મારા પ્રિય દેશવાસીઓ, ગઇકાલે માઘ પૂર્ણિમાનું પર્વ હતું. મહા મહિનો ખાસ કરીને નદીઓ, સરોવરો અને જળસ્ત્રોત સાથે જોડાયેલો માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે,

માઘે નિમગ્નાઃ સલિલે સુશીતે, વિમુક્તપાપાઃ ત્રિદિવમ્ પ્રયાન્તિ...

એટલે કે મહા મહિનામા કોઈપણ પવિત્ર જળાશયમાં સ્નાનને પવિત્ર માનવામાં આવે છે. દુનિયાના દરેક સમાજમાં નદી સાથે જોડાયેલી કોઈને કોઈ પરંપરા હોય જ છે. નદીના તટ પર અનેક સભ્યતાઓ પણ વિકસિત થઈ છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે, તેથી તેનો વિસ્તાર આપણે ત્યાં વધુ મળે છે. ભારતમાં કોઈ એવો દિવસ નહીં હોય જ્યારે દેશના કોઈને કોઈ ખૂણામાં પાણી સાથે જોડાયેલો કોઈ ઉત્સવ ન હોય. મહા મહિનાના દિવસોમાં તો લોકો પોતાના ઘર-પરિવાર, સુખ-સુવિધા છોડીને આખો મહિનો નદીના કિનારે કલ્પવાસ કરવા જાય છે. આ વખતે હરિદ્વારમાં કુંભ પણ થઈ રહ્યો છે. જળ આપણા માટે જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે. પાણી એક રીતે પારસથી પણ વધારે મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તેવી જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે પણ જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે.

સાથીઓ, મહા મહિનાને જળ સાથે જોડવાનું સંભવતઃ વધુ એક કારણ એ પણ છે કે તેના પછી ઠંડી પૂર્ણ થઈ જાય છે, અને ગરમીના પગરવ મંડાય છે, તેથી પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયાસો શરૂ કરી દેવા જોઈએ. કેટલાક દિવસો બાદ માર્ચ મહિનામાં જ 22 તારીખે ‘World Water Day’ પણ છે.

મને યુ.પી.ના આરાધ્યા જી એ લખ્યું છે કે દુનિયામાં કરોડો લોકો, પોતાના જીવનનો મોટો ભાગ પાણીની અછતને પૂર્ણ કરવામાં લગાવી દે છે. પાણી વગર બધું વ્યર્થ....એમ જ નથી કહેવામાં આવ્યું. પાણીના સંકટને ઉકેલવા માટે એક બહુ જ સારો મેસેજ પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુર થી સુજીત જીએ મને મોકલ્યો છે. સુજીત જી એ લખ્યું છે કે પ્રકૃતિએ જળના રૂપમાં આપણને એક સામૂહિક ઉપહાર આપ્યો છે, તેથી તેને બચાવવાની જવાબદારી પણ સામૂહિક છે. એ વાત સાચી છે જેમ સામૂહિક ઉપહાર છે, તેવી જ રીતે સામૂહિક જવાબદારી પણ છે. સુજીત જીની વાત બિલકુલ સાચી છે. નદી, તળાવ, સરોવર, વર્ષા કે જમીનનું પાણી, આ બધું બધા માટે છે.

સાથીઓ, એક સમય હતો જ્યારે ગામમાં કૂવા, ખાબોચિયાં, તેની દેખભાળ બધા મળીને કરતાં હતાં, હવે આવો જ એક પ્રયત્ન, તમિલનાડુના તિરૂવન્નામલાઈમાં થઈ રહ્યો છે. અહીં સ્થાનિક લોકોએ પોતાના કૂવાઓને સંરક્ષિત કરવા માટે અભિયાન ચલાવ્યું છે. આ લોકો તેમના વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા સાર્વજનિક કૂવાઓને ફરીથી જીવીત કરી રહ્યા છે.

મધ્યપ્રદેશના અગરોથા ગામની બબીતા રાજપૂત જી પણ જે કરી રહ્યા છે, તેનાથી આપ સહુને પ્રેરણા મળશે. બબીતા જીનું ગામ બુંદેલખંડમાં છે. તેમના ગામની પાસે એક બહુ મોટું તળાવ હતું જે સૂકાઈ ગયું હતું. તેમણે ગામની જ અન્ય મહિલાઓને સાથે લીધી અને તળાવ સુધી પાણી લઈ જવા એક નહેર બનાવી દીધી. આ નહેરથી વરસાદનું પાણી સીધું તળાવમાં જવા લાગ્યું. હવે આ તળાવ પાણથી ભરેલું રહે છે.

