મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાલુકા સરકારના અભિગમમાં એટલું મોટું સામર્થ્ય છે જે ગુજરાતને દેશમાં વિકેન્દ્રીત પ્રશાસનમાં દિશાદર્શક બનાવશે એવું પ્રેરક આહ્્વાન રરપ તાલુકા ટીમોના અઢી હજાર અધિકારીઓને કર્યું હતું.
ગુજરાતમાં આજે પ્રશાસનિક વ્યવસ્થાપનમાં નિર્ણાયક બનવાની મોકળાશની અનુભૂતિ કરવાનો આ અનેરો અવસર છે અને તાલુકા ટીમ પોતાના સામર્થ્યની જનસામાન્યને પ્રતીતિ કરાવશે એવો પ્રેરક વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ગુજરાતના રરપ તાલુકાઓમાં આપણો તાલુકો-વાયબ્રન્ટ તાલુકોની સંકલ્પના સાકાર થઇ રહી છે તે સંદર્ભમાં, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં તેને આખરી ઓપ આપવા ત્રણ ક્ષેત્રીય સેમિનારોનો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ અંગેનો પ્રથમ વિભાગીય સેમિનાર સૌરાષ્ટ્ર અને કચ્છના ઝોનના આઠ જિલ્લાઓ માટે રાજકોટમાં ગુરૂવારે યોજાઇ ગયો અને આજે ગાંધીનગર મહાત્મા મંદિરમાં આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો-ના ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાઓનો ક્ષેત્રીય સેમિનાર સંપન્ન થયો હતો જેનું સમાપન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રેરક સૂચનો સાથે આજે સાંજે કર્યું હતું. આવતીકાલ શનિવારે વડોદરામાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો ક્ષેત્રીય સેમિનાર યોજાશે. પ્રત્યેક ક્ષેત્રીય સેમિનારમાં ૬૦૦ જેટલા તાલુકા અધિકારીઓ તાલુકા ટીમ તરીકે સામૂહિક મંથન કરી રહ્યા છે.
તાલુકા પ્રશાસનમાં સેવારત તમામ અધિકારીઓ ક્ષેત્રીય અનુભવો સાથે એકંદરે અઢી હજાર જેટલા અધિકારીઓ તાલુકા સરકારની પરિકલ્પના સાકાર કરવા પોતાની સામૂહિક ચિન્તનશકિત કામે લગાડે એવી આ દેશના ઇતિહાસમાં પહેલી ધટના છે તેની સિધ્ધિ પણ નાની-સૂની નથી એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
અને હવે રરપ તાલુકા સશકત વિકાસના આધારસ્થંભ બને તે માટે ""આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો'' અભિયાન શરૂ કરીને તાલુકા તાલુકા વચ્ચે વિકાસની તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊજાગર કરવા તેમણે આહ્્વાન કર્યું હતુ.ં રરપ સક્ષમ આધારસ્થંભ ઉપર વિકાસની યાત્રા ગુજરાતને કેટલી ઊંચાઇ ઉપર પહોંચાડશે તેની કલ્પના કરવી અધરી નથી એમ તેમણે જણાવ્યું હતું.
યોજનાના અમલીકરણ કે તાલુકા વહીવટના સુઆયોજિત કામોની સાથોસાથ પ્રત્યેક તાલુકો સર્વશ્રેષ્ઠ તાલુકો બને તે માટે સત્તાધિકાર, પદ, નેતૃત્વ અને શકિતનો સમન્વય કરવાનું પ્રત્યેક તાલુકા અધિકારી સામર્થ્ય બતાવે એ માટે ગુજરાતમાં વિકાસ માટેનું ઉત્તમ સાનુકુળ વાતાવરણ જનમાનસમાં પ્રવર્તમાન છે એમ તેમણે જણાવ્યું હતું. વિકાસને કલ્પવૃક્ષ અને કામધેનું તરીકે ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સામાન્ય માનવીના જીવનધોરણમાં ગૂણાત્મક બદલાવ લાવવાની તાલુકા ટીમમાં શકિતનો અંબાર પડયો છે, એમ તેમણે પ્રેરણા આપતા જણાવ્યું હતું.
તાલુકાની સામૂહિકતાની શકિતમાં એકત્વનો ભાવ લાવીને પ્રત્યેક તાલુકાને સમસ્યાથી મૂકત કરવાનો નિર્ધાર કરવા તેમણે પ્રેરણા આપી હતી.
આ સેમિનારમાં મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાજ્ય મંત્રીશ્રી પરબતભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી અને મહેસૂલ અગ્રસચિવ પી. પનીરવેલ સહિત રાજ્ય અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ સેમિનારના જૂથ ચર્ચા સત્રોમાં દિવસ દરમિયાન માર્ગદર્શન આપ્યું હતું.