GIFT પ્રોજેકટ માટે ગુજરાતની ગીફટ અને સિંગાપોરની SCE વચ્ચે સહયોગના કરાર
સિંગાપોરની ફાઇનાન્સ-બેન્કીંગ સર્વિસ કંપનીઓને ગીફટ પ્રોજેકટમાં પ્રેરિત કરાશે
ગીફટ અને સિંગાપોર વચ્ચેના ભાગીદારી-સહયોગના સેતુને આવકારતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આજે રાજ્ય સરકારની ગીફટ કંપની (Gujarat International Finance Tec-City-GIFT) અને સિંગાપોર સરકારની એજન્સી-સિંગાપોર કો-ઓપરેશન એન્ટરપ્રાઇસીસ (SCE) વચ્ચે ગીફટ પ્રોજેકટ વિકસાવવા અંગેના મહત્ત્વના સહયોગના કરાર (News Randum of Cooperation) થયા હતા.
આ કરાર ગીફટ પ્રોજેકટ અન્વયે ગીફટની આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓના વિકાસ અને રોકાણને પ્રેરિત કરવા માટે સંસ્થાગત ફ્રેમવર્ક અને પ્રવૃત્તિઓનું વિશાળ ફલક ખુલશે એવો મુખ્ય મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો. ગાંધીનગરમાં ગુજરાતને ગ્લોબલ હાઇટેક ફાઇનાન્સીયલ હબ તરીકે વિકસાવવાના હેતુસર ગીફટનો પ્રોજેકટ નિર્માણાધિન છે જે ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ છે અને તાજેતરમાં જ ગીફટને ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ સર્વિસ સેન્ટર (IFSC) તરીકે માન્યતા મળેલી છે અને ભારત સરકારે તેને મલ્ટી સર્વિસ SEZનું સ્ટેટસ આપ્યું છે. આ સહયોગના કરાર ઉપર મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગીફટના ડિરેકટર શ્રી આર. કે. ઝા તથા સિંગાપોરની SCEના ડિરેકટર-એશિયા પેસીફીક શ્રીયુત કોંગ વાય મુન (Mr. Kong Wy Mun) એ સંયુકત રીતે હસ્તાક્ષર કર્યા હતા.આ મહત્વના કરારથી GIFT અને SCE બંને સંયુકત રીતે ગીફટ પ્રોજેકટ માટે સિંગાપોરની કંપનીઓ, બેન્કીંગ એન્ડ ફાઇનાન્સીયલ સર્વિસીઝ એજન્સીઓ ગીફટમાં તેમની આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરે, GIFT SEZમાં પ્રોજેકટ રોકાણ કરે તે માટેના પ્રયાસો હાથ ધરી શકશે. SCEને સિંગાપોર સરકારે માન્યતા આપેલી છે, એમ ગીફટના ચેરમેન શ્રી સુધીરભાઈ માંકડે જણાવ્યું હતું.
GIFT અને SCE એ સિંગાપોરમાં આગામી જાન્યુઆરી-ર૦૧રમાં સિંગાપોર સ્થિત સરકારી અને ખાનગી નાણા સંસ્થાઓ, બેંકો, વિકાસકારો GIFT માં સહભાગી બને તે માટેનો સેમિનાર યોજશે. GIFTને પ્રમોટ કરવામાં ILFS (ઇન્ફ્રાસ્ટ્રકચર લિઝીંગ એન્ડ ફાઇનાન્સીયલ સર્વિસીઝ)એ સંયુકત સાહસ તરીકે ભાગીદાર બની છે. આ સમજાૂતિના કરારથી સિંગાપોર અને સિંગાપોર સ્થિત અન્ય દેશોની ફાઇનાન્સ કંપનીઓ ઉપરાંત હાઇરાઇઝ બિલ્ડીંગ્સ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ફાઇનાન્સ સર્વિસીઝ, ટેકનોલોજી વગેરે ક્ષેત્રોની કંપનીઓના રોકાણ, પ્રોજેકટ વિકાસ અંગેની પ્રવૃત્તિ પણ હાથ ધરાશે. SCE દ્વારા ગુજરાતના ધોલેરા SIRમાં ઇકોફ્રેન્ડલી ઇન્ટીગ્રેટેડ ટાઉનશીપ વિકસાવવા GIDC સાથે સહયોગ કરાશે, એમ SCEના ડિરેકટરે જણાવ્યું હતું.આ પ્રસંગે GIFT ચેરમેન શ્રી સુધીર માંકડ ઉપરાંત અધિક મુખ્ય સચિવ (નાણાં) શ્રી એમ. શ્રીવાસ્તવ, ઉઘોગ અગ્ર સચિવ શ્રી એમ. શાહુ, મુખ્ય મંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી જી. સી. મુર્મુ પણ ઉપસ્થિત હતા. સિંગાપોરના SCEના ડેલીગેશન સભ્યો પણ ઉપસ્થિત હતા.