સાથીઓ ઉત્તરાંખડના બાગેશ્વરમાં રહેતા જગદીશ કુનિયાલ જીનું કામ પણ ઘણું બધું શિખવાડે છે. જગદીશ જીનું ગામ અને આસપાસનું ક્ષેત્ર પાણીની જરૂરિયાત માટે એક પ્રાકૃતિક સ્ત્રોત પર નિર્ભર હતું. પરંતુ થોડા વર્ષો પહેલાં આ સ્ત્રોત સૂકાઈ ગયો. તેનાથી આખા વિસ્તારમાં પાણીનું સંકટ વધતું ગયું. જગદીશ જી એ આ સંકટનો ઉકેલ વૃક્ષારોપણથી લાવવાનું નક્કી કર્યું. તેમણે આખા વિસ્તારમાં ગામના લોકો સાથે મળીને હજારો વૃક્ષ લગાવ્યાં અને આજે તેમના વિસ્તારનું સૂકાઈ ગયેલો જળસ્ત્રોત ફરથી ભરાઈ ગયો છે.

સાથીઓ, પાણીને લઈને આપણે આવી જ રીતે આપણી સામૂહિક જવાબદારીઓને સમજવી પડશે. ભારતનાં મોટાભાગના વિસ્તારોમાં મે-જૂનમાં વરસાદ શરૂ થઈ જાય છે. શું આપણે અત્યારથી જ આપણી આસપાસના જળસ્ત્રોતોની સફાઈ માટે, વર્ષા જળના સંગ્રહ માટે, 100 દિવસનું કોઈ અભિયાન શરૂ કરી શકીએ છીએ? આ જ વિચાર સાથે હવેથી થોડા દિવસો પછી જળ શક્તિ મંત્રાલય દ્વારા પણ જળ શક્તિ અભિયાન – ‘Catch the Rain’ પણ શરૂ કરવામાં આવી રહયું છે. આ અભિયાનનો મૂળ મંત્ર છે, ‘Catch the Rain, where it falls, when it falls’. આપણે અત્યારથી જ જોડાઈશું, આપણે પહેલાંથી જ જે Rain Water Harvesting System છે તેને સુધારી દઈશું, ગામમાં, તળાવોમાં, ખાબોચિયાંની સફાઈ કરાવી લઈશું, જળસ્ત્રોતો સુધી જઈ રહેલા પાણીના રસ્તાની અડચણો દૂર કરી નાખીશું તો વધારેમાં વધારે વર્ષા જળનો સંગ્રહ કરી શકીશું.

મારા પ્રિય દેશવાસીઓ જ્યારે પણ મહા મહિનો અને તેના આધ્યાત્મિક સામાજિક મહત્વની ચર્ચા થાય છે, તો આ ચર્ચા એક નામ વગર પૂરી નથી થતી. આ નામ છે સંત રવિદાસ જીનું. મહા પૂર્ણિમાના દિવસે જ સંત રવિદાસ જીની જન્મજયંતિ હોય છે. આજે પણ સંત રવિદાસ જી ના શબ્દ, તેમનું જ્ઞાન, આપણું પથપ્રદર્શન કરે છે. તેમણે કહ્યું હતું,...

 

એકૈ માતી કે સભ ભાંડે

સભ કા એકૌ સિરજનહાર.

રવિદાસ વ્યાપૈ એકૈ ઘટ ભીતર,

સભ કૌ એકૈ ઘડૈ કુમ્હાર...

આપણે બધા એક જ માટીના વાસણો છીએ, આપણને બધાને એકે જ ઘડ્યા છે. સંત રવિદાસ જીએ સમાજમાં વ્યાપ્ત વિકૃતિઓ પર હંમેશા ખૂલીને પોતાની વાત કહી છે. તેમણે આ વિકૃતિઓને સમાજની સામે રાખી, તેને સુધારવાનો રાહ દેખાડ્યો અને એટલે જ મીરા જીએ કહ્યું હતું,...

ગુરુ મિલિયા રૈદાસ, દીન્હી જ્ઞાન કી ગુટકી.

એટલે કે ગુરૂના રૂપમાં રૈદાસ મળ્યા અને તેમણે સાચા જ્ઞાનનો ઘુંટડો પીવડાવ્યો.

આ મારું સૌભાગ્ય છે કે હું સંત રવિદાસ જીના જન્મ સ્થળ વારાણસી સાથે જોડાયેલો છું. સંત રવિદાસ જીના જીવનની આધ્યાત્મિક ઉંચાઈનો અને તેમની ઉર્જાનો મેં એ તીર્થસ્થળ પર અનુભવ કર્યો છે.

સાથીઓ, રવિદાસ જી કહેતા હતા, ....

કરમ બંધન મેં બન્ધ રહિયો, ફલ કી ના તજ્જિયો આસ,

કર્મ માનુષ કા ધર્મ હૈ, સત ભાખૈ રવિદાસ...

