મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રજાસત્તાક પર્વ-ર૦૧૦ની રાજ્યકક્ષાની ઉજવણીના પ્રજાકીય દેશભક્તિના ઉત્સવમાં જનતા જનાર્દન સાથે આનંદમાં સહભાગી થવા ર૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ સુરેન્દ્રનગર આવતા જ રાષ્ટ્રીય પર્વમાં જનઉમંગ હિલોળે ચડયો હતો.
દેશભક્તિનું વાતાવરણ જનતામાં નિરંતર જાગે તે માટે આપણા રાષ્ટ્રીય પર્વો જનચેતનાના ઉત્સવરૂપે ઉજવવા જોઇએ એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ સુરેન્દ્રનગરમાં પ્રજાસત્તાક પર્વમાં આજે દેશભક્તિનો જન-ઉમંગ હિલોળે ચડયો છે તે માટે જનતા જનાર્દનને અભિનંદન આપ્યા હતા.
જનશક્તિના સામર્થ્યનું દર્શન, ગુજરાતમાં વાસ્મો સંચાલિત ગ્રામીણ પાણી સમિતિઓ દ્વારા નારી શક્તિને નેતૃત્વ સોંપીને આંતરિક પાણી વિતરણની વ્યવસ્થા સુપેરે હાથ ધરી છે અને વડાપ્રધાનનો એવોર્ડ મળ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા માટે નર્મદાના નીરથી સમૃદ્ધિ અને જાહોજલાલીના યુગનો પ્રારંભ થયો છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવીને ધોળીધજા ડેમમાં નર્મદાના પાણીથી સૂકી ધરતીને લીલીછમ બનાવવા રાજ્ય સરકારની સંકલ્પ શક્તિની પ્રતીતિ કરાવી છે.
સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની આન-બાન-શાનને ઊંચાઇ ઉપર મુકવા પ્રજાસત્તાક પર્વના અવસરે વિકાસ ઉત્સવની નેમ વ્યકત કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આ સરકાર વિકાસની નવી તરાહ જનભાગીદારીથી કરવા પ્રતિબદ્ધ છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ધોળીધજા ડેમના જળવ્યવસ્થાપનની અને નર્મદા યોજનાની જળશક્તિના સામર્થ્ય વિશે લોકશિક્ષણ આપવા અને પાણીના મૂલ્ય અને મહત્વનું લોકશિક્ષણનું કેન્દ્ર ધોળીધજા ડેમ બનશે.
પ્રજાસત્તાક પર્વ આપણી જનશક્તિને પ્રેરણા આપનારૂં બની રહે અને તિરંગા ધ્વજની સાક્ષીએ, વિકાસ અને દેશભક્તિ માટેનું નાગરિક કર્તવ્ય નિભાવવા તેમણે જનતાને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, પાણી અને પર્યાવરણની સુરક્ષા માટે રાજ્ય સરકારે સુરેન્દ્રનગરની સુખાકારી અને સફાઇની ચિંતા કરી છે. હવે નાગરિકો સ્વચ્છતા અને પાણીની બચત માટે સંકલ્પરત બને એવી શુભકામના પ્રજાસત્તાક પર્વે આપી હતી.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દૂધરેજના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી વડવાળા મંદિરમાં જઇને ભક્તિભાવથી પૂજા-દર્શન કર્યા હતા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો.
વડવાળા મંદિરના ગાદીપતી શ્રી કનીરામદાસજી મહારાજે વૈષ્ણવ પરંપરાની અને રબારી સમાજના ધર્મસ્થાનનું મહાત્મ્ય સાથે મુખ્ય મંત્રીશ્રીનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાધુસંતોના આશીર્વાદ મેળવ્યા હતા અને ભાવિકભક્તો સાથે મુલાકાત કરી હતી.
ધોળી ધજાડેમ : જનશક્તિ વન
મુખ્ય મંત્રીશ્રીએ ૬૦ વર્ષના પ્રજાતંત્રની ઉજવણીની સ્મૃતિરૂપે ધોળીધજા ડેમ ઉપર ૬૦,૦૦૦ વૃક્ષો જનભાગીદારીથી ઉછેરવાના જનશક્તિ વન નિર્માણનો પ્રારંભ વૃક્ષ વાવીને કર્યો હતો. સુરેન્દ્રનગરના નાગરિકોએ જનશક્તિ વન જનભાગીદારીથી ૪૭ હેકટરમાં બનાવવાનો સંકલ્પ કર્યો છે અને સામાજિક વનીકરણ યોજના અન્વયે વનવિભાગ તથા સરદાર સરોવર નર્મદા નિગમે આ પ્રોજેકટ સંયુકત રીતે હાથ ધર્યો છે.
