ભારતમાં ઉત્સાહભેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ હતી. નવી દિલ્હીમાં રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારક પર શહીદોને તેમના અવિસ્મરણીય બલિદાન પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પરેડમાં ભૂમિદળ, નૌકાદળ, વાયુદળ અને અન્ય સૈન્ય દળોની ટુકડીઓ જોવા મળી હતી. ચાલુ વર્ષે પહેલી વાર બાંગ્લાદેશની સમકક્ષ ટુકડી પણ સામેલ થઈ હતી. વિવિધ ટેબ્લોમાં ભારતની વિવિધતાસભર અને જીવંત સંસ્કૃતિના દર્શન થયા હતા તેમજ દેશમાં કેટલાંક ક્ષેત્રોમાં હરણફાળ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. વોકલ પર લોકલ અને આત્મનિર્ભર ભારતની થીમ પર ટેબ્લો પણ જોવા મળ્યાં હતાં. અન્ય એક વિશેષ ટેબ્લો નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી દર્શાવતું હતું.