 

એટલે કે આપણે સતત આપણું કર્મ કરતા રહેવું જોઈએ, પછી ફળ તો મળશે જ મળશે, એટલે કે કર્મ થી જ સિદ્ધી તો મળે જ મળે છે. આપણા યુવાઓને એક વાત સંત રવિદાસ જી થી જરૂર શીખવી જોઈએ. યુવાનોએ કોઈપણ કામ કરવા માટે પોતાને, જૂના રીત-રિવાજમાં બાંધવા ન જોઈએ. આપ આપના જીવનને પોતે જ નક્કી કરો. તમારા રીત-રિવાજ પણ પોતે જ બનાવો અને તમારું લક્ષ્ય પણ પોતે જ નક્કી કરો. જો તમારો વિવેક, તમારો આત્મવિશ્વાસ મજબૂત છે તો તમારે દુનિયામાં કોઈપણ વસ્તુથી ડરવાની જરૂર નથી. હું આમ એટલા માટે કહું છું કારણ કે કેટલીયે વખત આપણા યુવાનો એક ચાલતા આવતા વિચારના દબાણમાં તેઓ કામ નથી કરી શકતા, જે કરવું ખરેખર તેમને પસંદ હોય છે. તેથી તમારે ક્યારેય પણ નવું વિચારવામાં, નવું કરવામાં સંકોચ કરવો જોઈએ નહીં. આવી જ રીતે સંત રવિદાસ જીએ વધુ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ સંદેશ છે, ‘પગભર થવું’...આપણે આપણા સપનાઓ માટે કોઈ બીજા પર નિર્ભર રહીએ તે જરાપણ બરાબર નથી. જે જેવું છે તે તેમ ચાલતું રહે, રવિદાસ જી ક્યારેય પણ એના પક્ષમાં નહોતા અને આજે આપણે જોઈએ છીએ કે દેશના યુવાનો પણ આ વિચારના પક્ષમાં બિલકુલ નથી. આજે જ્યારે હું દેશના યુવાનોમાં Innovative Spirit જોવું છું તો મને લાગે છે કે આપણા યુવાનો પર સંત રવિદાસ જીને જરૂરથી ગર્વ થતો હશે.

મારા પ્રિય દેશવાસીઓ, આજે National Science Day પણ છે. આજનો દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સી.વી.રમન જી દ્વારા કરવામાં આવેલી Raman Effect ની શોધને સમર્પિત છે. કેરળથી યોગેશ્વરન જીએ NamoApp પર લખ્યું છે કે Raman Effect ની શોધે આખા વિજ્ઞાનની દિશાને જ બદલી નાખી હતી. તેનાથી જોડાયેલો એક બહુ સારો સંદેશ મને નાશિકના સ્નેહીલ જીએ મોકલ્યો છે. સ્નેહીલ જીએ લખ્યું છે કે આપણા દેશના અગણિત વૈજ્ઞાનિકો છે, જેમના યોગદાન વગર સાયન્સ આટલી પ્રગતિ ન કરી શક્યું હોત. આપણે જે રીતે દુનિયાના બીજા વૈજ્ઞાનિકો વિશે જાણીએ છીએ, તેવી જ રીતે આપણે ભારતના વૈજ્ઞાનિકો વિશે પણ જાણવું જોઈએ. હું પણ મન કી બાતના આ શ્રોતાઓની વાતથી સહમત છું. હું ચોક્કસ ઈચ્છીશ કે આપણા યુવાનો, ભારતના વૈજ્ઞાનિક – ઈતિહાસને, આપણા વૈજ્ઞાનિકોને જાણે, સમજે અને ખૂબ વાંચે.

સાથીઓ, જ્યારે આપણે સાયન્સની વાત કરીએ છીએ તો ઘણીવાર તેને લોકો ફિઝીક્સ-કેમેસ્ટ્રી અથવા તો લેબ્સ સુધી જ સીમિત કરી દે છે, પરંતુ સાયન્સનો વિસ્તાર તો તેનાથી ઘણો જ વધારે છે અને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’માં સાયન્સની શક્તિનું બહુ મોટું યોગદાન પણ છે. આપણે સાયન્સને Lab to Land ના મંત્ર સાથે આગળ વધારવું પડશે.

દાખલા તરીકે, હૈદરાબાદના ચિંતલા વેંકટ રેડ્ડી જી છે. રેડ્ડી જી ના એક ડોક્ટર મિત્રએ તેમને એક વખત વિટામીન-ડી ની ઉણપથી થનારી બિમારીઓ અને તેના ખતરા વિશે જણાવ્યું. રેડ્ડી જી ખેડૂત છે, તેમણે વિચાર્યું કે તેઓ આ સમસ્યાના સમાધાન માટે શું કરી શકે છે? પછી તેમણે મહેનત કરી અને ઘઉં, ચોખાની એવી પ્રજાતિઓને વિકસિત કરી કે જે ખાસ કરીને વિટામિન-ડી થી યુક્ત હોય. આ મહિને World Intellectual Property Organization, Geneva થી patent પણ મળી છે. આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે વેંકટ રેડ્ડી જીને ગત વર્ષે પદ્મ શ્રી થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આવા જ ઘણાં ઈનોવેટિવ રીતે લદ્દાખના ઉરગેન ફૂત્સૌગ પણ કામ કરી રહ્યા છે. ઉરગેન જી આટલી ઉંચાઈ પર ઓર્ગેનિક રીતે ખેતી કરીને લગભગ 20 પાક ઉગાડી રહ્યા છે, તે પણ cyclic રીતે, એટલે કે એક પાકના waste ને બીજા પાકમાં, ખાતરની રીતે ઉપયોગ કરે છે. છે ને કમાલની વાત.

