મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય આયોજનપંચ ઉપાધ્યક્ષ વચ્ચે દિલ્હીમાં યોજાયેલી ફળદાયી બેઠક
બે નવા પ્રોજેકટ મંજૂર
કોસ્ટલ ટુરિઝમ પ્રોજેકટ, નંદધર યોજના
ગુજરાતની ર૦૧ર-૧૩ની વાર્ષિક યોજનાના કદમાં વૃધ્ધિ
રૂ.પ૦પ૯૯ કરોડની વાર્ષિક યોજનાનું કદ રૂ. પ૧૦૦૦ કરોડ મંજૂર કરતું ભારત સરકારનું આયોજન પંચ
ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના વિકાસમાં કેન્દ્રીય સહાયમાં અન્યાય અને ભેદભાવ અંગે તલસ્પર્શી રજૂઆત
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભારત સરકારના આયોજન પંચના ઉપાધ્યક્ષ ડો. મોન્ટેકસિંહ અહલુવાલિયા વચ્ચે યોજાયેલી ફળદાયી બેઠકના અંતે આજે નવી દિલ્હીમાં ગુજરાતની ર૦૧ર-૧૩ની વાર્ષિક યોજનાનું કદ રૂ. પ૧૦૦૦ કરોડ નિર્ધારિત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે વિધાનસભામાં રૂ. પ૦પ૯૯ કરોડની વાર્ષિક યોજના રજૂ કરી હતી. તે સંદર્ભમાં, કેન્દ્રીય આયોજનપંચ અને ગુજરાત સરકાર વચ્ચે યોજાયેલી આજની બેઠકમાં આયોજન પંચે ગુજરાતના આયોજિત વિકાસની સફળતા અને સિધ્ધિઓને લક્ષમાં લઇને વધુ બે પ્રોજેકટ મંજૂર કર્યા હતા.કેન્દ્રીય આયોજન પંચે આ વર્ષે (૧) સાગરકાંઠાના વિસ્તારોમાં પ્રવાસન વિકાસને ઉત્તેજન આપવા કોસ્ટલ ટુરિઝમનો રૂ. ૧ર૦ કરોડનો પ્રોજેકટ અને (ર) આંગણવાડીના ફલકને વિસ્તારવા નંદધર યોજનાના પ્રોજેકટ મંજૂર કર્યો હતો.
ગુજરાત દુષ્કાળગ્રસ્ત હોવા છતાં દશ વર્ષમાં કૃષિક્રાંતિનો ચમત્કાર થયો છે. કૃષિ ક્ષેત્રે કેન્દ્ર સરકારની અન્યાયી નીતિઓને કારણે ગુજરાતના ખેડૂતોને ખૂબ સહન કરવા વારો આવ્યો છે. ગુજરાતના ખેડૂતોના સામર્થ્યને પ્રોત્સાહન આપવા આયોજન પંચ પોતાની વગ વાપરે એવું સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
ગુજરાત હાઇટેક એગ્રીકલ્ચર, નેટહાઉસ-પોલીહાઉસ અને ડ્રીપ ઇરીગેશનના ઊંચા લક્ષ્યાંકો હાંસલ કરી રહ્યું છે. ગુજરાતમાં હવે સીંગતેલમાંથી કપાસીયા તેલ તરફની માનસિકતા ખૂબ વધી છે અને કપાસના ઉત્પાદન માટેની ગુજરાતની શકિત ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારની ખેડૂત-વિરોધી પોલીસીએ કપાસ ઉત્પાદકોને રૂ. ૧પ૦૦૦ કરોડનું આર્થિક નુકશાન પહોંચાડયું છે.
કોટન એક્ષ્પોર્ટની અવળી નીતિને કારણે વિશ્વના બજારોમાં ભારત સરકારની વિશ્વસનિયતાનું ધોવાણ થયું છે એમ તેમણે જણાવ્યું હતું.
સરદાર સરોવર યોજના માટેAIBPતરીકે નર્મદા યોજનાને ૯૦ ટકા કેન્દ્રીય ગ્રાન્ટ મળવી જોઇએ જેનો દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં મોટો ભાગ છે અને આયોજન પંચે આ દરખાસ્ત સ્વીકાર કર્યો છે છતાં, બે વર્ષથી ગુજરાતને રૂ. ૧૭૦૦ કરોડ બાકી લહેણા નીકળે છે.
