નમસ્તે,
જો હું તમને મળ્યા વગર ગયો હોત તો મારો પ્રવાસ અધૂરો રહી જાત. અલગ અલગ સ્થળોએથી તમે સમય કાઢીને આવ્યા છો અને તે પણ વર્કીંગ ડે હોવા છતાં, પણ તમે આવ્યા છો. તે ભારત માટે તમારો જે પ્રેમ છે, જે જોડાણ છે તેનું આ પરિણામ છે કે આપણે આજે અહીં એક છત નીચે એકત્ર થયા છીએ. હું પહેલાં તો તમને એક વિશેષ પ્રકારે અભિનંદન આપવા માગુ છું, કારણ કે હું ભારતની બહાર જ્યા જ્યાં પણ જાઉં છું, ત્યાં ભારતીય સમુદાયના દર્શન કરવાનું અવશ્ય પસંદ કરૂ છું. પરંતુ આપે આજે જે શિસ્ત દાખવી છે તેના માટે મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. ખુદ આપણામાં એક ઘણી મોટી તાકાત હોય છે. પરંતુ આટલી સંખ્યામાં હું આપ સૌને એક સાથે મળી શકુ તે મારા પોતાના માટે પણ એક મોટી ખુશીનો પ્રસંગ છે અને તેના માટે તમે સૌ પણ વધામણીને પાત્ર છો, અભિનંદનને પાત્ર છો.
આ દેશમાં મારે પહેલી વખત આવવાનું થયું છે, પરંતુ ભારત માટે દુનિયાનો આ હિસ્સો ખૂબ જ મહત્વનો છે, અને જ્યારથી તમે બધાએ પ્રધાનમંત્રી તરીકે મને કામ કરવાની જે જવાબદારી સોંપી છે, તેના પ્રારંભથી જ અમે એક્ટ ઇસ્ટ પોલિસી ઉપર ભાર મુક્યો છે, કારણ કે એક રીતે અમે આ દેશો સાથે ખૂબ જ નિકટતાનો અનુભવ કરી રહ્યા છીએ. સહજ સ્વરૂપે પોતાપણાનો અનુભવ કરી રહ્યા છીએ. કોઈને કોઈ કારણોથી કોઈને કોઈ પ્રમાણમાં, કોઈને કોઈ વારસાને કારણે આપણી વચ્ચે એક લાગણીનું બંધન છે. કદાચ આ તરફનો ભાગ્યે જ કોઈ દેશ એવો હશે કે જે રામાયણથી અપરિચિત હોય, રામથી અપરિચિત હોય. કદાચ એવા ઘણાં ઓછા દેશો હશે કે જેમને બુધ્ધ માટે શ્રધ્ધા ન હોય. આ બાબત ખુદ પોતે એક મોટા વારસો છે અને તેને સજાવવાનુ, સંભાળવાનું કામ અહીં જે ભારતીય સમુદાય વસે છે તે સુંદર રીતે કરી રહ્યો છે. આ એક એવું કામ છે કે જે એક એમ્બસી કરે તેનાથી અનેક ગણું કામ એક સામાન્ય ભારતીય કરી શકે છે, અને મેં પણ એવો અનુભવ કર્યો છે કે સમગ્ર દુનિયામાં ભારતીયો આજે ઊંચુ માથુ કરીને, નજર સાથે નજર મિલાવીને અને ભારતીય હોવાની વાત ગૌરવ સાથે કરતા રહે છે. આ બાબત દરેક દેશ માટે એક ખૂબ મોટી મૂડી સમાન હોય છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારતીય સમુદાય અને ભારતના લોકો સદીઓથી પરદેશ જવાની વૃત્તિ-પ્રવૃત્તિ દાખવી રહ્યા છે. સદીઓ પહેલાં આપણા પૂર્વજ નીકળ્યા હતા અને ભારતની પણ એ એક વિશેષતા રહી છે કે આપણે જ્યાં પણ ગયા, જેને પણ મળ્યા તેમને આપણા