આવી જ રીતે ગુજરાતના પાટણ જિલ્લામાં કામરાજભાઈ ચૌધરીએ ઘરમાં જ સહજનના સારા બીજનો વિકાસ કર્યો છે. કેટલાક લોકો સહજનને સરગવો પણ કહે છે, તેને મોરિંગ અથવા તો ડ્રમ સ્ટિક પણ કહેવાય છે. સારા બીજની મદદથી જે સરગવાનો ઉછેર થાય છે, તેની ક્વોલિટી પણ સારી હોય છે. તેમની ઉપજને તેઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ મોકલીને, તેમની આવક વધારી રહ્યા છે.

સાથીઓ, આજકાલ ચીયા સિડ્સ નું નામ તમે લોકો બહુ સાંભળતો હશે. હેલ્થ અવેરનેસ સાથે જોડાયેલા લોકો તેને ઘણું મહત્વ આપે છે અને દુનિયામાં તેની મોટી માગ પણ છે. ભારતમાં તેને મોટાભાગે બહારથી જ મંગાવાય છે, પરંતુ હવે ચીયા સિડ્સમાં આત્મનિર્ભરતાનું બીડું પણ લોકો ઉઠાવી રહ્યા છે. આવી જ રીતે યુપીના બારાબાંકીમાં હરિશ્ચન્દ્ર જીએ ચીયા સિડ્સની ખેતી શરૂ કરી છે. ચીયા સિડ્સની ખેતી તેમની આવક પણ વધારશે અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ મદદ કરશે.

સાથીઓ, Agriculture Waste થી Wealth create કરવાના પણ કેટલાય પ્રયોગ દેશભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. જેમ કે મદુરાઈના મુરગેસન જી એ કેળાના વેસ્ટમાંથી દોરડું બનાવવાનું એક મશીન બનાવ્યું છે. મુરગેસન જીના આ ઈનોવેશન થી પર્યાવરણ અને ગંદકીનું પણ સમાધાન થશે અને ખેડૂતો માટે વધારાની આવકનો પણ રસ્તો બનશે.

સાથીઓ મન કી બાતના શ્રોતાઓને આટલા બધા લોકો વિશે જણાવવાનો મારો હેતુ એ જ છે કે આપણે તેમની પાસેથી પ્રેરણા લઈએ. જ્યારે દેશનો દરેક નાગરિક પોતાના જીવનમાં વિજ્ઞાનનો વિસ્તાર કરશે, દરેક ક્ષેત્રમાં કરશે, તો પ્રગતિના રસ્તાઓ પણ ખૂલશે અને દેશ આત્મનિર્ભર પણ બનશે. અને મને વિશ્વાસ છે કે આ દેશનો દરેક નાગરિક કરી શકે છે.

મારા પ્રિય સાથીઓ, કોલકાતાના રંજન જીએ તેમના પત્રમાં ખૂબ જ રસપ્રદ અને પાયાનો સવાલ પૂછ્યો છે અને સાથે જ શ્રેષ્ઠ રીતે તેનો જવાબ આપવાની કોશિશ પણ કરી છે. તેઓ લખે છે કે જ્યારે આપણે આત્મનિર્ભર થવાની વાત કરીએ છીએ, તો તેનો આપણે માટે કયો અર્થ થાય છે? આ જ સવાલના જવાબમાં તેમણે પોતે જ આગળ લખ્યું છે કે – આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક ગવર્મેન્ટ પોલીસી જ નથી પરંતુ એક નેશનલ સ્પિરિટ છે. તેઓ માને છે કે આત્મનિર્ભર થવાનો અર્થ છે કે પોતાના નસીબનો નિર્ણય પોતે જ કરવો એટલે કે પોતાના જ ભાગ્યના નિયંત્રક હોવું. રંજન બાબુ ની વાત સો ટકા સાચી છે. તેમની વાતને આગળ વધારતા હું એ પણ કહીશ કે આત્મનિર્ભરતાની પહેલી શરત એ હોય છે કે – પોતાના દેશની ચીજો પર ગર્વ હોવો, પોતાના દેશના લોકો દ્વારા બનાવેલી વસ્તુઓ પર ગર્વ હોવો. જ્યારે પ્રત્યેક દેશવાસી ગર્વ કરે છે, પ્રત્યેક દેશવાસી જોડાય છે, તો આત્મનિર્ભર ભારત, માત્ર એક આર્થિક અભિયાન ન રહેતા, એક નેશનલ સ્પિરીટ બની જાય છે. જ્યારે આકાશમાં આપણે આપણા દેશમાં બનેલા ફાઈટર પ્લેન તેજસ ને કરતબો કરતાં જોઈએ છીએ, જ્યારે ભારતમાં બનેલા ટેન્ક, ભારતમાં બનેલી મિસાઈલ, આપણું ગૌરવ વધારે છે, જ્યારે સમૃદ્ધ દેશોમાં આપણે મેટ્રો ટ્રેનના મેડ ઈન ઈન્ડિયા કોચ જોઈએ છીએ, જ્યારે ડઝન દેશો સુધી મેડ ઈન ઈન્ડિયા કોરોના વેક્સિન પહોંચતી જોઈએ છીએ, તો આપણું માથું વધુ ઉંચું થઈ જાય છે. અને એવું જ નથી, કે મોટી-મોટી ચીજો જ ભારતને આત્મનિર્ભર બનાવશે. ભારતમાં બનેલા કપડાં, ભારતના ટેલેન્ટેડ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા હેન્ડિક્રાફ્ટનો સામાન, ભારતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ભારતના મોબાઈલ, દરેક ક્ષેત્રમાં આપણે આ ગૌરવને વધારવું પડશે. જ્યારે આપણે આવા વિચાર સાથે આગળ વધીશું, ત્યારે જ સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકીશું અને સાથીઓ મને ખુશી છે કે આત્મનિર્ભર ભારતનો આ મંત્ર દેશના ગામે-ગામ પહોંચી રહ્યો છે. બિહારના બેતિયામાં આવું જ થયું છે. જેના વિશે મને મીડિયામાં વાંચવા મળ્યું છે.