સેન્ટ્રલ સેલ્સટેક્ષના ગુજરાત રાજ્યના વળતરરૂપે રૂ. ૩૦૦૦ કરોડ લેવાના નીકળે છે. અન્ય રાજ્યોને રૂ. ૬૦૦૦ કરોડ આપી દીધા, પણ ગુજરાતને એક રૂપિયો આપ્યો નથી. ક્રુડ ઓઇલ રોયલ્ટી આસામ અને ગુજરાત બંનેને સમાન ધોરણે મળવી જોઇએ પણ ગુજરાતને રૂ. પ૪૦૦ કરોડ ઓછા રોયલ્ટીના મળે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ નેશનલ ફયુઅલ પોલીસી સુવિચારિત અને ન્યાયિક બનાવવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો. ગુજરાતને નાગપુર કોલ લિન્કેજ નહીં મળવાથી કોલસા ખરીદીમાં રૂ. ૪૦૦ કરોડનો વધુ બોજ ઉપાડવો પડે છે. જે કોલસાની ખાણમાંથી મહારાષ્ટ્રને પર્યાવરણ મંજૂરી નહી હોવા છતાં તેના ત્રણ વીજ પ્રોજેકટ માટે કોલસો મંજૂર થાય છે પણ ગુજરાતને આ જ ખાણમાંથી પર્યાવરણ મંજૂરી નહી હોવાનું બહાનુ બતાવીને રાજ્યના વીજમથક માટે કોલસો મંજૂર નથી થતો. આવો ભેદભાવ કેમ? તેવો સવાલ ઉઠાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતને ગેસ ફાળવણીમાં ખૂબ અન્યાય થાય છે. સી.એન.જી. ગેસ જે ભાવે દિલ્હી, મુંબઇ જેવાં શહેરોને મળે છે તેના કરતાં ૪૦ ટકા મોંધો ગુજરાતને મળે છે.
ગુજરાત અને આન્ધ્રપ્રદેશને ગેસ ફાળવણીમાં અન્યાય-ભેદભાવ કેમ? તેવો પ્રશ્ન ઉઠાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આન્ધ્રને તેની જરૂરિયાતના ૮૦ ટકા અને ગુજરાતને માત્ર પાંચ ટકા અપાય છે!- કેરોસીનના પૂરવઠામાં ગુજરાતના બી.પી.એલ. અને માછીમારો માટે ૩પ ટકા ધટાડો કરી નાંખવા પાછળ કોઇ કારણ નથી છતાં ધોર અન્યાય થઇ રહ્યો છે.
ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ છે છતાં, વીજળીની અછત વાળા રાજ્યોની ટ્રાન્સમિશન લાઇનો જર્જરિત હોવાથી આપી શકતું નથી અને આવા પાવર કટ વાળાં રાજ્યો વીજળીની પરેશાની ભોગવે છે. કેન્દ્ર સરકારની વીજ ઉત્પાદન પાવર સ્ટેશનો ચલાવતી બધી કંપનીઓનું પાવર-પૂલીંગ બનાવવા તેમણે સૂચવ્યું હતું.
ગુજરાતને જેએનએનયુઆરએમમાં ગાંધીનગર-રાજધાની અને સરદાર પટેલની જન્મભૂમિ કરમસદને બાકાત રાખ્યું છે અને દશ વર્ષમાં રેલ્વે ટ્રેકની નવી લાઇન એક કીલોમીટર પણ આપી નથી એમ તેમણે ગુજરાતને થતા અન્યાયની ભૂમિકા આપતા જણાવ્યું હતું.
ભારત સરકાર પોલિસી પેરાલીસીસથી પીડાય છે અને વડાપ્રધાનશ્રીએ પોતે મુખ્યમંત્રીશ્રીઓની જે બે કોર કમિટી નીમી હતી તેમાં ગુજરાતના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જે બે અહેવાલો કેન્દ્રને સુપરત કર્યા છે તે અંગે કોઇ વિચારણા થઇ હોવાનું જણાવ્યું નથી એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાંથી રાષ્ટ્રીયકૃત બેન્કોને જે નાણાં મળે છે તેમાંથી માત્ર ૬૮ ટકા જ ગુજરાતને સી.ડી. રેશિયો તરીકે મળે છે. ગુજરાતની મિશન મંગલમ્ યોજના નીચે સખીમંડળોને બેન્કોનું ધિરાણ સૌથી વધુ મળવું જોઇએ તેવી રજુઆત શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી.
