પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેટવર્ક 18 દ્વારા આયોજીત રાઇજિંગ ઈન્ડિયા સમિટને સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું કે આપણે જ્યારે દેશના સંદર્ભમાં રાઈઝ (ઉદય) ની વાત કરીએ છીએ ત્યારે તેનો સંદર્ભ ખૂબ જ વ્યાપક હોય છે. તેમણે કહ્યું કે અર્થતંત્રના ઉદય ઉપરાંત રાઇજિંગ ઈન્ડિયાનો અર્થ ભારતના લોકોમાં સ્વમાનનો ઉદય એવો અર્થ પણ થાય છે. તેમણે કહયું કે લોકોની સંગઠીત ઈચ્છા શક્તિને પરિણામે અશક્ય બાબત પણ શક્ય બનાવી શકાય છે. તેમણે કહ્યું કે આજે આ સંગઠીત ઈચ્છાશક્તિ ન્યુ ઈન્ડિયાને સાકાર કરવા કામ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણા દેશોની એવી માન્યતા રહી છે કે સરકાર વિકાસ અને પરિવર્તનની આગેવાની લે છે અને નાગરિકો તેને અનુસરે છે. ભારતમાં છેલ્લા ચાર વર્ષથી આ વિચારધારમાં પરિવર્તન આવ્યું છે અને નાગરિકો આગેવાની લઇ રહ્યાં છે અને સરકાર તેને અનુસરે છે.
તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત યોજના ખૂબ ટૂંકા ગાળામાં એક લોક ચળવળ બની ચૂકી છે. ભ્રષ્ટાચાર સામેના હથિયાર તરીકે નાગરિકો ડીજીટલ ચૂકવણીનો ઉપયોગ કરતા થયા છે. તેમણે કહ્યું કે ભારતમાં લોકોના આ નિર્ણયને કારણે એક પરિવર્તનકારી બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે એક વિઝન તરીકે સરકાર રાષ્ટ્રીય સ્તરે અસમતુલાની ભાવનાને દૂર કરવા પ્રયાસ કરી રહી છે. વીડિયોના માધ્યમથી તેમણે સમજાવ્યું કે ઉજ્જવલા યોજનાથી માત્ર રસોડાઓમાં જ નહીં, પરંતુ સમગ્ર પરિવારમાં પરિવર્તન આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ દ્વારા આપણાં સામાજીક માળખામાં એક મોટી અસમતુલા નિવારવાનો પ્રયાસ કરાયો છે.
તેમણે જણાવ્યું કે તે મણિપુરમાં એક દિવસ ગાળ્યા પછી અહીં આવ્યા છે. ત્યાં તેમણે સાયન્સ કોંગ્રેસનું ઉદ્દઘાટન કર્યું, સ્પોર્ટસ યુનિવર્સિટીની શિલારોપણ વિધિ કરી અને પૂર્વોત્તર માટે અન્ય કેટલીક પરિયોજનાઓની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે પૂર્વોત્તરમાં ભાવનાત્મક એકતાને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે તે ‘એક્ટ ઈસ્ટ અને એક્ટ ફાસ્ટ ફોર ઈન્ડિયાઝ ઈસ્ટ’ મંત્ર લઈને કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આમાં માત્ર પૂર્વોત્તરનો સમાવેશ થતો નથી, પરંતુ પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડીશા વગેરેને આવરી લેવાયા છે.
તેમણે આસામમાં ગેસ ક્રેકર પ્રોજેક્ટનું, ગોરખપુર, બરૌની અને સિંદરીમાં ફર્ટિલાઈઝર પ્લાન્ટ પુનર્જીવિત કરવાનું, હલ્દીયા ગેસ પાઈપ લાઈન અને ધોળા સદિયા બ્રીજનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પરિયોજનાઓ કઈ રીતે ચાલુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પૂર્વ ભારતમાં 12 નવા હવાઇ મથકનું નિર્માણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જે 18,000 ગામોમાં વિજળી પહોંચી નહોતી તેમાંથી 13,000 ગામો પૂર્વ ભારતના અને 5,000 ગામો પૂર્વોત્તરના હતા. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં આ ગામોના વિજળીકરણનો લક્ષ્યાંક પૂરો કરવામાં આવશે. તેમણે કહ્યું કે સૌભાગ્ય યોજના દ્વારા દરેક ઘરને વિજળી પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતની અલગ પડી જવાની ભાવનામાંથી એકતા તરફની ભાવના રાઇજિંગ ઈન્ડિયાને તાકાત આપશે.
