દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ શ્રી દીપક મિશ્રા, મંત્રીમંડળના મારા સહયોગી કાયદા અને ન્યાય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, ન્યાય પંચના અધ્યક્ષ ડૉ. જસ્ટીસ બી. એસ. ચૌહાણ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર, કાયદો અને ન્યાય રાજ્યમંત્રી શ્રી પી. પી. ચૌધરી, આ સભાકક્ષમાં ઉપસ્થિત અન્ય મહાનુભવો, ભાઈઓ અને બહેનો,
ભારતીય લોકતંત્રમાં આજનો દિવસ જેટલો પાવન છે, તેટલો જ મહત્વપૂર્ણ પણ છે. આપણી લોકશાહી વ્યવસ્થાઓનો આત્મા જો કોઈને કહેવામાં આવે તો તે આપણું બંધારણ છે. આ આત્માને, આ લિખિત ગ્રંથને 68 વર્ષ અગાઉ સ્વીકારવામાં આવે તે ખુબ જ ઐતિહાસિક ક્ષણ હતી. આ દિવસે એક રાષ્ટ્ર તરીકે આપણે નક્કી કર્યું હતું કે હવે આગળની આપણી દિશા કયા નિર્દેશો ઉપર નિર્ધારિત થશે, કયા નિયમો હેઠળ હશે. તે નિયમો, તે બંધારણ જેનો એક એક શબ્દ આપણી માટે પવિત્ર છે, પૂજનીય છે.
આજનો દિવસ દેશના બંધારણના ઘડવૈયાઓને નમન કરવાનો પણ દિવસ છે. સ્વતંત્રતા પછી જ્યારે કરોડો લોકો નવી આશા સાથે આગળ વધવાનું સપનું જોઈ રહ્યા હોય, જ્યારે વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં જુસ્સો બુલંદ હોય, તો તેવા સમયે દેશની સામે એક એવું બંધારણ પ્રસ્તુત કરવું કે જે બધાને માન્ય હોય, જરા પણ સરળ કાર્ય નહોતું. જે દેશમાં એક ડઝનથી વધારે પંથ હોય, સોથી વધારે ભાષા હોય, સત્તરસોથી વધુ બોલીઓ હોય, શહેર, ગામ, નગરો અને જંગલો સુધીમાં પણ લોકો રહેતા હોય, તેમની પોતાની આસ્થાઓ હોય, તે સૌને એક મંચ પર લાવવા, સૌની શ્રદ્ધાનું સન્માન કર્યા બાદ આ ઐતિહાસિક દસ્તાવેજ તૈયાર કરવું સહેલું નહોતું.
આ સભાગૃહમાં બેઠેલ પ્રત્યેક વ્યક્તિ એ વાતનો સાક્ષી છે કે સમયની સાથે આપણા બંધારણે દરેક પરીક્ષાને પાર કરી છે. આપણા બંધારણે એ લોકોની એ તમામ આશંકાઓને ખોટી સાબિત કરી છે કે જેઓ કહેતા હતા કે સમયની સાથે જે પડકારો દેશની સામે આવશે તેનું સમાધાન આપણું બંધારણ નહી આપી શકે.
એવો કોઈ પણ વિષય નથી, જેની વ્યાખ્યા, જેની ઉપર દિશા નિર્દેશ આપણને ભારતીય બંધારણમાં ના મળતો હોય. બંધારણની આ શક્તિને સમજીને બંધારણ સભાના અંતરિમ અધ્યક્ષ શ્રી સચ્ચિદાનંદ સિન્હાજીએ કહ્યું હતું કે-
“માનવી દ્વારા રચાયેલ જો કોઈ રચનાને અમર કહી શકાય તેમ હોય તો તે ભારતનું બંધારણ છે.”
આપણું બંધારણ જેટલું જીવંત છે, તેટલું જ સંવેદનશીલ પણ છે. આપણું બંધારણ જેટલું જવાબદાર છે, તેટલું જ સક્ષમ પણ છે. સ્વયં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે બંધારણ વિશે કહ્યું હતું કે- “આ અમલ કરી શકાય તેવું છે, આ લવચીક છે અને શાંતિ હોય કે યુદ્ધનો સમય, તેનામાં દેશને એકતામાં બાંધી રાખવાની તાકાત છે.” બાબાસાહેબે એમ પણ કહ્યું હતું કે – “બંધારણને સામે રાખીને જો કઈ ખોટું થાય પણ છે, તો તેમાં વાંક બંધારણનો નથી પરંતુ બંધારણનું પાલન કરાવનાર સંસ્થાનો હશે.”
