ગુજરાતગૌરવદિનઃતા.૧લીમે, ર૦૧ર
રાજ્યકક્ષાની ઊજ્વણી દાહોદ ખાતે શાનદાર રીતે કરાશે
મુખ્યમંત્રીશ્રી અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશેઃ અમદાવાદમાં પ્રથમ નેશનલ બુક ફેરનો શુભારંભ,યુનિક આઇડેન્ટી ફિકેશન કાર્યક્રમનો પ્રારંભ થશે
દાહોદ ખાતે વિકાસ યોજનાઓના રૂા. રર૯ કરોડના ૧૧ર૬ વિકાસકામોનું ખાતમૂહર્તઃ રૂા. ૧૮૬ કરોડના ૧૯૪૭ વિકાસકામોનું લોકાર્પણ કરાશે
‘‘દિશા ચીંધે દાહોદ'' રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
ગાંધીનગરઃ સોમવારઃ ગુજરાત રાજ્યકક્ષાનો સ્થાપના દિન તા. ૧લી મે, ર૦૧ર ગુજરાત ગૌરવદિન તરીકે શાનદાર રીતે ઉજ્વાશે. ગૌરવદિનની રાજ્યકક્ષાની ઉજ્વણી આદિજાતિ વિસ્તાર એવા દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે.તા. ૧લી મેના પ્રારંભે સવારે અમદાવાદ શહેરમાં પણ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નહેરૂબ્રિજના છેડે સરદાર બાગ સામે આવેલ ઇન્દુચાચાની પ્રતિમાને સવારે ૯-૦૦ કલાકે પુષ્પાંજલિ અપાશે. ત્યારબાદ ભદ્ર ખાતેના શહીદ સ્મારકમાં પણ પુષ્પાંજલિ અપાશે. ૯-૧પ કલાકે અમદાવાદમાં પ્રથમ એવા નેશનલ બુક ફેરનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે કરાવશે. આ પ્રસંગે રાજ્યમાં યુનિક આઇડેન્ટી ફિકેશન કાર્યક્રમનો પણ આરંભ થશે.
રાજ્યના મહત્ત્વના પર્વોમાં રાજ્યભરના તમામ લોકોની જનભાગીદારી કેળવાય અને આવી ઉજ્વણીઓમાં પ્રજાજનો સરળતાથી સામેલ થઇ શકે તેવા હેતુસર દાહોદ ખાતે યોજાઇ રહેલા રાજ્યકક્ષાના ગૌરવદિન ઉજ્વણી નિમિત્તે ‘‘દિશા ચીંધે દાહોદ'' થીમ પર દાહોદ-કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ભવ્ય આતશ બાજી થશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે દાહોદ જિલ્લાના પ્રતિષ્ઠિત મહાનુભાવોનું સન્માન અને રાજ્ય સરકારના એવોર્ડ વિતરણ વિધિ તેમજ પુસ્તકોનું વિમોચન કરાશે. આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિવિધ વિકાસકામોના ખાતમૂહર્ત, લોકાર્પણ, મહાત્મા ગાંધીજી અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓનું અનાવરણ, પોલીસ પરેડની માર્ચ પાસ્ટ, સહાય યોજનાના આદેશપત્રોનું વિતરણ, આદિજાતિ પ્રજાના વિકાસની ઝાંખી કરાવતા પ્રદર્શનો વિગેરે અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે.
રાજ્ય કક્ષાની આ ઉજ્વણી દરમિયાન દાહોદ જિલ્લામાં રૂા. રર૯ કરોડના ૧૧ર૬ વિકાસકામોનું ખાતમૂહર્ત થશે જ્યારે ૧૮૬ કરોડના ૧૯૪૭ વિકાસકામોનું લોકાર્પણ કરાશે. જ્યારે રૂા. ૭૦૧ કરોડના ૬૮૧ વિકાસકામોની જાહેરાત કરાશે. જે અંતર્ગત દાહોદ જિલ્લાની રૂા. ૪પ૬ કરોડની પાણી પુરવઠા યોજના, અને રૂા. ૪પ કરોડની દાહોદ નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે જે વિકાસકામોનું લોકાર્પણ થનાર છે તેમાં કૃષિ ઇજનેરી કોલેજનું મકાન, એગ્રી પોલીટેકનિકનું નવું મકાન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું નવું મકાન તેમજ કોલ્ડસ્ટોરેજ અને ફિઝિયોથેરાપી કોલેજનું લોકાપર્ણ કરાશે. આ ઉપરાંત દાહોદ ખાતે નિર્માણ થનાર હોસ્પિટલના બિલ્ડીંગનું તેમજ રાયપનીંગ ચેમ્બરનું ખાતમૂહર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આદિજાતિ વિતારમાં થઇ રહેલી આ ઉજ્વણી દરમિયાન પશુરોગ નિદાન કેમ્પ, પશુ આરોગ્ય મેળા, બેટી વધાવો અભિયાન સહિત સંધ્યા આરતી, ઘંટનાદ, મશાલ સરઘસ, લોકડાયરાના કાર્યક્રમો જેવા અનેક કાર્યક્રમોનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.