પોતાના બનાવી દીધા છે. એ નાની બાબત નથી કે પોતાપણુ બતાવીને, રાખીને કોઈને પોતાનો બનાવી લેવાનું ત્યારે જ શકય બને છે, જ્યારે પોતાની અંદર એક આત્મવિશ્વાસ પ્રવર્તતો હોય છે. અને તમે લોકો જ્યાં જ્યાં પણ ગયા હશો, કેટલાક લોકો વર્ષોથી બહાર હશે, ગમે તેટલી પેઢીઓથી બહાર રહ્યા હશો, બની શકે છે કે ભાષા સાથેનો સંબંધ તૂટી પણ ગયો હોય, પરંતુ ભારતમાં જો કશુંક ખરાબ બની રહ્યુ હશે તો તમને ઊંઘ પણ નહીં આવે. અને જો કશુંક સારૂ બન્યુ હશે તો તમારી ખુશીનો કોઈ પાર રહ્યો નહી હોય. અને આથી જ વર્તમાન સરકારનો હંમેશ માટે એક એવો પ્રયાસ રહ્યો છે કે દેશને વિકાસની એવી ઊંચાઈ ઉપર લઈ જવામાં આવે, જેનાથી આપણે વિશ્વની બરાબરી કરી શકીએ. અને જો એક વખત બરાબરી કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી હશે, તો હું નથી માનતો કે ભારતને કોઈ આગળ વધતાં રોકી શકશે. તકલીફો જે પણ હોય તે એક બરાબરીના તબક્કા સુધી પહોંચવા માટે હોય છે, અને એક વાર જો એ મુસીબતોને પાર કરી લીધી તો પછી, સમાંતર એક સ્તર મળી જતુ હોય છે અને ભારતીયોના દિલ, દિમાગ અને બાહુમાં એવુ બળ છે કે પછી તેમને આગળ વધતાં કોઈ રોકી શકતું નથી. અને એટલા માટે જ છેલ્લા ત્રણ- સાડા ત્રણ વર્ષથી સરકાર એ પ્રયાસ કરી રહી છે કે, ભારતના લોકોમાં જે ક્ષમતા છે, સવા સો કરોડ દેશવાસીઓની જે તાકાત છે અને ભારતની પાસે જે કુદરતી સંસાધનો છે, ભારતની પાસે જે સાસ્કૃતિક વારસો છે, ભારતના લોકો જેમણે, કોઈ પણ યુગમાં, સો વર્ષ પહેલાં, પાંચસો વર્ષ પહેલાં, હજાર વર્ષ પહેલાં, પાંચ હજાર વર્ષ પહેલાં, ઈતિહાસમાં એવી કોઈ પણ ઘટના નજરે પડતી નથી કે, જેમાં આપણે કોઈનુ કશું ખરાબ કર્યું હોય.
જે કોઈ પણ દેશમાં, એટલે કે હું જ્યારે પણ દુનિયાના કોઈ દેશમાં જાઉ છુ, ત્યાંના લોકોને મળુ છું. અને જ્યારે હું તેમને જણાવુ છું કે પહેલુ વિશ્વ યુધ્ધ હોય કે બીજુ વિશ્વ યુધ્ધ, અમારે ન તો કોઈની જમીન લેવી હતી કે ન તો ક્યાંય પણ આપણો ઝંડો ફરકાવવો. અમારે દુનિયાના કોઈ પ્રદેશ ઉપર કબજો પણ કરવો ન હતો. પરંતુ શાંતિની શોધમાં મારા દેશના દોઢ લાખથી વધુ લોકોએ શહાદત વહોરી લીધી હતી. પ્રથમ વિશ્વ યુધ્ધ અને બીજા વિશ્વ યુધ્ધમાં લેવા દેવાનું કશું નહી પણ શાંતિ માટે દોઢ લાખ લોકો શહાદત વહોરી લીધી હતી. કોઈ પણ ભારતીય છાતી કાઢીને કહી શકે તેમ છે કે અમે દુનિયાને આપનારા લોકો છીએ, લેનારા લોકો નથી, અને છીનવી લેનારા તો જરા પણ નથી.
