૬૪ માં વન મહોત્સવનો શાનદાર પ્રારંભ
નાગેશ જયોતિર્લિંગ વનનું લોકાર્પણ
વાવે ગુજરાત અભિયાન ઉજવીએ
મુખ્યમંત્રીશ્રીએ દ્વાદશ જયોતિર્લિંગ પૈકી નાગેશ્વર મહાદેવમાં ભકિતભાવથી પૂજન-અર્ચન કર્યા
સામાજિક વનીકરણ ક્ષેત્રે ગુજરાત અગ્રીમ પંકિતમાં છેઃ દશ વર્ષમાં પ કરોડ વૃક્ષોનો જંગલ વિસ્તાર બહાર ઉમેરો કરવાની સિધ્ધિ
વન ઉછેરની ઉપજમાંથી ગ્રામ અને તાલુકા પંચાયતોને આવકના ચેકોનું વિતરણ
ધરતી માતાના ફેફસાં સ્વસ્થ-શુધ્ધ રાખવા વૃક્ષોની વનરાજી આવશ્યક છે એને ઉની આંચ ના આવે તેની કાળજી લઇએ
ચાર વનપંડિત પુરસ્કાર
ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન સાચું
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દ્વારકા નજીક દ્વાદશ જયોતિર્લિંગ પૈકીના એક પ્રાચીન તીર્થ નાગેશ્વર મંદિર પરિસરમાં ગુજરાતના ૬૪ માં વન મહોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, જંગલ વિસ્તાર સિવાયના વૃક્ષોના સંવર્ધન માટે સામાજિક વનીકરણ ક્ષેત્રે ગુજરાત મોખરે રહયું છે અને સામાજિક વનીકરણમાં પ કરોડ વૃક્ષોની દશ વર્ષમાં વૃધ્ધિ કરી છે. ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહિં પર્યાવરણની રક્ષાના વિકાસ માટે પણ અગ્રીમ હરોળમાં આવી ગયું છે, એટલું જ નહિં દરિયા કાંઠે જમીનનું ધોવાણ રોકવા ચેરના વૃક્ષોના વાવેતરમાં પણ અઢી ગણો વિસ્તાર વધી ગયો છે એમ ગૌરવભેર તેમણે કહયું હતું. સામાજિક વનીકરણમાં અગ્રેસર ગુજરાતમાં વન મહોત્સવનો આજથી સમગ્ર રાજયમાં ગૌરવમય પ્રારંભ થઇ ગયો હતો. રાજય સરકારના વન વિભાગે મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી રાજયમાં દર વર્ષે વન મહોત્સવના અવસરે સાંસ્કૃતિક વનોની નવી પહેલ શરૂ કરી છે તેમાં લગાતાર દશમાં વર્ષે દશમું સાંસ્કૃતિક વન- નાગેશવનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ઘટાટોપ વાદળો વચ્ચે નાગેશવનની પ હેકટરમાં નિર્માણ પામનારી હરીયાળીના જનભાગીદારી સાથેના આયોજનની ગતિવિધિ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનમાં ફરીને નિહાળી હતી. દ્વાદશ જયોતિર્લિંગ એવા નાગેશ્વર મહાદેવના ભકિતભાવથી પૂજન-અર્ચન કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામ વનોના ઉછેરમાંથી આવક મેળવનારી તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોને કુલ રૂ. ૪.