




આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં સરકારે નિકાસ ક્ષેત્રને વધારે વેગવાન બનાવવા માટે સંખ્યાબંધ પગલાં લીધા છે. આ પ્રયાસોને આગળ ધપાવતા સરકારે આજે, ECGC લિમિટેડ (અગાઉ ભારતીય નિકાસ ધીરાણ બાંયધરી નિગમ લિમિટેડ તરીકે ઓળખાતી હતી)માં વધુ રૂપિયા 4,400 કરોડના મૂડી ઉમેરાની મંજૂરી આપી દીધી છે. આવનારા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે, નાણાકીય વર્ષ 2021-2022થી નાણાકીય વર્ષ 2025-2026 સુધીમાં આ મૂડી ઉમેરો કરવામાં આવશે. મંજૂરી આપવામાં આવેલા મૂડી ઉમેરાની સાથે સાથે, ઇનિશિઅલ પબ્લિક ઓફર (IPO)ના માધ્યમથી ECGCની લિસ્ટિંગની પ્રક્રિયા સાથે યોગ્ય તાલમેલ બેસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાથી તેના કારણે નિકાસને વધારે સહકાર આપવા માટે ECGCની સ્વીકૃત ક્ષમતામાં વધારો થશે.
વ્યાપારી અને રાજકીય કારણોસર નિકાસકારોને વિદેશી ખરીદદારો દ્વારા બિન-ચુકવણીના જોખમો સામે નિકાસકારોને ધીરાણ વીમા સેવાઓ પ્રદાન કરીને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા 1957માં કંપની એક્ટ હેઠળ ECGCની સ્થાપના કરવામાં આવી હતી. તે નિકાસકાર ધીરાણ લેનારાઓને કરવામાં આવતા નિકાસ ધીરાણના જોખમો સામે બેંકોને વીમા કવચ પણ પૂરું પાડે છે. ECGCનો પ્રયાસ ભારતીય નિકાસ ઉદ્યોગને તેના અનુભવ, નિપુણતા અને ભારતની નિકાસની પ્રગતિ તેમજ આધુનિકતા માટેની પ્રતિબદ્ધતા સાથે સમર્થન પૂરું પાડવાનો છે.
ECGC ખાસ કરીને જ્યાં વધારે શ્રમની જરૂરિયાત હોય તેવા ક્ષેત્રોમાં નિકાસને સમર્થન આપવા માટે વ્યાપક ભૂમિકા નિભાવે છે અને બેંકોને નાના નિકાસકારોના ઉદ્યોગોને ધીરાણ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પ્રકારે, તેમને પુનરુત્કર્ષ તરફ દોરી શકાય છે. ECGCમાં મૂડી ઉમેરાથી તે પોતાનું કવરેજ નિકાસ લક્ષિત ઉદ્યોગોમાં વિસ્તરણ કરી શકશે જેમાં ખાસ કરીને સઘન શ્રમની જરૂરિયાત હોય તેવા ક્ષેત્રો સુધી વિસ્તરણ શક્ય બનશે. મંજૂરી આપવામાં આવેલી રકમ હપતામાં ઉમેરવામાં આવશે અને તે પ્રકારે રૂ. 88,000 કરોડ સુધીના જોખમો ઉપાડવાની સ્વીકૃત ક્ષમતા વધારી શકાશે અને તેનાથી ECGC એવા વીમા કવચ ઇશ્યુ કરવા માટે સમર્થ બનશે જે આવનારા પાંચ વર્ષના સમયગાળામાં વર્તમાન રૂપરેખાને અનુરૂપ રૂ. 5.28 લાખ કરોડની વધારાની નિકાસને સમર્થન આપી શકે.
આ ઉપરાંત, ફેબ્રુઆરી 2019 માં વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા 'રોજગારીમાં નિકાસ' અહેવાલના સંદર્ભમાં, રૂ. 5.28 લાખ કરોડની નિકાસ 2.6 લાખ લોકોને ઔપચારિક રોજગારી આપવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત, કામદારોની કુલ સંખ્યા (ઔપચારિક અને અનૌપચારિક બંનેમાં) વધીને 59 લાખ થઇ જશે તેવું પણ અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે.
ECGC – કામગીરી પર એકનજર
- ECGC ભારતમાં નિકાસ ધીરાણ વીમા બજારમાં આશરે 85%ના બજાર હિસ્સો સાથે અગ્રણી સંસ્થા છે
- ECGC દ્વારા સમર્થિત નિકાસ વર્ષ 2020-21માં રૂ. 6.02 લાખ કરોડ હતી, જે ભારતમાંથી માલસામાનની કુલ નિકાસમાંથી લગભગ 28% હિસ્સો છે.
- 31/3/2021 સુધીમાં લાભ પ્રાપ્ત થયો હોય તેવા વિશિષ્ટ નિકાસકારોની સંખ્યા 7,372 છે બેંકો માટે નિકાસ ધીરાણ વીમા હેઠળ લાભ લેનારાની સંખ્યા 9,535 છે, જે નાના નિકાસકારોમાંથી 97% છે.