બેતિયાના રહેવાસી પ્રમોદ જી, દિલ્હીમાં એક ટેક્નિશિયન તરીકે એલઈડી બલ્બ બનાવતી ફેક્ટરીમાં કામ કરતા હતા, તેમણે આ ફેક્ટરીમાં કામ દરમિયાન આખી પ્રક્રિયાને તેઓ બહુ બારીકીથી સમજ્યા. પરંતુ કોરોનાના સમયમાં પ્રમોદ જીએ પોતાના ઘરે પરત ફરવું પડ્યું. તમે જાણો છો પરત ફર્યા બાદ પ્રમોદ જીએ શું કર્યું ? તેમણે પોતે એલઈડી બલ્બ બનાવવાનું નાનું યુનિટ શરૂ કરી દીધું. તેમણે પોતાના ક્ષેત્રના કેટલાક યુવાનોને સાથે લીધા અને કેટલાક મહિનાઓમાં જ ફેક્ટરી વર્કરથી લઈને ફેક્ટરી ઓનર બનવા સુધીનો પ્રવાસ પૂર્ણ કર્યો. તે પણ પોતાના ઘરમાં જ રહીને.

વધુ એક ઉદાહરણ છે – યુપી ના ગઢમુક્તેશ્વરનું. ગઢમુક્તેશ્વરથી શ્રીમાન સંતોષ જીએ લખ્યું છે કે કેવી રીતે કોરોના કાળમાં તેમણે આપત્તિને અવસરમાં બદલી. સંતોષ જી ના દાદા-પરદાદા ઘણા સારા કારીગર હતા, ચટાઈ બનાવવાનું કામ કરતા હતા. કોરોનાના સમયમાં જ્યારે અન્ય કામ રોકાઈ ગયા તો આ લોકોએ એકદમ ઉર્જા અને ઉત્સાહ સાથે ચટાઈ બનાવવાનું શરૂ કર્યું. બહુ જલ્દી, તેમને ન માત્ર ઉત્તરપ્રદેશ, પરંતુ બીજા રાજ્યોમાંથી પણ ચટાઈના ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા. સંતોષ જી એ એ પણ જણાવ્યું કે તેનાથી આ ક્ષેત્રની સેંકડો વર્ષ જૂની સુંદર કળા ને પણ એક નવી તાકાત મળી છે.

સાથીઓ, દેશભરમાં આવા કેટલાય ઉદાહરણ છે, જ્યાં લોકો આત્મનિર્ભર ભારત અભિયાન માં આવી રીતે પોતાનું યોગદા આપી રહ્યા છે. આજે આ એક ભાવ બની ચૂક્યો છે, જે સામાન્ય લોકોના હ્રદયમાં પ્રવાહિત થઈ રહ્યો છે.

મારા પ્રિય દેશવાસીઓ, મેં નમો એપ પર ગુડગાંવ નિવાસી મયૂરની એક interesting post જોઈ. તેઓ Passionate Bird watcher અને Nature Lover છે. મયૂર જીએ લખ્યું છે કે હું તો હરિયાણામાં રહું છું, પરંતુ હું ઈચ્છું છું કે તમે આસામના લોકો અને ખાસ કરીને કાઝીરંગાના લોકોની ચર્ચા કરો. મને લાગ્યું કે મયૂર જી Rhinos વિશે વાત કરશે, જેને ત્યાંનું ગૌરવ કહેવાય છે. પરંતુ મયૂર જીએ કાઝીરંગામાં Water Fowls (વોટર ફાઉલ્સ ) ની સંખ્યામાં થયેલા વધારાને લઈને આસામના લોકોની પ્રશંસા માટે કહ્યું છે. હું શોધી રહ્યો હતો કે આપણે Water Fowls ને સાધારણ શબ્દોમાં શું કહી શકીએ છીએ, તો એક શબ્દ મળ્યો, - જલપક્ષી. એવા પક્ષી જેમનું રહેઠાણ ઝાડ પર નહીં, પાણી પર હોય છે, જેમ કે બતક વગેરે. કાઝીરંગા નેશનલ પાર્ક એન્ડ ટાઈગર રિઝર્વ ઓથોરિટી કેટલાક સમયથી Annual Waterfowls Census કરતું આવ્યું છે. આ સેન્સસ થી જળ પક્ષીઓની સંખ્યાની જાણકારી મળે છે અને તેમના ગમતાં Habitat ની જાણકારી મળે છે. હમણાં બે-ત્રણ અઠવાડિયા પહેલાં જ ફરી સર્વે થયો છે. તમને પણ એ જાણીને આનંદ થશે કે આ વખતે જળ પક્ષીઓની સંખ્યા, ગત વર્ષની તુલનામાં લગભગ 175 ટકા વધુ આવી છે. આ સેન્સસ દરમિયાન કાઝીરંગા નેશનલ પાર્કમાં Birds ની કુલ 112 Species ને જોવામાં આવી છે. તેમાંથી 58 Species યુરોપ, Central Asia અને East Asia સહિત દુનિયાના વિવિધ ભાગોમાંથી આવેલા Winter Migrants છે. તેનું સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે અહીં ઘણાં સારા Water Conservation હોવાની સાથે Human Interference બહુ ઓછા છે. આમ તો કેટલાક મામલામાં Positive Human Interference પણ બહુ મહત્વપૂર્ણ હોય છે.