રર કરોડના ચેકોનું વિતરણ અને ચાર વન પંડિત પુરસ્કાર એનાયત કર્યા હતા. ગુજરાતમાં છ દાયકાથી ક. મા. મુનશીની પ્રેરણાથી વન મહોત્સવ પાટનગરમાં સરકારી પરિઘમાં યોજાતા તે પરંપરાની માનસિકતામાંથી આ સરકારે અલગ-અલગ જિલ્લામાં જનતા જનાર્દનમાં વૃક્ષ પ્રેમના ઉમળકાનો સાક્ષાત્કાર કરવા વન મહોત્સવો યોજવાનું આયોજન કર્યુ તેની સફળ ફળશ્રૃતિ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વૃક્ષ પ્રત્યેના પ્રેમ અને પર્યાવરણની લોકલાગણી ઉજાગર કરવામાં આ જુદા જુદા વન મહોત્સવો ખુબ જ ઉપકારક બન્યા છે. વન મહોત્સવ જયાં તીર્થક્ષેત્રો છે ત્યાં ઉજવણીની સાથોસાથ સાંસ્કૃતિક વનોના નિર્માણની નવતર યોજના પણ સફળ બની છે તેની રૂપરેખા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, તીર્થક્ષેત્રોમાં વૃક્ષપ્રેમ અને પર્યાવરણની લોક જાગૃતિના સંસ્કાર સાથે પ્રવાસન વિકાસ એમ ‘‘ એક પંથ- અનેક કાજ‘‘ ની દિશા આ સરકારે અપનાવી છે. સમૃદ્ર કાંઠે યાત્રાધામ વિકાસ-પ્રવાસન પ્રવૃત્તિનો વિકાસ કરવા વનરાજી-હરિયાળા પરિસર ને કારણે ગરીબ સામાન્ય માનવી માટે રોજગારીના આર્થિક અવસરો ઉપલબ્ધ થયા છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.દરિયાકાંઠે સખીમંડળોની સાગરખેડુ સમાજોની મહિલાઓ દ્વારા સી-વિડ ની ખેતીનું અભિયાન ઉપાડવું છે તેની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દરિયાઇ શેવાળની ઉત્તમ પ્રકારની ખેતી વિકસાવવી છે. તેથી સાગરખેડુ પરિવારોની આવક વધે અને પર્યાવરણની રક્ષા પણ થઇ શકશે. કુદરત રૂઠે એ આપણને પાલવે તેમ નથી. ધરતી માતાના ફેફસાં શુધ્ધ-સ્વસ્થ રહે તે માટે લીલીછમ વનરાજીથી ધરતીમાતાને રીઝવીએ- નહીતો ભૂકંપ કે કેદારનાથ કુદરતી સંકટોનો વિનાશ આપણને ભરખી જશે એવી ચેતવણી તેમણે આપી હતી. વન્ય પ્રાણી સૃષ્ટિના સંવર્ધન-સંરક્ષણ માટે ગુજરાત સરકારે જનભાગીદારીથી સિંહો-ઘુડખર જેવી જીવસૃષ્ટિ માટેનું જતન પણ એટલી જ કાળજીથી લીધું છે તેની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વૃક્ષ આપણા પરિવારનું સ્વજન બને, ગામનું ગૌરવ બને, શહેરની અસ્મિતા બને એવું સામાજિક વાતાવરણ બનાવીએ.પ્રત્યેક ગામમાં સૌથી વયોવૃધ્ધ વૃક્ષની સાથે પ્રત્યેક ગ્રામજનને ભાવાત્મક નાતો બનાવવા અને વૃક્ષની પૂજા-જતન કરવાની હ્રદયસ્પર્શી અપીલ તેમણે કરી હતી. આપણી બાળપેઢીમાં મંદિરના દર્શનના સંસ્કાર સાથે વૃક્ષનો મહિમા પણ ઉજાગર કરવો જોઇએ. પ્રત્યેક શાળામાં બાળક પાસે વૃક્ષની આત્મકથા લખવાના સંસ્કાર જોડવા તેમણે જણાવ્યું હતુ. વૃક્ષનું છેદન આપણને પાલવે નહિં પણ દીકરીના જન્મની ખુશાલીમાં પાંચ વૃક્ષ પરિવાર ઉછેરે એવી અપીલ પણ તેમણે કરી હતી. દીકરી મોટી થશે એમ વૃક્ષ મોટું થશે અને તેની આવકમાંથી દીકરીના સુખ માટેનો બધો માર્ગ નિકળી શકશે તેમ જણાવી, વાવે ગુજરાતનું અભિયાન ઉપાડવાનું આહવાન તેમણે કર્યુ હતુ.