ભારત અને જાપાનનાં વિદેશ અને સંરક્ષણ મંત્રી વચ્ચે સંવાદ (2+2)ની ઉદ્ઘાટન બેઠકમાં સામેલ થવા માટે ભારતનાં પ્રવાસે આવેલા જાપાનનાં વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગી અને સંરક્ષણ મંત્રી શ્રી તોરો કોનોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી હતી.
પ્રધાનમંત્રીએ આગંતુક મંત્રીઓનું સ્વાગત કર્યું હતું અને ઓક્ટોબર, 2018માં જાપાનમાં આયોજિત 13માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન દરમિયાન પોતાનાં અને જાપાનનાં પ્રધાનમંત્રી આબે દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવા માટે બંને પક્ષો સક્ષમ હોવા પર પોતાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આ બેઠક ભારત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહરચના, સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને વધારે મજબૂત કરશે.
પ્રધાનમંત્રીએ બંને દેશોના લોકો, પ્રદેશ અને આખી દુનિયાના લાભ માટે ભારત-જાપાન સંબંધોના સર્વાંગી વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે નિયમિત રીતે ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનનાં ગાઢ સંબંધો અને ક્ષમતાનું પ્રમાણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ અને પ્રધાનમંત્રી આબે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા પર બહુ ભાર મૂકે છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આગામી મહિને ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી આબેનું ભારતમાં સ્વાગત કરવા ઉત્સુક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જાપાનની સાથે ભારતનાં સંબંધ ભારત-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે અમારી દૃષ્ટિનું મુખ્ય ઘટક છે. સાથે-સાથે ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીની આધારશિલા પણ છે.