આસામના શ્રી જાદવ પાયેન્ગ ને જ જુઓ. તમારામાંથી કેટલાક લોકો તેમના વિશે જરૂર જાણતા હશે. પોતાના કાર્યો માટે તેમને પદ્મ સન્માન મળ્યું છે. શ્રી જાદવ પાયેન્ગ એ વ્યક્તિ છે જેમણે આસામમાં મજૂલી આયલેન્ડમાં લગભગ 300 હેક્ટર પ્લાન્ટેશનમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું છે. તેઓ વન સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે, અને લોકોને પ્લાન્ટેશન તેમજ બાયોડાયવર્સિટી ના કન્ઝર્વેશન ને લઈને પ્રેરિત કરવામાં પણ જોડાયેલા છે.

સાથીઓ, આસામમાં આપણા મંદિર પણ, પ્રકૃતિના સંરક્ષણમાં પોતાની અલગ જ ભૂમિકા નિભાવી રહ્યા છે, જો તમે આપણા મંદિરોને જોશો, તો જાણશો કે દરેક મંદિર પાસે તળાવ હોય છે. હજો સ્થિત હયાગ્રીવ મઘેબ મંદિર, સોનિતપુરનું નાગશંકર મંદિર અને ગુવાહાટીમાં સ્થિત ઉગ્રતારા ટેમ્પલ પાસે આ પ્રકારના કેટલાય તળાવો છે. તેમનો ઉપયોગ વિલુપ્ત થતા કાચબાઓને પ્રજાતિઓને બચાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આસામમાં કાચબાઓની સૌથી વધારે પ્રજાતિઓ મળે છે. મંદિરોના આ તળાવ કાચબાના સંરક્ષણ, પ્રજનન અને તેમના વિશે પ્રશિક્ષણ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની શકે છે.

મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક લોકો સમજે છે કે ઈનોવેશન કરવા માટે તમારું સાયન્ટિસ્ટ હોવું જરૂરી છે, કેટલાક વિચારે છે કે બીજાને કંઈક શિખવાડવા માટે તમારું ટીચર હોવું જરૂરી છે. આ વિચારને પડકાર આપનારા વ્યક્તિ હંમેશા પ્રશંસાને પાત્ર હોય છે. હવે જેમ શું કોઈ કોઈને સોલ્જર બનવા માટે પ્રશિક્ષિત કરે છે, તો શું તેણે સૈનિક હોવું જરૂરી છે? તમે વિચારી રહ્યા હશો કે, હા..... જરૂરી છે. પરંતુ અહીં થોડો ટ્વીસ્ટ છે.

MyGov પર કમલકાંત જીએ મીડિયાનો એક રિપોર્ટ શેર કર્યો છે, જે કંઈક અલગ વાત કરે છે. ઓડિશામાં અરાખુડામાં એક સજ્જન છે – નાયક સર. આમ તો તેમનું નામ સિલૂ નાયક છે, પણ બધા તેમને નાયક સર કહીને જ બોલાવે છે. આમ તો તેઓ Man on a Mission છે. તેઓ એ યુવાનોને મફતમાં પ્રશિક્ષિત કરે છે જે સેનામાં ભરતી થવા માગે છે. નાયક સરના ઓર્ગેનાઈઝેશનનું નામ મહાગુરુ બટાલિયન છે. તેમાં ફિઝીકલ ફિટનેસ થી લઈને ઈન્ટર્વ્યૂ સુધી અને રાઈટિંગ થી લઈને ટ્રેનિંગ સુધી, આ બધા પાસાઓ વિશે જણાવવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમણે જે લોકોને પ્રશિક્ષણ આપ્યું છે, તેમણે પાયદળ, જળ સેના અને વાયુ સેના, સીઆરપીએફ, બીએસએફ જેવા યુનિફોર્મ ફોર્સિસમાં પોતાની જગ્યા બનાવી છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સિલૂ નાયક જીએ પોતે ઓડિશા પોલીસમાં ભરતી થવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહોતા, તેમ છતાં તેમણે પોતાના પ્રશિક્ષણના દમ પર અનેક યુવાનોને રાષ્ટ્રસેવા માટે યોગ્ય બનાવ્યા છે. આવો આપણે બધા મળીને નાયક સરને શુભેચ્છા આપીએ કે તેઓ આપણા દેશ માટે વધુ નાયકોને તૈયાર કરે.