વન અને પર્યાવરણ મંત્રીશ્રી ગણપતભાઇ વાસાવાએ વૃક્ષો પર્યાવરણ અને જીવસૃષ્ટીની માળખાકીય સુવિધા છે, તેમ જણાવી કહયું કે, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ ‘‘વાવે ગુજરાત‘‘ ના સૂત્રને સાર્થક કરવા આપણે સૌ સહયોગી થઇએ તે આજના સમયની આવશ્યકતા છે. કૃષિ સહકાર મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બાબુભાઇ બોખિરીયાએ પ્રકૃતિનું પૂજન અને સંરક્ષણ આપણી સંસ્કૃતિ છે, ત્યારે જીવનમાં દરેક વ્યકિત એક-એક વૃક્ષ વાવીને ઉછેરે એ જ આજનો સંકલ્પ હોઇ શકે. તેમણે વૃક્ષ ઉછેરની આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવવાની સાથે મુખ્યમંત્રીશ્રીના હરીયાળા ગુજરાતની પરિકલ્પનાને સાકાર કરવા સૌને અપીલ કરી હતી. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ મહિલા શકિતને આહવાન કરતા જણાવ્યું કે, આપણે મહિલાઓ વડ અને પીપળાનું પૂજન કરીએ છીએ ત્યારે વૃક્ષોનું સંવર્ધન કરવાની પણ આપણી સવિશેષ જવાબદારી છે. આપણે જન્મદિવસે, લગ્ન દિવસે શું એક વૃક્ષ વાવી અને ઉછેરી ન શકીયે? ધરતીને હરીયાળી બનાવવા વૃક્ષ ઉછેર માટે આપણે સૌએ સંકલ્પબધ્ધ થવું પડશે. તેમ પ્રો. ત્રિવેદીએ વધુમાં જણાવ્યુ હતુ. વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલે જળવાયુ પ્રદૂષણ પ્રત્યે ચિંતા વ્યકત કરી ધરતીને હરીયાળી બનાવવા વધુને વધુ વૃક્ષ વાવેતર અને ઉછેર પ્રત્યે સૈાને કાળજી લેવા અનુરોધ કર્યો હતો. ભગવાન દ્વારકાધિશની નગરી દ્વારકાથી ૧૭ કિ.મી. ના અંતરે નાગેશ્વર ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં નાગેશવન લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યો સર્વશ્રી પબુભા માણેક, શ્રી કિરીટસિંહ રાણા, ચીમનભાઇ શાપરીયા, શ્રી મેઘજીભાઇ ચાવડા, રાજયસભાના સદસ્યશ્રી પરિમલ નથવાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મુળુભાઇ બેરા, જામનગર જિલ્લા ભાજપ પ્રભારીશ્રી ધનસુખભાઇ ભંડેરી, રાજય ગૈા-સેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, એસ.ટી. નિગમના ચેરમેનશ્રી બી.એચ. ઘોડાસરા, જિલ્લા પંચાયત પ્રમુખ ડો. વસોયા, જિલ્લા કલેકટરશ્રી નલીન ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયકુમાર ખરાડી, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ શ્રી સી.એમ. પાંડે, ડો. સીંઘ સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત હતાં. કાર્યક્રમના પ્રારંભે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડો. એચ.કે. દાસે સૌનું સ્વાગત કર્યુ હતું. આ તકે વૃક્ષ ઉછેર અને પર્યાવરણ ક્ષેત્રે વિશેષ પ્રદાન કરનાર કચ્છ વાંઢાઇના શ્રી મહોબ્બતસિંહ સિંઘલ, સાયલાના શ્રી રાજુભાઇ પરમાર, મહેસાણાના શ્રી પ્રકાશ બારોટનું વન પંડિત પુરસ્કાર આપી બહુમાન એનાયત કરાયુ હતું. મુખ્યમંત્રીશ્રીએ વન વિભાગ દ્વારા પ્રકાશીત પુસ્તકોનુ વિમોચન કરી દ્વારકા નગરપાલિકા નિર્મિત મીરા ગાર્ડનનું લોકાર્પણ કર્યુ હતું.