- બેંકો દ્વારા કરવામાં આવતા કુલ નિકાસ ધીરાણ ચુકવણીમાંથી અંદાજે 50%નો વીમો ECGC કરે છે, જેમાં 22 બેંકોને આવરી લેવામાં આવી છે (12 બેંકો જાહેર ક્ષેત્રની અને 10 બેંકો ખાનગી ક્ષેત્રની)
- ECGC પાસે પાંચ લાખ કરતાં વધારે વિદેશી ખરીદદારોનો ડેટાબેઝ છે
- તેમણે છેલ્લા એક દાયકામાં રૂ. 7,500 કરોડ કરતાં વધારે મૂલ્યના દાવાઓની પતાવટ કરી છે
- તેણે આફ્રિકા ટ્રેડ ઇન્શ્યોરન્સ (ATI)માં $ 11.7 મિલિયનનું રોકાણ કર્યું છે જેથી આફ્રિકન બજારમાં ભારતીય નિકાસકારોને સુવિધા પ્રદાન કરી શકાય
- ECGCએ છેલ્લા 20 વર્ષમાં સતત સિલક બતાવી છે અને સરકારને ડિવિડન્ડ (લાભાંશ)ની ચુકવણી કરી છે
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી નિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ અને પહેલો
- વિદેશ વેપાર નીતિ (2015-20)ને કોવિડ-19 મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 30-9-2021 સુધી લંબાવવામાં આવી
- કોવિડ-19ના સમયમાં પ્રવાહિતા લાવવાના ઉદ્દેશથી તમામ સ્ક્રિપ્ટ આધારિત યોજનાઓ અંતર્ગત તમામ બાકી રહેલા એરિયર્સની ચુકવણી કરીને પ્રવાહિતા લાવવા માટે સપ્ટેમ્બર 2021માં રૂપિયા 56,027 કરોડની રકમ આપવામાં આવી છે
- નવી યોજનાનો અમલ - ડ્યૂટી અને ટેક્સ અને નિકાસ કરાયેલ ઉત્પાદનોમાંથી માફી (RoDTEP). નાણાકીય વર્ષ 2021-22 માટે રૂ. 12,454 કરોડ આ યોજના માટે મંજૂર કરવામાં આવ્યા છે. કરવેરા/ ડ્યૂટી/ લેવા પાત્ર શુલ્કની પરત ચુકવણી માટે આ WTO સુસંગત વ્યવસ્થાતંત્ર છે. હાલમાં કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક સ્તરે કોઇપણ વ્યવસ્થાતંત્ર અંતર્ગત આની પરત ચુકવણી કરવામાં આવતી નથી.
- ROSCTL યોજના દ્વારા કેન્દ્રીય/ રાજ્યના કરની માફી આપીને કાપડ ક્ષેત્રને આપવામાં આવતો સહકાર વધારવામાં આવ્યો હતો, જે હવે માર્ચ 2024 સુધી લંબાવવામાં આવ્યો છે.
- વેપાર સુવિધા પૂરી પાડવા માટે અને નિકાસકારો દ્વારા FTAના ઉપયોગમાં વૃદ્ધિ કરવામાં આવે તે માટે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન માટે કોમન ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું
- કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્યપાલન અને ખાદ્ય પ્રસંસ્કરણના ક્ષેત્રો સંબંધિત કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક "કૃષિ નિકાસ નીતિ" અમલીકરણ હેઠળ છે
- 12 ચેમ્પિયન સેવા ક્ષેત્રો માટે ચોક્કસ એક્શન પ્લાનનું પાલન કરીને સેવાઓની નિકાસને પ્રોત્સાહન અને વૈવિધ્યકરણ
- નિકાસની સંભાવના ધરાવતા હોય તેવા ઉત્પાદનો ઓળખીને જિલ્લાને નિકાસના હબ તરીકે પ્રોત્સાહન આપવું, આ ઉત્પાદનોની નિકાસ માટે આવી રહેલી અડચણો દૂર કરવી અને જિલ્લામાં રોજગારીનું સર્જન કરવા માટે સ્થાનિક નિકાસકારો/ઉત્પાદકોને સમર્થન આપવું
- ભારતના વેપાર, પર્યટન, ટેકનોલોજી અને રોકાણના લક્ષ્યોને પ્રોત્સાહન આપવાની દિશામાં વિદેશમાં ભારતીય મિશનોની સક્રિય ભૂમિકા વધુ ઉન્નત થઇ છે
- કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને ઘરેલુ ઉદ્યોગોને વિવિધ બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના રાહત પગલાંઓના માધ્યમથી સહકાર આપવા માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને નિકાસકારોનો મોટો હિસ્સો સામેલ છે
- વેપાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગને પ્રોત્સાહન આપવા માટે નિકાસ યોજના માટે વેપાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર (TIES), માર્કેટ પહોંચની પહેલો (MAI) યોજના તેમજ પરિવહન અને માર્કેટિંગ સહાયતા (TMA) યોજનાઓ