મુખ્ય મંત્રીશ્રીએ ધોળીધજા ડેમ નર્મદાના નીરથી હિલોળા લઇ રહ્યો છે ત્યારે જનતા માટે ઉપ્લબ્ધ થયેલી જળવિહારની સુવિધા સંદર્ભમાં નૌકાસફરની મોજ માણી હતી અને નર્મદા નિગમ દ્વારા નિર્મિત ૧૩૭ ફૂટ ઊંચા ફલોરીંગ ફાઉન્ટનનું લોકાર્પણ કર્યું હતું.
જલભવન : પ્રગતિપથનું લોકાર્પણ
મુખ્ય મંત્રીશ્રીએ પાણી પુરવઠાની અદ્યતન સુવિધા અને સુખાકારી માટે સેવારત કર્મયોગીઓ માટેના રૂ. એક કરોડના ખર્ચે બંધાયેલા જલભવનનું અને રૂ. પ૬ કરોડના ખર્ચે નિર્મિત સુરેન્દ્રનગર-મૂળી-સાયલા પ્રગતિપથના વિકાસકામો પણ જનતાને સમર્પિત કર્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠાના સંકલિત પ્રોજેકટ અન્વયે ૩૪૮ ગામો માટે પીવાના પાણીની સુવિધાનું પણ લોકાર્પણ કર્યું હતું.
ર્ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્ય મંત્રીશ્રીએ જીએસપીસી નિર્મિત ટ્રાફિક સર્કલનું ઉદ્દઘાટન કર્યું હતું.
સુરેન્દ્રનગર-મૂળી-સાયલા પ્રગતિપથ અંતર્ગત રસ્તાને પહોળો તથા મજબૂતીકરણનું કામ કરાયું છે. રૂ. પ૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પ્રગતિપથ અંતર્ગત હયાત ૬.૭૦ મીટર પહોળાઇમાંથી ૧૦ મીટર પહોળો તથા મજબૂતીકરણ અને ર.૪૦ કિ.મી. લંબાઇને ચાર માર્ગીય બનાવવાનું આયોજન છે.
જયારે નર્મદા કેનાલ આધારિત સુરેન્દ્રનગર સંકલિત પાણી પુરવઠા યોજના (ભાગ-ર)થી મુળી, સાયલા, ચોટીલા અને વઢવાણ એમ ચાર તાલુકાના રર૪ ગામો અત્રે થાન શહેરની અંદાજે ચાર લાખની વસતિને લાભ મળશે. પ૦ લાખ લીટરની ક્ષમતાવાળા ત્રણ ભૂગર્ભ સંમ્પ, ર૦ લાખ લીટરની ક્ષમતાવાળા બે, ૪પ લાખ અને રપ લાખ લીટરની ક્ષમતાવાળા એક એક મળી કૂલ ૭ સમ્પોનો સમાવેશ થાય છે. રૂ. ૧૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ યોજના અંતર્ગત ૧ર૧.૩૦ કી.મીની લંબાઇવાળી પાઇપલાઇન નાખવામાં આવી છે.
આ પ્રસંગે રૂ. ૧ લાખનો ચેક મુખ્ય મંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં અર્પણ કરાયો હતો.
પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ શ્રી એચ. કે. દાસે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર-મૂળી-સાયલાનો પ્રગતિપથ અને નર્મદાના નીર સુરેન્દ્રનગર સુધી પહોંચાડતી સુરેન્દ્રનગર સંકલિત પાણી પુરવઠા યોજના સાકાર કરી જિલ્લાને વધુ સુવિધાસભર બનાવ્યો છે. આજ રીતે જિલ્લામાં પ્રથમ વખત જલભવનનું નિર્માણ થયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર શ્રી પી. જે. પટેલે આભારદર્શન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી શંભુજી ટુંડીયા, શ્રી બિપીનભાઈ દવે, પૂર્વ મંત્રી શ્રી આઇ. કે. જાડેજા, માર્ગ અને મકાન વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. એસ. રાઠોર, જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.