આજે દેશ Peace Keeping Force United Nations થી જોડાયેલો છે. આજે કોઈ પણ ભારતીય ગર્વથી કહી શકે છે કે, દુનિયામાં કોઈ પણ જગાએ, જ્યાં પણ અશાંતિ પેદા થાય તો UN દ્વારા Peace Keeping Force ત્યાં જઈને શાંતિ જાળવી રાખવા માટેની પોતાની ભૂમિકા અદા કરે છે. સમગ્ર વિશ્વમાં Peace Keeping Force ને સૌથી વધુ યોગદાન આપનાર જો કોઈ હોય તો તે ભારતના સૈનિકો છે. આજે પણ દુનિયાના એવા અનેક અશાંત પ્રદેશોમાં જવાનો ખડે પગે ઉભા રહેલા હોય તો તે ભારતના સૈનિકો છે. બુધ્ધ અને ગાંધીની ધરતીના લોકો માટે શાંતિ એ માત્ર કોઈ શબ્દ નથી. આપણે એવા લોકો છીએ કે જેમણે શાંતિથી જીવીને બતાવ્યું છે. શાંતિને આપણે પચાવી છે. શાંતિ આપણા દરેકની રગ રગમાં છે, અને એટલા માટે જ તો આપણા પૂર્વજોએ વસુધૈવ કુટુમ્બકમ્ – વિશ્વ એક પરિવાર – છે એવો મંત્ર આપણને આપ્યો હતો. એ મંત્ર આપણે લોકોએ જીવીને બતાવ્યો છે. પરંતુ આ બધી વાતોનું સામર્થ્ય દુનિયા ત્યારે જ માને છે જ્યારે ભારત મજબૂત હોય, ભારત સામર્થ્ય ધરાવતો દેશ હોય. ભારત દુનિયાના દરેક ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ હાંસલ કરનારો ગતિશીલ દેશ હોય અને એવું બને ત્યારે વિશ્વ દેશનો સ્વીકાર કરતું હોય છે. તત્વ જ્ઞાન ગમે તેટલુ ઉંચુ હોય, ઈતિહાસ ગમે તેટલો ભવ્ય હોય, વારસો ગમે તેટલો મહાન હોય તો પણ વર્તમાન એટલો જ ઉજળો અને પરાક્રમી હોવો જોઈએ. આવુ બને તો જ દુનિયા આપણને જાણે અને આપણા માટે આપણા ભવ્ય ભૂતકાળમાંથી પ્રેરણા લઈને તેમાંથી પાઠ ભણવાનો હોય તે પણ એટલુ જ મહત્વનું હોય છે, અને એટલે જ 21મી સદીને જો એશિયાની સદી માનવામાં આવતી હોય તો એ આપણા લોકોનું કર્તવ્ય બની રહે છે કે 21મી સદી ભારતની સદી બને. અને મને આ બાબત મુશ્કેલ જણાતી નથી. ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષના અનુભવને આધારે હું કહી શકુ તેમ છું કે આ પણ શક્ય બની શકે તેમ છે. ભૂતકાળના દિવસોમાં તમે જોયું હશે કે ભારતની સરકારને જ્યાં સુધી સંબંધ છે, હકારાત્મક સમાચારો આવતા રહે છે. હવે એવો ડર નથી રહેતો કે નકારાત્મક સમાચારો આવશે અને ઓફિસમાં જઈશું તો લોકો આપણને શું પૂછશે? હવે ઘેરથી નિકળતાં જ વિશ્વાસ હોય છે કે ભારતમાંથી સારા સમાચાર જ આવશે. સવા સો કરોડ લોકોનો દેશ છે. એનો જે કોઈ મુખ્ય પ્રવાહ હોય, સરકારનો જે મુખ્ય પ્રવાહ હોય, તે બધા પ્રવાહો સકારાત્મકતાની આસપાસ ચાલી રહ્યા છે. પોઝીટીવિટી ની આસપાસ ચાલી રહ્યા છે. દરેક વખતે નિર્ણય દેશના હિતમાં જ લેવામાં આવતો હોય છે. વિકાસને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સવા સો કરોડની વસતી ધરાવતા દેશમાં જો 70 વર્ષ પછી પણ 30 કરોડ લોકો બેંકીંગ વ્યવસ્થાની બહાર હોય તો એ દેશનું અર્થતંત્ર કેવી રીતે ચાલશે?
