ગુજરાતમાં વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંગે ભ્રામક-નકારાત્મક છાપ ઉભી કરે છ કેન્દ્રીય મંત્રીશ્રી જયરામ રમેશ
ગુજરાત સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓ સર્વશ્રી નીતિનભાઇ પટેલ અને શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતના વોટરશેડ પ્રોગ્રામ અંગે કેન્દ્રીય મંત્રીશ્રી જયરામ રમેશના નકારાત્મક મંતવ્યને પડકારતાં જણાવ્યું છે કે સમગ્ર દેશમાં માત્ર ગુજરાતને જ બદનામ કરવાનો ઠેકો લઇને યુપીએ સરકારના કોંગ્રેસી મંત્રીઓ ભ્રામક અને નકારાત્મક માનસિકતા અને જૂઠ્ઠાણા ફેલાવતા રહયા છે.
કેન્દ્રીય મંત્રીશ્રી જયરામ રમેશના ગુજરાતના વોટરશેડ પ્રોગ્રામના નર્યા જૂઠ્ઠાણાને પડકારતા પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે તેમણે તા.૩૦મી જૂન-ર૦૧૩ સુધીનો પ્રગતિનો ડેટા ધ્યાનમાં લઇ દેશને ગૂમરાહ કર્યો છે. ગુજરાત સરકારે રૂા. ૪૦૯ કરોડ વાપર્યા નથી એમ કહેવું નર્યું અસત્ય જ છે. હકિકતમાં ર૦૧૩-૧૪ના વર્ષ માટે તો ગુજરાત સરકારે અધિક રૂા. ર૩૩.૦૬ કરોડનું ભંડોળ માંગ્યું હતું, આ અંગેની પૂર્તતા પણ રાજ્ય સરકારે કરી હતી પણ કેન્દ્ર સરકારે તેની ફાળવણી કરી જ નથી.
ગુજરાતના વોટરશેડ પ્રોગ્રામની સફળતાની પ્રસંશા તો કેન્દ્રીય સરકાર અને વડાપ્રધાનશ્રીએ સ્વયમ્ કરી છે. ઇન્ટીગ્રેટેડ વોટર મેનેજમેન્ટ પ્રોગ્રામ અંગે પણ વડાપ્રધાનનો પબ્લીક એડમિનીસ્ટ્રેશન એકસેલન્સનો ર૦૧૦-ર૦૧૧ અને ટેકનોલોજીના નવા અભિગમના ઉપયોગ કરવા માટે નેશનલ ઇ-ગવર્નન્સ એવોર્ડ પણ ગુજરાતને મળ્યો છે. ગુજરાતના વોટરશેડ પ્રોગ્રામની ડોકયુમેન્ટરી ભારત સરકારના વડાપ્રધાન કાર્યાલયના વહીવટી સુધારણા પ્રભાગ અને માહિતી પ્રસારણ મંત્રાલયે પ્રસારિત કરેલી છે અને વડાપ્રધાન કાર્યાલય તો ગુજરાતના મોડેલને થીન્કીંગ આઉટ ઓફ બોક્ષ પુસ્તકરૂપે પ્રકાશિત કરેલું છે. દેશના ૧૮ રાજ્યો વોટરશેડ ડેવલપમેન્ટના ગુજરાતના મોડેલને અનુસરે છે, ત્યારે પ્રવકતા મંત્રીશ્રીઓએ શ્રી જયરામ રમેશ આ અંગે કેમ ચૂપ છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.