ફ્રાંસનાં યુરોપ અને વિદેશી બાબતોનાં મંત્રી શ્રી જ્યાં યે લી દારિયાંએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ફ્રાંસનાં સ્ટ્રાસબોર્ગેમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનાં પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ભારત આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાંસની સાથે ઊભો છે.
પ્રધાનમંત્રીએ માર્ચ, 2018માં રાષ્ટ્રપતિ મેક્રોંની ભારતની રાજકીય યાત્રા અને આર્જેન્ટીનામાં જી20 દેશનાં સંમેલન દરમિયાન તાજેતરની મુલાકાતને યાદ કરી હતી.
શ્રી લી દારિયાએ દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરનાં ઘટનાક્રમો તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ફ્રાંસનાં દ્રષ્ટિકોણ બાબતે પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ સંરક્ષણ, અંતરિક્ષ, આતંકવાદ વિરોધ, દરિયાઈ સુરક્ષા અને નાગરિક પરમાણુ સહયોગ સહિત તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સુદ્રઢતાનું સ્વાગત કર્યું હતું.