અમે પડકાર ઉપાડી લીધો અને જનધન યોજના શરૂ કરવામાં આવી અને ઝીરો બેલેન્સમાં પણ બેંકમાં ખાતાં ખોલવાની શરૂઆત કરવામાં આવી. બેંકના લોકોને પરેશાની થઈ રહી હતી. અને મનીલામાં તો બેંકની કેવી દુનિયા છે તેની બધા લોકોને ખબર છે. બેંકના લોકો મારી સાથે ઝઘડા કરી રહ્યા હતા કે સાહેબ કમ સે કમ સ્ટેશનરીના પૈસા તો લેવા દો. મેં કહ્યું આ દેશના ગરીબોનો એ હક્ક છે. તેમને બેંકમાં માનભેર પ્રવેશ મળવો જોઈએ. તે બિચારો વિચારતો હતો કે આ બેંક એરકન્ડીશન્ડ છે, બહાર બે મોટા બંદૂકવાલા લોકો ઉભા હોય છે. એ લોકો વિચારતા હતા કે ગરીબ માણસ અંદર જઈ શકશે કે નહીં જઈ શકે? અને એવા લોકો શાહુકાર પાસે ચાલ્યા જતા હતા. શાહુકારો શું કરતા હતા તે આપણે જાણીએ છીએ. દેશના 30 કરોડ લોકો માટે ઝીરો બેલેન્સથી બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા. પરંતુ આજે ગર્વની સાથે કહી શકુ તેમ છું કે એ જનધન ખાતુ ખોલ્યા પછી લોકોમાં બચતની ટેવ પડી ગઈ છે. પહેલાં આ બિચારા લોકો ઘઉંની વચ્ચે પૈસા છુપાવીને રાખતા હતા. ગાદલાની નીચે રાખતા હતા, અને તેમાં પણ પતિની આદતો ખરાબ હોય તો એ પૈસા બીજે ક્યાંક ખર્ચ કરી દેવામાં આવતા હતા. માતાઓ આ બધાથી ડરતી રહેતી હતી. તમને એ જાણીને ખુશી થશે કે આટલા ઓછા સમયમાં આ બધા જનધન ખાતાંમાં ગરીબોના રૂ. 67,000 કરોડની બચત થઈ છે. દેશની અર્થવ્યવસ્થાના મુખ્ય પ્રવાહમાં ગરીબ હવે ભાગીદાર બન્યો છે. હવે આ નાનુ પરિવર્તન રહ્યું નથી. જે વ્યક્તિ શક્તિ અને સામ્યર્થને કારણે વ્યવસ્થાની બહાર હતી તે તેના કેન્દ્ર બિંદુમાં આવી ગઈ છે. આવી અનેક પ્રકારની પહેલ કરવામાં આવી છે, જેની એગાઉ ચર્ચા સુધ્ધાં થઈ ન હતી. કેટલાક લોકોને તો એવી સમસ્યા છે કે ભાઈ શું આવુ પણ થઈ શકે છે? અમે લોકોએ એવુ નક્કી કરીને રાખ્યું છે કે આપણો દેશ છે, પહેલાં જેવો ચાલતો હતો તેવી જ રીતે ચાલશે? ભાઈ શા માટે ચાલશે? જો સિંગાપુર સ્વચ્છ રહી શકતુ હોય, જો ફિલિપાઈન્સ સ્વચ્છ રહી શકતુ હોય, જો મનીલા સ્વચ્છ રહી શકતું હોય તો પછી ભારત શા માટે સ્વચ્છ ના રહી શકે? દેશનો એવો કયો નાગરિક હશે કે જે ગંદકીમાં રહેવાનું પસંદ કરતો હોય? કોઈની આવી ઈચ્છા હોતી નથી. પરંતુ કોઈએ તો પહેલ કરવી પડે છે. કોઈકે તો જાબદારી લેવી પડે છે. સફળતા કે નિષ્ફળતાની ચિંતા કર્યા વગર કામ હાથમાં લેવુ પડે છે. મહાત્મા ગાંધીજીએ આ કામને જ્યાંથી છોડ્યું હતુ ત્યાંથી અમે તેને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો છે, અને હું આજે કહું છું કે દેશમાં લગભગ સવા બે લાખથી વધુ ગામ ખુલ્લામાં શૌચમુક્ત થઈ ગયા છે. તો એક તરફ સમાજના સામાન્ય માનવીના જીવન ઘોરણમાં કઈ રીતે પરિવર્તન આવ્યું.
