વિયેતનામના સંરક્ષણ મંત્રી જનરલ ન્ગો ઝુઆન લિચે આજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ખુશી સાથે સપ્ટેમ્બર, 2016માં તેમની વિયેતનામની મુલાકાતને યાદ કરી હતી, જે દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત વ્યૂહાત્મક સંબંધના સ્તરે પહોંચાડવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની “એક્ટ ઇસ્ટ” નીતિમાં વિયેતનામ મહત્વપૂર્ણ રાષ્ટ્ર છે.
જનરલ ન્ગો ઝુઆન લિચે પ્રધાનમંત્રીને દ્વિપક્ષીય સંરક્ષણ સહકારમાં થયેલી પ્રગતિ પર જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત અને વિયેતનામ સંરક્ષણના ક્ષેત્રમાં લાંબા ગાળાના અને પારસ્પરિક લાભદાયક સંબંધ ધરાવે છે તથા તેમણે સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા પર ભારતની પ્રતિબદ્ધતા પ્રતિપાદિત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં ભારત અને વિયેતનામ વચ્ચે ગાઢ સહકારથી સંપૂર્ણ વિસ્તારમાં શાંતિ, સ્થિરતા, સુરક્ષા અને સમૃદ્ધિ આવશે.