી થાય તે માટેની પહેલના નવા આયામો અપનાવ્યા છે. કલાઇમેટ ચેંજના પડકારને પહોંચી વળવાના આવા ઉત્તમ આયામોને પ્રોત્સાહન મળવું જોઇએ.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રના અને રાજ્યોના રેગ્યુલેટરી કમિશનોને ભારતના આધુનિક અને સાતત્યપૂર્ણ વિકાસ માટે સુસંગત નિયમનો અને કાર્યશૈલી માટેનું સુવિચારિત મંથન કરવાની તત્પરતાને આવકારી હતી.
FOIRના અધ્યક્ષ અને CERCના પ્રમુખશ્રી પ્રમોદ દેવે FOIRના રાષ્ટ્રીય કાર્યશિબિરના ઉદેશોની ભૂમિકા આપી ગુજરાત સરકારની સફળ કાર્યસિધ્ધિઓને દ્રષ્ટાંતરૂપ ગણાવી હતી.
GERCના અધ્યક્ષ ડો. પી. કે. મિશ્રાએ આવકાર પ્રવચનમાં GERCના નિયમનોની કાર્યપધ્ધતિ અને વિશિષ્ઠતાઓ પ્રસ્તુત કરી હતી.