હવે આપણા દેશમાં છેલ્લા 20, 25, 30 વર્ષમાં તમારામાંથી ઘણાં લોકો ભારતમાં આવ્યા હશે, અથવા તો હજુ પણ ભારતના સંપર્કમાં હશે, તો તમને ખ્યાલ આવ્યો હશે કે અમારે ત્યાં ગેસનું સિલિન્ડર લેવાનું, ઘરમાં ગેસનુ જોડાણ હોવાની બાબતને ઘણું મોટુ કામ માનવામાં આવી રહ્યું હતું, અને ઘરમાં જો કદાચ ગેસનું જોડાણ આવી જાય તો, સિલિન્ડર આવી જાય તો આડોશ-પાડોશમાં એવુ વાતાવરણ ઉભુ થઈ જતુ હતુ કે જાણે મર્સિડીઝ ગાડી આવી ગઈ હોય. આ રીતે આ પ્રકારની ઘટનાને ખૂબ મોટી સિદ્ધિ માનવામાં આવતી હતી અને કહેવામાં આવતુ હતું કે અમારા ઘરમાં હવે ગેસનું જોડાણ આવી ગયું છે, અને ગેસના જોડાણને એટલી મોટી બાબત માનવામાં આવતી હતી કે સંસદ સભ્યને 25 કૂપન આપવામાં આવતી હતી. આવુ એટલા માટે કે તમારા સંસદીય વિસ્તારમાં તમે વર્ષમાં 25 પરિવારો ઉપર કૃપા કરી શકતા હતા. પછીથી એ લોકો શું કરતા હતા તે હું કહેવા માંગતો નથી. અખબારોમાં આવતુ હતુ. તમને યાદ હશે કે ગેસ સિલિન્ડરનું જોડાણ બાબતે આપને આ બાબતો યાદ હશે. 2014માં જ્યારે સંસદની ચૂંટણી થઈ ત્યારે એ સમયે એક તરફ ભારતીય જનતા પાર્ટી હતો અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટી હતી. ભારતીય જનતા પાર્ટીએ મને એ ચૂંટણીનુ નેતૃત્વ સંભાળવાની જવાબદારી સોંપી હતી. એ સમય કોંગ્રેસ પક્ષની એક બેઠક મળી હતી અને દેશ પ્રતિક્ષા કરી રહ્યો હતો કે કોઈ નિર્ણય લેવાશે. કોઈકના નેતૃત્વમાં ચૂંટણી લડાશે. સાંજે મળેલી એક મિટીંગ પછી કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ થઈ. એ પ્રેસ કોન્ફરન્સમાં એવુ કહેવામાં આવ્યું કે જો અમે 2014માં ચૂંટણી જીતી જઈશું તો વર્ષ દરમ્યાન 9 સિલિન્ડર આપીએ છીએ તેના બદલે 12 સિલિન્ડર આપીશું. તમને યાદ હશે કે 9 સિલિન્ડર કે 12 સિલિન્ડર, એ મુદ્દા પર કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડી રહ્યો હતો. આ કોઈ દૂરની વાત નથી. 2014 સુધી વિચારનું આવુ જ સ્વરૂપ હતું અને દેશ પણ તાળી વગાડી રહ્યો હતો. સારૂ થયું, ઘણું સારૂ થયું, હવે 9 ના બદલે 12 સિલિન્ડર મળશે.