સાથીઓ, ક્યારેક ક્યારેક બહુ નાનો અને સાધારણ સવાલ પણ મનને અસ્થિર બનાવી દે છે. એ સવાલ લાંબા નથી હોતા, બહુ સિમ્પલ હોય છે, તેમ છતાં તે આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. કેટલાક દિવસો પહેલાં હૈદરાબાદના અપર્ણા રેડ્ડી જીએ મને એવો જ એક સવાલ પૂછ્યો. તેમણે કહ્યું કે – આપ આટલા વર્ષોથી પીએમ છો, આટલા વર્ષો સી.એમ રહ્યા, શું આપને ક્યારેય લાગે છે કે ક્યાંક કંઈક ઉણપ રહી ગઈ? અપર્ણા જીનો સવાલ બહુ જ સહજ છે પરંતુ એટલો જ મુશ્કેલ પણ. મેં આ સવાલ પર વિચાર કર્યો અને પોતાને કહ્યું કે મારી એક ઉણપ એ રહી છે કે હું દુનિયાની સૌથી પ્રાચિન ભાષા – તમિલ શીખવા માટે બહુ પ્રયાસ ન કરી શક્યો, હું તમિલ ના શીખી શક્યો. આ એક એવી સુંદર ભાષા છે, જે દુનિયાભરમાં લોકપ્રિય છે. ઘણાં લોકોએ મને તમિલ લિટરેચર ની ક્વોલિટી અને તેમાં લખેલી કવિતાઓના ઉંડાણ વિશે ઘણું જણાવ્યું છે. ભારત આવી અનેક ભાષાઓનું સ્થળ છે જે આપણી સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે. ભાષા વિશે વાત કરતા હું એક નાની Interesting clip આપ સહુની સાથે વહેંચવા માગું છું.

SOUND CLIP STATUE OF UNITY

ખરેખર હમણાં આપ જે સાંભળી રહ્યા હતા તે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક ગાઈડ, સંસ્કૃતમાં લોકોને સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા વિશે જણાવી રહ્યા છે. તમને જાણીને આનંદ થશે કે કેવડિયામાં 15 થી પણ વધારે ગાઈડ, ધારા પ્રવાહ સંસ્કૃતમાં લોકોને ગાઈડ કરે છે. હવે હું આપને વધુ એક અવાજ સંભળાવું છું....

 

SOUND CLIP – CRICKET COMMENTARY

 

આપ પણ આ સાંભળીને હેરાન થઈ ગયા હશો. ખરેખર, આ સંસ્કૃતમાં કરવામાં આવેલી ક્રિકેટ કોમેન્ટ્રી છે. વારાણસીમાં, સંસ્કૃત મહાવિદ્યાલયો વચ્ચે એક ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે. આ મહાવિદ્યાલય છે – શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય, સ્વામી વેદાંતી વેદ વિદ્યાપીઠ, શ્રી બ્રહ્મ વેદ વિદ્યાલય અને ઈન્ટરનેશનલ ચંદ્રમૌલી ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટુર્નામેન્ટની મેચ દરમિયાન કોમેન્ટરી સંસ્કૃતમાં પણ કરવામાં આવે છે. હમણાં મેં એ કોમેન્ટરીનો એક નાનો ભાગ આપને સંભળાવ્યો. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટમાં ખેલાડી અને કોમેન્ટેટર પારંપારિક પોષાકમાં નજરે પડે છે. જો તમને એનર્જી, એક્સાઈટમેન્ટ, સસ્પેન્સ બધું એકસાથે જોઈએ તો તમારે રમતોની કોમેન્ટરી સાંભળવી જોઈએ. ટીવી આવ્યાના બહુ પહેલાં સ્પોર્ટ્સ કોમેન્ટરી જ એ માધ્યમ હતું જેની મદદથી ક્રિકેટ અને હોકી જેવી રમતોનો રોમાંચ દેશભરના લોકો અનુભવ કરતાં હતાં. ટેનિસ અને ફૂટબોલ મેચોની કોમેન્ટરી પણ ઘણી સારી રીતે પીરસવામાં આવે છે. આપણે જોયું છે કે જે રમતોમાં કોમેન્ટરી સમૃદ્ધ છે, તેનો પ્રચાર-પ્રસાર બહુ ઝડપથી થાય છે. આપણે ત્યાં પણ ઘણી ભારતીય રમતો છે પરંતુ તેમાં કોમેન્ટરી કલ્ચર નથી આવ્યું અને તેને કારણે જ તે લુપ્ત થવાની સ્થિતીમાં છે. મારા મનમાં એક વિચાર છે – કેમ અલગ અલગ સ્પોર્ટ્સ અને ખાસ કરીને ભારતીય રમતોની સારી કોમેન્ટરી વધારે ને વધારે ભાષાઓમાં ન હોય, આપણે તેને પ્રોત્સાહિત કરવા માટે ચોક્કસ વિચાર કરવો જોઈએ. હું રમત-ગમત મંત્રાલય અને પ્રાઈવેટ સંસ્થાના સહયોગીઓને આના વિશે વિચારવાનો આગ્રહ કરીશ.

