ગુજરાત વિશ્વ માટે બૌધ્ધ ધર્મના આધ્યાત્મિક સંચેતનાનું કેન્દ્ર બનશે
દેશ-વિદેશના બૌધ્ધ ભિક્ષુઓનું ડેલીગેશન ગુજરાતની મૂલાકાતે
મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાતઃ બૌધ્ધ ધર્મના સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે ગુજરાત સરકારના અભિગમની પ્રસંશા
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે શ્રીલંકા, થાઇલેન્ડ અને બર્માથી આવેલા બૌધ્ધ ભિક્ષુઓના વરિષ્ઠ પ્રતિનિધિમંડળે નાગપુરના સંધકાયા ફાઉન્ડેશનના સ્થાપક મંત્રી ભન્તે પ્રાશિલ રત્નાની આગેવાનીમાં સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને ગુજરાત સરકારે બૌધ્ધ ધર્મની વિરાસતને સંવર્ધિત કરવા જે પ્રોત્સાહક અભિગમ અપનાવ્યો છે તેનાથી પ્રભાવિત થઇને ગુજરાતમાં વિશ્વકક્ષાનું બુધ્ધ ધર્મનું સંચેતના કેન્દ્ર સ્થાપવાની તત્પરતા વ્યકત કરી હતી.
બૌધ્ધ સંપ્રદાયના આ ભિક્ષુઓનું ડેલીગેશન હાલ ગુજરાત આવેલું છે અને રાજ્યમાં દેવની મોરી, તારંગાની ગુફાઓ, બૌધ્ધ વિહાર-વડનગર સહિતના અન્ય સ્થાનો ઉપર ભગવાન બુધ્ધના અને બૌધ્ધ ધર્મના અવશેષોની સાંસ્કૃતિક વિરાસત માટે મુખ્યમંત્રીશ્રીએ જે સંકલિત પ્રયાસો હાથ ધર્યા છે તે જાણીને આનંદ અને ગૌરવની લાગણી વ્યકત કરી હતી. બૌધ્ધ ધર્મના પ્રાચિનવારસા, વિહાર, સ્તુપ, અવશેષોની વિરાસતનો મહિમા મંડિત કરવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દર્શાવેલી પ્રતિબધ્ધતા માટે આ બૌધ્ધ ડેલીગેશને અભિનંદન આપ્યા હતા.
ગુજરાત સરકારે શ્રીલંકા સાથે તેમજ ચીન અને જાપાનની સરકારો સમક્ષ ગુજરાતમાં બૌધ્ધ ધર્મના પ્રાચિન વારસાને જીવંત રાખવા માટેના અભિગમની ભૂમિકા દર્શાવેલી છે તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વિશ્વકક્ષાનું ભવ્ય બુધ્ધમંદિર બનાવવાની નેમ વ્યકત કરી હતી.
ભગવાન બુધ્ધના વિરલ અવશેષો અને વારસો ગુજરાતમાં છે, અને સમગ્ર વિશ્વ માટે તે પ્રવાસન અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું અધ્યયન કેન્દ્ર બની શકે છે એમ આ બૌધ્ધ ભિક્ષુ ડેલીગેશને જણાવ્યું હતું.