જે માતાઓ લાકડાથી ચૂલો સળગાવીને રસોઈ બનાવતી હતી તે 5 કરોડ પરિવારોમાં અમે ગેસના સિલિન્ડર અને જોડાણો આપવાના છીએ. હવે તમે મને જણાવો કે આ સાંભળીને તમને કેવું લાગતું હશે? એક તરફ 9 સિલિન્ડર આપવા કે 12 સિલિન્ડર આપવા તેની વિચારણા કરીને એક મર્યાદા નક્કી કરવામાં આવતી હતી, તો બીજી તરફ એક એવી વ્યક્તિ હતી કે જે કહેતી હતી કે 3 વર્ષમાં 5 કરોડ પરિવારોને સિલિન્ડર આપીશ અને મફતમાં આપીશ. વિજ્ઞાન તો કહે છે કે એક ગરીબ માતા જ્યારે લાકડાના ચૂલાથી રસોઈ બનાવતી હોય છે ત્યારે તેના શરીરમાં એક દિવસમાં 400 સિગારેટ જેટલો ધૂમાડો તે માતાના શરીરમાં જાય છે. તેમણે શું ગૂનો કર્યો છે, તેમના કેવા હાલ થતા હશે? શું તેમની જીંદગીમાં પરિવર્તન આવવું જોઈએ કે ન આવવું જોઈએ. લાકડાં લાવવામાં આવે અને જો તેમાંય લાકડાં લીલા હોય તો રસોઈ બનાવવામાં કેટલી તકલીફ પડતી હશે? આઝાદીના 70 વર્ષ પછી પણ તેમને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ? બીજી તરફ કેટલાંક લોકોનો એવો વિચાર કરે છે કે એટલે કે વિચારની મૂળભૂત બાબતમાં હું તમને કહેવા માંગુ છુ કે જે લોકોની વિચારસરણી જ દરિદ્ર હોય, ગરીબ હોય, વિચારવામાં જ ગરીબ હોય તો આવી વિચાર પ્રક્રિયા ક્યારેક ઘણું મોટુ સંકટ પેદા કરે છે.
મેં લાલ કિલ્લા ઉપરથી એક વખત ભારતની જનતાને વિનંતી કરી હતી. મેં કહ્યું હતુ કે ભાઈ જો તમને પોસાય તેમ હોય તો તમારે ગેસની સબસીડીની શું જરૂર છે? એક વર્ષના 800, 1000, 1200 રૂપિયાનું તમને કેટલું વ્યાજ મળી શકે તેમ છે? તમે તે છોડી દો. એટલું જ કહ્યું હતું અને તમે ગર્વની સાથે એ બાબતનો અનુભવ કરશો કે મારા દેશના સવા કરોડ પરિવાર, જે નાના પરિવાર નથી, તેમણે સ્વૈચ્છિક રીતે ગેસની સબસીડી છોડી દીધી હતી. અને મોદીએ તેને પોતાના ખજાનામાં નાંખી ન હતી.
