વારાણસીની વિરાટ વિજય શંખનાદ રેલીમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ "ગરીબી-બેરોજગારી-ભુખમરો-ભ્રષ્ટાચારમૂકત ભારત" માટે "કોંગ્રેસમૂકત ભારત"નું આહ્વાન કર્યું
આઝાદીના સાડા છ દાયકા પછી પણ ગરીબ અને ગરીબી ઠેરના ઠેર રહયા તે માટે એકહથ્થું સાશનકર્તા એક જ પરિવાર જવાબદાર છે :
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કોંગ્રેસ સરકાર સામે આકરાં સરસંધાન
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે વારાણસીમાં ઉત્તરપ્રદેશ ભાજપા આયોજિત વિજય શંખનાદ રેલીમાં આગામી લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસમૂકત ભારતનો સંકલ્પ હરેક ભારતવાસીને પાર પાડી અને ગરીબી, બેરોજગારી, ભૂખમરો અને ભ્રષ્ટાચારથી મૂકિત મેળવી ભારતમાતાના પરમવૈભવને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાજન અપાવવાનું આહ્વાન કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વર્ષ ર૦૧૪ની ચૂંટણીઓ પહેલા જ દેશના ખૂણે-ખૂણે જનજનમાં એવો માહૌલ સર્જાઇ ગયો છે કે હવે કોંગ્રેસનું બચવું મુશ્કેલ છે. આવનારી ચૂંટણીઓ કોઇ પાર્ટી કે વ્યકિત નહીં પરંતુ સવા સો કરોડ દેશવાસીઓની જનશકિત સામર્થ્ય પર લડાનારી ચૂંટણી બની રહેવાની છે.
વિરાટ વિજય શંખનાદ રેલીમાં ઉપસ્થિત લાખોની જનમેદનીને જોશીલું સંબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ દિલ્હીનની યુ.પી.એ. સરકારને આડે હાથ લીધી હતી અને કહયું હતું કે યુ.પી.એ.ની આ સરકારે ગંગા જેવી પવિત્ર નદીના શુધ્ધિકરણ માટે કોઇ ઠોસ પગલાં કે યોજના કરી જ નથી. કોંગ્રેસને મન ગંગા માત્ર નદી છે, ભારતીય જનતા પાર્ટી માટે ગંગા મૈયા છે. ગંગામૈયાને શુધ્ધ કરવા માટે પહેલા દિલ્હી અને લખનૌને વર્તમાન કુશાસનથી મૂકત કરીને શુધ્ધ કરવા પડશે તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર આકરા સરસંધાન કરતા જણાવ્યું કે કોંગ્રેસને ચૂંટણી આવે ત્યારે જ ગરીબ અને ગરીબીની માળા જપવાનું સુઝે છે. એકવાર જુઠ્ઠા વાયદાઓ કરીને સત્તામાં આવ્યા પછી ગરીબ સામે કોંગ્રેસીઓ જોતા પણ નથી. ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠા વાયદા કે પોકળ વાતો નહીં, નકકર ઇરાદા અને તેને પાર પાડવાની સુશાસન પ્રતિબધ્ધતા સાથે ગરીબો, વંચિતો, કિસાનો, યુવાશકિત સૌના કલ્યાણ માટે કૃતસંકલ્પ છે.
દેશમાં આઝાદીના ૬૦-૬૦ વર્ષો પછી પણ ગરીબ અને ગરીબી ઠેરના ઠેર રહયા અને તેમને વિકાસથી વંચિત જ રાખવામાં આવ્યા તે માટે શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કોંગ્રેસમાં એકહથ્થું શાસનકર્તા એક જ પરિવારને જવાબદાર ગણાવતા કહયું કે ગરીબના ઝૂંપડામાં જઇને ફોટા પડાવવાથી કે તેમની વચ્ચે બેસવાથી ગરીબી કે ગરીબની સમસ્યા દુર થવાની નથી. કોંગ્રેસના આ પરિવાર માટે ગરીબીની વ્યાખ્યાએ એ માનસિકતા અને મનોદશા છે. ગરીબોની પીડા સંવેદનાની તેમને કોઇ પરવા જ નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટી ગરીબના દુઃખદર્દ, આમઆદમીની પીડા અને સંવેદનાઓ સમજનારી અને તેની સાથે જોડાયેલી પાર્ટી છે તેથી જ પ્રજાની કસોટીની એરણે ખરી ઉતરી છે. હવે આવનારી ચૂંટણીઓમાં એ જ પ્રજાશકિત ભાજપાને વિજયની માળા પહેરાવી દિલ્હીમાંથી કોંગ્રેસ સલ્તનતનો સફાયો કરશે જ તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે ઉત્તરપ્રદેશનું મહત્વ એ સાંસદોના સંખ્યાબળના આધારે દિલ્હીની રાજગાદી મેળવવા પુરતુ જ છે. આ વિચારધારા ઉત્તરપ્રદેશ વાસીઓનું સરાસર અપમાન છે. તેમ જણાવતા ઉમેર્યું કે ભાજપાની વિચારધારા આવી સીમીત નથી અમે માનીએ છીએ કે જો હિન્દુસ્તાનને સ્થિંરતા અને વિકાસ જોતા હોય, બેરોજગારીમાંથી મુકિત મેળવવી હોય તો ઉત્તરપ્રદેશના જનજનના શકિત સામર્થ્યથી જ કરી શકાય. યુ.પી. સમૃધ્ધ ભારતની ધરોહર અને વિકાસનું એન્જીન બની શકે તેમ છે, અહિંના કિસાનો આખા યુરોપ ખંડને અનાજ પુરૂં પાડી શકવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ દિલ્હીની સરકાર યુ.પી.ના આ સામર્થ્યને ઓળખી શકતી નથી એ કમનસિબી છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ નૌજવાનોને પ્રેરક આહ્વાન કરતા કહયું કે સમૃધ્ધ્ હિન્દુસ્તાનનું ભાવિ જે યુવાનોના હાથમાં છે તેમને અવસર આપવાનો ભાજપાનો સંકલ્પ છે. ભાજપા માટે યુથ વોટબેન્ક નહીં, યુથ પાવર છે. દિલ્હીની સરકારને આ હોનહાર યુવાનોના સામર્થ્યમાં ભરોસો નથી. યુવાનોને રોજગાર અવસર મળતા નથી અને તેથી તેમનું ભાવિ રોળાઇ રહયું છે. ભાજપા યુવાનોને યોગ્ય અવસર આપી સમૃધ્ધ અને સશકત હિન્દુસ્તાનના નિર્માણ માટે કૃતસંકલ્પ છે.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ તમામ ક્ષેત્રે નિષ્ફિળ ગયેલી કોંગ્રેસની દિલ્હી સરકારને હવે એક પળ પણ શાસનમાં બેસવા દેવા દેશની જનતા તૈયાર નથી તેવો જનજુવાળ દેશ આખામાં ઊભો થયો છે. તે આવનારા દિવસોમાં દિલ્હીમાં કમળ ખિલવીને જ રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.