બારમી પંચવર્ષીય યોજનાના પ્રારંભનું આ પ્રથમ વર્ષ છે, અને ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીના પ૦ વર્ષની બધી જ પંચવર્ષીય યોજનાઓનો સરવાળો રૂ. ર,૩૦,રપ૬ કરોડ થાય છે તેની તુલનામાં ગુજરાતની બારમી યોજના જ રૂ. ર,પ૧,૦૦૦ કરોડની અંદાજવામાં આવી છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આયોજન પંચના ઉપાધ્યક્ષ અને સભ્યોએ ગુજરાતની આર્થિક શિસ્ત અને આયોજિત વિકાસની સિધ્ધિઓને પ્રભાવક ગણાવતા જણાવ્યું હતું કે ગુજરાતે ડબલ ડિઝીટ ગ્રોથ રેઇટ જાળવી રાખ્યો છે. રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના, સાગરખેડુ વિકાસ યોજના અને શહેરી ગરીબ સમૃધ્ધિ યોજના-આ ત્રણેય યોજનાઓમાં કુલ બજેટની ૩૪ ટકા જોગવાઇઓ અને કાર્યક્રમોને પણ કેન્દ્રીય આયોજન પંચના સભ્યોએ સરાહનીય ગણાવી હતી. પર્યાવરણ સાથે વિકાસનું ગુજરાતનું વિઝન પહેલરૂપ છે એની નોંધ લેવામાં આવી હતી.
ગુજરાતે યુવાનોના હુન્નર કૌશલ્ય માટેના અપનાવેલા સ્કીલ ડેવલપમેન્ટ વ્યૂહની પણ તેમણે પ્રસંશા કરી હતી.
રાજ્યો અને કેન્દ્ર વચ્ચે પ્રગતિના ડેટાકલેકશનમાં ભિન્નતા છે તેના ઉપાયો શોધવાની જરૂર ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આના કારણે વિકાસના મૂલ્યાંકન ઉપર વિપરીત અસર પડે છે. ગુજરાતે માનવ વિકાસ સૂચકાંક ઉંચે લાવવામાં ધણી પહેલ કરી છે. સ્ત્રી-પુરૂષ રેશિયોમાં ખૂબ સુધારો થયો છે. દલિતો અને આદિવાસીઓના વિકાસમાં સૌથી વધારે સફળતા ગુજરાતે મેળવી છે. પ્રાથમિક શાળાઓમાં વિઘાર્થીનીઓના અલગ ટોઇલેટ સેનિટેશન એકમ બધી જ ૩૪૦૦૦ શાળાઓમાં ઉપલબ્ધ કર્યા છે જેનાથી કન્યાઓના ડ્રોપઆઉટમાં ધણો સુધારો થયો છે.
કેન્દ્રીય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ડો. મોન્ટેકસિંહ અહલુવાલિયાએ ગુજરાતની વાર્ષિક યોજના સંદર્ભમાં જણાવ્યું કે ૧રમી પંચવર્ષીય યોજનાના પ્રારંભનું આ વર્ષ છે અને માત્ર ગુજરાત જ નહીં, રાષ્ટ્રીય આયોજનને વધુ સંગીન બનાવવા ગુજરાતની સાફલ્યસિધ્ધિઓ તથા કેન્દ્ર સરકારે આયોજનમાં શું ફેરફારો કરવા જોઇએ તે માટેના સૂચનો આવકાર્ય છે.
આ બેઠકમાં નાણામંત્રીશ્રી વજૂભાઇ વાળા, નાણાં અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, આયોજન રાજ્યમંત્રીશ્રી રણજિતભાઇ ગિલીટવાલા, ગુજરાત આયોજન પંચ ઉપાધ્યક્ષશ્રી ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમાં, મુખ્યસચિવશ્રી એ. કે. જોતી અને વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત હતા.