મોદીએ નક્કી કર્યું હતું કે હું ગરીબને આપી દઈશ અને 3 કરોડ પરિવારોને ગેસનું જોડાણ મફત આપવાની દિશામાં અમને સફળતાપૂર્વક આગળ ધપી રહ્યા છીએ. 3 કરોડ પરિવારોને તો ગેસના જોડાણ પહોંચી ગયા છે. મેં 5 કરોડ પરિવારનું વચન આપ્યું છે. ભારતમાં કુલ 25 કરોડ પરિવારો છે. તેમાંથી 5 કરોડ પરિવાર માટે વાયદો કર્યો છે. 3 કરોડને વાયદા મુજબ જોડાણ અપાયા છે. હવે આમાં પણ થોડીક કમાલ છે. અહીં આપણાં ઘરનાં લોકો છે એટલે કેટલીક વાતો કહી શકું છું. ઘણીવાર સરકારની સબસીડી જતી હતી તો લાગતું હતું કે તેનાથી લોકોનું ભલુ થઈ રહ્યું હશે. તો અમે શું કર્યું, તેને આધારની સાથે જોડી દીધું. બાયો મેટ્રિક આઇડેન્ટિફિકેશનને કારણે ખબર પડી કે એવા એવા લોકો હતા કે જેમના નામે સબસીડી જતી હતી, પણ તેમનો જન્મ થયો જ નહોતો. એનો અર્થ એ થયો કે તે ક્યાં જતી હશે. મને જણાવો કે ક્યાં જતી હશે. કોઈકનાં ખિસ્સામાં તો જતી જ હશેને? હવે મેં એના પર બૂચ મારી દીધું એટલે તે બંધ થઈ ગઈ છે. માત્ર એવા પ્રકારની સબસીડી હોવી જોઈએ કે જે સાચા લોકોને મળે, જૂઠા, ભૂતિયા લોકો છે, જે પેદા પણ થયા નથી તેમને ન મળે. એટલું જ મેં કામ આ કર્યું છે. આટલું જ કામ કર્યું, મોટું કામ નથી કર્યું, પણ તેનું પરિણામ શું આવ્યું તે ખબર છે. 57 હજાર કરોડ રૂપિયા એક વખત માટે નહીં, દર વર્ષે 57 હજાર કરોડ જતા હતા. હવે મને જણાવો કે ભાઈ તે ક્યાં જતા હતા. અને જે લોકોના ખિસ્સામાં જતા હતા તેમને મોદી કેવો લાગતો હશે? તે લોકો શું કદી ફોટો પડાવવા આવવાના છે? કઈ રીતે આવશે. આવા લોકો શું મોદીને પસંદ કરશે? મને કહો કે આવું કામ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? દેશમાં પરિવર્તન આવવું જોઈએ કે ન આવવું જોઈએ? દેશને આગળ લઈ જવો જોઈએ કે ન લઈ જવો જોઈએ?
તેમ લોકો અહીં આવીને મને આશિર્વાદ આપી રહ્યા છે. હું તમને ભરોંસો આપું છું કે જે હેતુથી દેશે મને કામ સોંપ્યું છે તે ઉદ્દેશને પૂરો કરવામાં કોઈ કચાશ રાખીશ નહીં. 2014 પહેલાં કેવા સમાચારો આવતા હતા? કેટલા ગયા, કોલસામાં ગયા, ટુજીમાં ગયા. આવા જ સમાચારો આવતા હતાને? 2014 પછી મોદીને શું પૂછવામાં આવે છે? મોદીજી જણાવો કેટલા આવ્યા? એક એવો સમય હતો કે દેશ પરેશાન હતો કે કેટલા ગયા. આજે એવો સમય છે કે જ્યારે ખુશીના સમાચાર સાંભળવા માટે લોકો પૂછતા રહે છે કે મોદીજી જણાવો કે કેટલા આવ્યા?
આપણા દેશમાં કોઇ ઉણપ નથી મિત્રો દેશનો આગળ વધારવા માટે દરેક પ્રકારની સંભાવનાઓ છે, દરેક પ્રકારનું સામર્થ્ય છે, આ વાતને લઇને જ કોઇ મહત્વપૂર્ણ નીતિઓ સાથે અમે ચાલી રહ્યાં છીએ. દેશ વિકાસની નવી ઊંચાઇઓને આંબી રહ્યો છે અને જન ભાગીદારીથી આગળ વધી રહ્યો છે. સામાન્યથી સામાન્ય માણસને સાથે લઇને ચાલી રહ્યાં છીએ અને એનું પરિણામ એટલું સારૂ મળશે કે તમે લાંબો વખત અહિં રહેવાનું પસંદ નહિં કરો. મને ગમ્યું કે આટલી મોટી સંખ્યામાં પધારીને આપ સૌએ આશીર્વાદ આપ્યા.
ખૂબ ખૂબ ધન્યવાદ.