આરોગ્ય ક્ષેત્રની વાત કરતાં તેમણે કહ્યું કે સરકાર આ ક્ષેત્રમાં 4 સ્તંભ તરફ ધ્યાન આપી રહી છેઃ
- રોગ થતો અટકાવવો (Preventive healthcare)
- પરવડે તેવી આરોગ્ય સેવાઓ
- પૂરવઠા બાબતે દરમ્યાનગીરી
- મિશન મોડમાં કામગીરી
રોગ થતો અટકાવવાના પ્રયાસો અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014માં 6.5 કરોડ શૌચાલયો હતા તેની તુલનામાં આજે દેશના 13 કરોડ ઘરોમાં શૌચાલયો છે. આપણે 38 ટકાથી આગળ વધીને 80 ટકા સુધી પહોંચ્યા છીએ. તેમણે કહ્યું કે યોગ એક લોક ઝુંબેશ બની ગઈ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તાજેતરનાં કેન્દ્ર સરકારના બજેટમાં વેલનેસ કેન્દ્રોની જાહેરાત કરવામાં આવી છે. તેમણે રસીકરણ અંગે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું કે દેશભરમાં 3000 જન ઔષધિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં 800 થી વધુ દવાઓ નીચા દરે ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે સ્ટેન્ટ અને ની ઈમ્પલાન્ટસની કિંમત પણ નિયંત્રીત કરવામા આવી છે.
તેમણે કહ્યું કે આયુષમાન ભારત યોજના દ્વારા અંદાજે 10 કરોડ પરિવારોને આરોગ્ય વીમો આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોક્ટરોની તંગી હલ કરવા માટે મેડિકલ કોલેજોમાં બેઠકોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં વધારવામાં આવી છે. તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનનાં દિવસે શરૂ કરાયેલા રાષ્ટ્રીય પોષણ મિશન (નેશનલ ન્યૂટ્રીશન મિશન)નો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દરેક ક્ષેત્રમાં એક અનોખા મોડલનો અમલ કરવા માટે કામ કરી રહી છે.
ઉર્જા ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સરકાર અગાઉની પરંપરા તોડીને સરકાર નવા ઉપાયો શોધી રહી છે. તેમણે કહ્યું કે ઉર્જા મંત્રાલય, પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય અને કોલસા મંત્રાલય હવે એક એકમ તરીકે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત હવે વિજળીની તંગી તરફથી વિજળી સરપ્લસ રહે તેવી સ્થિતિ તરફ જઈ રહ્યું છે અને નેટવર્ક ફેઈલ થવાની સ્થિતિના બદલે ચોખ્ખા નિકાસકાર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકો આજે માને છે કે ભારત તેની નબળાઈઓને પાછળ રાખીને આગળ વધી શકે તેમ છે. તેમણે કહ્યું કે આ માન્યતા એ રાઇજિંગ ઈન્ડિયાનો પાયો છે. તેમણે કહ્યું કે દુનિયાએ ભારતના ઉદયને સ્વિકાર્યો છે, ભારત પોતાના વિકાસ બાબતે જ નહીં, પણ સમગ્ર દુનિયાના વિકાસ બાબતે એક નવી દિશા ચિંધી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સૌર પરિષદનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે ભારત આજે સૌર ક્રાંતિની આગેવાની લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જી-20 અને યુનાઈટેડ નેશન્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચ ઉપરથી ભારતે સમગ્ર વિશ્વને અસર કરી રહેલા આતંકવાદ, કાળા નાણાં અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા ઉઠાવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા 3-4 વર્ષમાં ભારતે આર્થિક મોરચે તાકાત દર્શાવી છે અને વૈશ્વિક કક્ષાએ વૃદ્ધિ પણ દર્શાવી છે. તેમણે કહ્યું કે દેશ મેક્રો ઈકોનોમિક માપદંડોમાં સારી કામગીરી દર્શાવી રહ્યો છે, રેટીંગ એજન્સીઓ ભારતનું રેટીંગ ઉંચુ લઈ જઈ રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર ગરીબો, નિમ્ન મધ્યમ અને મધ્યમ વર્ગની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને સમગ્રલક્ષી અભિયાનમાં આગળ વધી રહી છે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વનું સાધન બની છે.
Read Full Presentation Here