ભારત સરકારે ઇ-ગવર્નન્સ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય નાગરિકની ફરિયાદના ત્વરિત નિવારણ અંગેના મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણકાર્યક્રમ સહિત નાગરિકોની સુવિધા માટે સુગ્રથિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન યોજના અને રાજકોટ મહાનગરપાલિકાના મોબાઇલ ફોન દ્વારા નાગરિક સુવિધા સેન્ટર માટે ઇ-ગવર્નન્સના ત્રણ-ત્રણ એવોર્ડ ગુજરાત સરકારને આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘‘જિતેગા ગુજરાત''ની યશકલગીમાં આ ત્રણ નવી કિર્તિમાન સિધ્ધિઓ માટે મુખ્યમંત્રીશ્રી કાર્યાલય સહિત રાજ્યના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા છે.
ભારત સરકારે ઇ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતના દ્રષ્ટાંતરૂપ અને પથદર્શક સફળ પ્રોજેકટને આ રાષ્ટ્રીય એવોર્ડ આપ્યા છે, અને ફરી એકવાર ગુજરાતે સુશાસનમાં ટેકનોલોજીનો ઉત્તમ વિનિયોગ કરીને રાજ્યના નાગરિકોને ઉત્કૃષ્ટ સેવા, સુવિધા અને સુખાકારીની અનુભૂતિ કરાવી છે.
સ્વાગત ઓનલાઇન
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સ્વાગત ઓનલાઇનને ભારત સરકારનો સ્વર્ણિમ ચન્દ્રક (Gold Award) આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી પ્રેરિત આ સ્વાગત ઓનલાઇન (State Wide Attention on Grievances with Application of Technology) દ્વારા જનફરિયાદોનું પરિણામલક્ષી સંતોષકારક અને ત્વરિત નિવારણ કરવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વાગત ઓનલાઇનને સ્વર્ણિમ એવોર્ડ જિતવા માટે મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના તમામ કર્મયોગીઓને અભિનંદન આપ્યા છે. સ્વાગત ઓનલાઇન છેલ્લા સાત વર્ષથી મુખ્યમંત્રીશ્રી દ્વારા કાર્યરત છે અને અત્યાર સુધીમાં નાગરિકોની રજુઆતોના ૯૬ ટકા કેસોનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો છે.
બે વર્ષ પહેલાં મુખ્યમંત્રીશ્રીએ તાલુકા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ શરૂ કર્યો હતો અને હવે તો દર મહિને તેમાં ૪૦૦૦ કરતાં વધારે કેસો સામાન્ય નાગરિકો તરફથી તાલુકા કક્ષાએ રજુ થાય છે તેનું ત્વરિત નિવારણ કરવામાં આવે છે. આ સફળતાથી પ્રેરિત થઇને મુખ્યમંત્રીશ્રીએ સ્વાગત ઓનલાઇનને હવે પ્રત્યેક ગામમાં ગ્રામ સ્વાગતના નામે ૧લી ફેબ્રુઆરી ર૦૧૧થી કાર્યરત કર્યો છે જેને ગ્રામ સમાજે અત્યંત ઉમળકાથી વધારી લીધો છે અને માત્ર ૯ જ દિવસમાં ગ્રામ સ્વાગતમાં નવ હજાર જેટલી અરજીઓ આવી છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં જ તમામ ૧૩૯૬૮ ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેકટીવિટી નેટવર્ક ઉપલબ્ધ છે. જેના કારણે, ગ્રામ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમને સને ર૦૧૦માં યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા બેસ્ટ પબ્લીક સર્વિસ એવોર્ડ પ્રાપ્ત થતાં આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સ્વાગત ઓનલાઇનને કિર્તિમાન પ્રાપ્ત થયું છે અને સ્વાગત ઓનલાઇન દ્વારા વહીવટમાં પારદર્શીતા તેમજ ઉત્તરદાયિત્વ તથા જાહેર સેવાના ઉત્તમ પરિમાણ ગણાવ્યા છે. આમ, સ્વાગત ઓનલાઇન દ્વારા સામાન્ય નાગરિકોને સરકારમાં તેમનો અવાજ રજુ કરવા સાથે તેનો ત્વરિત પ્રતિસાદ પારદર્શી-અસરકારક ધોરણે અને સમયબધ્ધ રીતે પ્રાપ્ત થઇ રહ્યો છે જે લોકતંત્રમાં નાગરિકનું સશકિતકરણ દર્શાવે છે.
જળવ્યવસ્થાપન ક્ષેત્રે નવતર સિધ્ધિઓને રજ્તચન્દ્રક
જળવ્યવસ્થાપન ક્ષેત્રે નવતર સિધ્ધિઓ અને ક્રાંતિકારી અભિગમ સાથે સુગ્રથિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન યોજના ગુજરાત સરકારે શરૂ કરી છે અને સમગ્ર દેશમાં પહેલીવાર સેટેલાઇટ જી.આઇ.એસ. સિસ્ટમ દ્વારા જળસ્ત્રાવ વ્યવસ્થાપનની યોજના, તેનું અમલીકરણ અને મોનીટરીંગની પહેલ ગુજરાતે કરીને પારદર્શિતાનો માર્ગ કંડાર્યો છે. ૧૦૪૮ ગામો ૭.૦૮ લાખ હેકટર જમીન અને અઢી લાખ કિસાનો આ જળસ્ત્રાવ વ્યવસ્થાપન યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. આ પહેલરૂપ સિધ્ધિને પણ ભારત સરકારે રજતચન્દ્રકથી નવાજી છે.
રાજકોટ મહાનગરપાલિકાને M ગવર્નન્સ માટે કાસ્ય ચન્દ્રક
રાજકોટ મહાનગરપાલિકાએ કરવેરા આકારણી, જન્મ નોંધણી, આવાસ યોજનાઓ માટેના હપ્તાઓ તથા અન્ય નાગરિક સુવિધાઓ માટે મોબાઇલ ફોન દ્વારા એસ.એમ.એસ. મોકલવાની M ગવર્નન્સની નવતર પહેલ કરીને એક લાખ જેટલા એસ.એમ.એસ. નાગરિકોને મોકલી ૩ર૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મહાપાલિકાને કરવેરા તથા અન્ય વેરાઓ પેટે વસુલી આપી છે. આ સિધ્ધિ માટે રાજકોટ મહાપાલિકાને કાંસ્ય ચંન્દ્રક એનાયત થયો છે. એટલું જ નહીં, નાગરિકોની સમસ્યાઓ-ફરિયાદોના રજીસ્ટ્રેશન માટે ર૪x૭ કોલ સેન્ટર પણ સતત સેવારત કરવામાં આવ્યું છે. ઉપરાંત રસીકરણ અભિયાન માટેના પપ હજાર જેટલા એસ.એમ.એસ. પણ નાગરિકોને મોકલીને રસીકરણ અભિયાનને વેગવાન બનાવવામાં આવ્યું છે.
ગુજરાતને પ્રાપ્ત થયેલી આ ત્રણ એવોર્ડની સિધ્ધિએ ઇ-ગવર્નન્સ અને ગુડગવર્નન્સની રાજ્ય શાસનની પ્રતિબધ્ધતાની વિક્રમજનક ફલશ્રુતિ છે.