દ્વારકાઃ સદ્દભાવના મિશન જિલ્લા અભિયાન ‘‘મારે મન છ કરોડ ગુજરાતીઓના આશીર્વાદ જ પ્રમાણપત્ર છે'':
ગુજરાતનું સદ્દભાવના મિશનઃ જિલ્લામાં ૩૩ ઉપવાસ કરીશ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દ્વારકામાં સદ્દભાવના મિશનના અનશન સમાપન કરતાં સદ્દભાવનાની શક્તિને સર્વોપરી ગણીને જણાવ્યું હતું કે, મારે મન છ કરોડ ગુજરાતીઓના પ્રમાણપત્રરૂપ આશીર્વાદ જ પુરતા છે. વિશાળ સદ્દભાવના સમર્થકોની હાજરીથી પ્રોત્સાહિત મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સદ્દભાવના મિશનમાં તેઓ ર૬ જિલ્લા અને ૭ મહાનગરોમાં મળી કુલ ૩૩ સદ્દભાવના મિશનના અનશન કરશે જેની તપસ્યાથી ગુજરાતમાં સદ્દભાવનાનો શક્તિસેતુ બનશે.દ્વારકાની સદ્દભાવનાની પાવનભૂમિમાં સવારથી જનતા જનાર્દનની વિશાળશક્તિ સદ્દભાવના મિશનને મળી છે તેનો અંતઃકરણથી આભાર માનતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, માતૃશક્તિથી લઇને યુવાશક્તિ, આબાલવૃદ્ધ, સંપ્રદાયોના વડાઓ સહિત અનેક અનેક સંગઠ્ઠનોએ, નાગરિકોએ અનશન અને સદ્દભાવના મિશનમાં જોડાઇને નવી શક્તિ આપી છે અને આ જનશક્તિની સદ્દભાવનાએ જ ગુજરાત વિશેની બદનામી અને જાઠાણાને ધોઇ નાખ્યા છે. ગુજરાતની આ જ જનશક્તિએ સદ્દભાવનાનો વિશાળ સેતુ સમાજમાં ઉભો કર્યો છે જે દેશને ગુજરાતના સામર્થ્યનું સાચું દર્શન કરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આટઆટલા વર્ષોથી તેમના ઉપર જાુઠાણાની પસ્તાળ પડે છે પણ તેઓ કેમ ચૂપ છે તેનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, મારે તો જનતાની સેવા કરવાની છે. સદ્દભાવનાનો મંત્ર લઇને સૌનો સાથ, સૌનો વિકાસનું સપનું સાકાર કરવા જાતને સમર્પિત કરી છે. ભૂતકાળમાં ઠાલા વચનોની જાહેરાતો કરનારાએ શું કર્યું એનો હિસાબ કોઇએ આપ્યો નથી. એથી જ દેશની દર્દુશા થઇ છે. લોકશાહીમાં જનતાનો હિસાબ માંગવાનો હક્ક છે. તમે કશું કર્યું કે ના કર્યું અમે તો કરી રહ્યા જ છીએ. જાઠાણા ગપગોળાના જવાબો આપવામાં મારે સમય બરબાદ નથી કરવો. જનતા જ સમય આવે જવાબ આપી દેશે. હું મારે કરવાના જનહિતના કામો માટે તપસ્યા કરી રહ્યો છું, એમ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદમાં દેશની ઐતિહાસિક છ લાખ નાગરિકોની રેલી હતી પણ એને પ્રસિદ્ધિ નહીં આપવા છેક દિલ્હીથી દબાણો થયા. પરંતુ તમે કયાં સુધી છ કરોડ ગુજરાતીઓને દબાવી શકશો. આ જનતા જ એનો મિજાજ બતાવશે, એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતના સમાજમાં સદ્દભાવના પડેલી છે એટલે જ લાખો સગર્ભા બહેનોને ગામની માતૃશક્તિએ સુખડીનો પોષક આહાર આપવાની જવાબદારી ઉપાડી લીધી છે. ડેરીમાં વેચાતા દૂધમાંથી ગરીબ બાળકો માટે ભગવાનનો ભાગ દૂધ તરીકે આપવાની સદ્દભાવના પ્રવૃત્તિ હજારો ગામોએ બતાવી છે. આ સદ્દભાવનામાં કયાંય સરકાર નથી. છતાં સમાજે આ વાતાવરણ બનાવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં સદ્દભાવનાનું વાતાવરણ છે અને હજારો ર્ડાકટરો ગરીબ સગર્ભા માતાની દર મહિનાની નવમી તારીખે વિનામૂલ્યે સારવાર કરે છે. ચિરંજીવી યોજનામાં ૯પ ટકા સંસ્થાકીય પ્રસૂતિ હોસ્પિટલોમાં થાય છે.
આ સદ્દભાવનાની શક્તિનું પરિવર્તન છે. સદ્દભાવના તો ગુજરાતે દશ વર્ષથી અમલમાં મુકી છે. હવે આ જનચેતનાથી સદ્દભાવનાનો સેતુ અને સંવેદનાનું વાતાવરણ સર્જી બતાવ્યું તેને વિસ્તારવું છે.
ગરીબ કલ્યાણ મેળા દ્વારા તંત્રએ ગરીબોમાં સદ્દભાવનાની શક્તિનો અહેસાસ કરાવ્યો છે તેની રૂપરેખા આપી મુખ્ય મંત્રીશ્રીએ સદ્દભાવના કેવી રીતે પ્રગટે તેના દ્રષ્ટાંતો આપ્યા હતા.
સદ્દભાવનાનો બેલ્ટ પહેરનારા યુવાનો સદ્દભાવનાથી સ્થિતિમાં પરિવર્તન લાવી શકશે. સમાજને તોડનારા પરિબળોને સદ્દભાવનાથી જ નાથી શકાશે. અંધકાર કાઢવો હોય તો પ્રકાશ દાખલ કરવો પડે. જેમણે ભૂતકાળના પાપોથી ગુજરાતના સમાજને તોડયો છે તેને સદ્દભાવનાના વાતાવરણથી જ સમાજને જોડવો છે. શરીરના કોઇપણ અંગ માટે શરીરનું આખું ચેતનાતંત્ર એક બને છે, એમ ગરીબના દર્દ માટે સમાજ પુરૂષની આંખમાંથી આંસુ વહે છે તે સાચી સંવેદના છે. મારે રાજકારણના આટાપાટા નથી રમવા મારે તો સદ્દભાવનાની શક્તિથી ગુજરાતનો જયજયકાર કરવો છે, એમ તેમણે જણાવ્યું હતું. એ માટે યજ્ઞ આદર્યો છે, આ ધોમધખતા તાપમાં અમે જનતાનો રૂપિયો જનહિતમાં વાપરીએ છીએ, એમ પણ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.