મારા પ્રિય યુવા સાથીઓ, આવનારા કેટલાક મહિના આપના બધાના જીવનમાં વિશેષ મહત્વ રાખે છે. મોટાભાગના યુવા સાથીઓની exams, પરીક્ષાઓ હશે. આપને યાદ છે ને – Warrior બનવાનું છે, Worrior નહીં, હસતાં-હસતાં એક્ઝામ આપવા જવાનું છે અને હસતાં હસતાં પાછા આવવાનું છે. કોઈ બીજા સાથે નહીં પરંતુ પોતાનાથી જ સ્પર્ધા કરવાની છે. પૂરતી ઉંઘ પણ લેવાની છે, અને ટાઈમ મેનેજમેન્ટ પણ કરવાનું છે. રમતો રમવાનું પણ નથી છોડવાનું નથી, કારણ કે જે રમે તે ખીલે. રિવિઝન અને યાદ કરવાની સ્માર્ટ રીત અપનાવવાની છે, એટલે કે કુલ મળીને આ એક્ઝામ્સમાં પોતાના બેસ્ટને બહાર લાવવાનું છે. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે થશે. આપણે બધા મળીને આ કરવાના છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બધા કરીશું “પરીક્ષા પે ચર્ચા...” પરંતુ માર્ચમાં થનારી પરીક્ષા પે ચર્ચાથી પહેલા મારી આપ સર્વે એક્ઝામ્સ વોરિયર્સને, પેરન્ટ્સને અને ટીચર્સને એક રિક્વેસ્ટ છે કે તમારા અનુભવ, તમારી ટીપ્સ જરૂર શેર કરો. તમે MyGov પર શેર કરી શકો છો. નરેન્દ્ર મોદી એપ પર શેર કરી શકો. આ વખતની પરીક્ષા પર ચર્ચામાં યુવાઓની સાથે સાથે પેરન્ટ્સ અને ટીચર્સ પણ આમંત્રિત છે. કેવી રીતે પાર્ટિસિપેટ કરવાનું છે, કેવી રીતે પ્રાઈઝ જીતવાનું છે, કેવી રીતે મારી સાથે ડિસ્કશનનો અવસર મેળવવાનો છે, આ બધી જાણકારી આપને MyGov પર મળશે. અત્યારસુધી એક લાખ થી વધારે વિદ્યાર્થી, લગભગ 40 હજાર પેરન્ટ્સ અને લગભગ 10 હજાર ટીચર ભાગ લઈ ચૂક્યા છે. આપ પણ આજે જ પાર્ટિસિપેટ કરો. આ કોરોનાના સમયમાં મેં કેટલોક સમય કાઢીને એક્ઝામ વોરિયર બુક માં પણ કેટલાક મંત્ર જોડ્યા છે. હવે તેમાં પેરન્ટ્સ માટે પણ કેટલાક મંત્ર જોડવામાં આવ્યા છે. આ મંત્રો સાથે જોડાયેલી ઘણીબધી interesting activities નરેન્દ્ર મોદી એપ પર આપવામાં આવી છે જે આપની અંદરના એક્ઝામ વોરિયરને ignite કરવામાં મદદ કરશે. આપ તેને જરૂર ટ્રાય કરીને જુઓ. બધા યુવા સાથીઓને આવનારી પરીક્ષાઓ માટે ઘણી-ઘણી શુભેચ્છાઓ.

મારા પ્રિય દેશવાસીઓ, માર્ચનો મહિનો આપણા ફાઈનાન્શિયલ યર નો છેલ્લો મહિનો પણ હોય છે, તેથી તમારામાંથી ઘણાં લોકોની ઘણી વ્યસ્તતા રહેશે. હવે જેવી રીતે દેશમાં આર્થિક ગતિવિધીઓ વધી રહી છે તેનાથી આપણા વેપારીઓ અને ઉદ્યમી સાથીઓની વ્યસ્તતા પણ ઘણી વધી રહી છે. આ બધા કાર્યો વચ્ચે આપણે કોરોના થી સાવધાની ઘટાડવાની નથી. આપ બધા સ્વસ્થ રહો, ખુશ રહેશો, કર્તવ્ય પથ પર અડગ રહેશો, તો દેશ ઝડપથી આગળ વધતો રહેશે.

આપ બધાને તહેવારોની અગાઉથી શુભેચ્છાઓ, સાથે-સાથે કોરોના ના સંબંધમાં જે પણ નિયમોનું પાલન કરવાનું છે તેમાં કોઈ ઢિલાશ નહીં આવવી જોઈએ. ખૂબ...ખૂબ ધન્યવાદ....

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.