ભાઈઓ અને બહેનો, આ 68 વર્ષોમાં બંધારણે એક પાલકની જેમ આપણને સાચા રસ્તે ચાલતા શીખવાડ્યું છે. એક વાલીની જેમ આપણા બંધારણે દેશને લોકશાહીના રસ્તા ઉપર યથાવત રાખ્યો છે, તેને ભટકવાથી બચાવ્યો છે. આ જ વાલીના પરિવારના સભ્યો તરીકે આપણે સૌ આ સભાગૃહમાં ઉપસ્થિત છીએ. સરકાર, ન્યાયતંત્ર, અમલદારશાહી આપણે સૌ આ પરિવારના સભ્યો જ તો છીએ.
સાથીઓ, આજે બંધારણ દિવસ આપણી માટે એક મહત્વપૂર્ણ પ્રશ્ન લઈને આવ્યો છે. શું એક પરિવારના સભ્યોના રૂપમાં આપણે તે મર્યાદાઓનું પાલન કરી રહ્યા છીએ, જેની અપેક્ષા આપણું પાલક, આપણું બંધારણ આપણી પાસેથી રાખે છે? શું એક જ પરિવારના સભ્યોના રૂપમાં આપણે એકબીજાને મજબુત કરવા માટે એક બીજાને સહયોગ આપવા માટે કામ કરી રહ્યા છીએ?
ભાઈઓ અને બહેનો, આ સવાલ માત્ર ન્યાયતંત્ર કે સરકારમાં બેઠેલા લોકોની સામે જ નથી, પરંતુ દેશના તે પ્રત્યેક સ્તંભ, તે દરેક પિલર, તે દરેક સંસ્થાની સામે છે જેની ઉપર આજે કરોડો લોકોની આશા નિર્ભર છે. આવી સંસ્થાઓનો એક એક નિર્ણય, એક એક પગલું લોકોના જીવનને પ્રભાવિત કરે છે. પ્રશ્ન એ છે કે શું આ સંસ્થાઓ દેશના વિકાસ માટે દેશની જરૂરિયાતોને સમજીને દેશની સામેના પડકારોને સમજીને, દેશના લોકોની આશાઓ આકાંક્ષાઓને સમજીને એક બીજાનો સહયોગ કરી રહી છે? એક બીજાને સહકાર, એક બીજાને મજબુત કરી રહી છે?
મને વધુ સારી રીતે તો યાદ નથી પરંતુ એક નાનકડી વાર્તા સંભળાવવા માંગું છું.
ઘણી ચર્ચા થતી હતી સ્વર્ગ અને નર્કમાં તફાવત શું છે અને કેટલાક જે મોટા વિદ્વાન લોકો હતા તેઓ પોતાની રીતે સમજાવતા હતા. તેઓ કહેતા હતા કે આવા જિજ્ઞાસુ લોકોને એકવાર કેટલાક લોકોએ સ્વર્ગ અને નર્ક બતાવવાનો કાર્યક્રમ બનાવી દીધો. તેમને સ્વર્ગ પણ બતાવ્યું અને નર્ક પણ બતાવ્યું. સ્વર્ગમાં પણ અન્નના ભંડાર હતા, સુખ વૈભવ હતા. નર્કમાં પણ અન્નના ભંડાર હતા, સુખ વૈભવ હતા. સ્વર્ગમાં જે લોકો હતા તેમની હાલત ખુશનુમા હતી, નર્કમાં જે લોકો હતા તેમની હાલત ઘણી ખરાબ હતી. અને ત્યાની સ્થિતિ એવી હતી કે જે લોકો ત્યાં હતા, તેમના હાથોમાં એક મોટી મોટી ચમચીઓ બાંધેલી હતી. ખભાથી લઈને હાથ સુધી અને આગળ ફરીથી ચમચી હતી અને આના લીધે હાથ વળી નહોતા શકતા. સ્વર્ગમાં જે લોકો હતા તેમના હાથ પણ આવી જ રીતે બંધાયેલા હતા, નર્કમાં જે લોકો હતા તેમના હાથ પણ આવી જ રીતે બંધાયેલા હતા. પરંતુ જે લોકો નર્કમાં હતા તેઓ લઈને આવી રીતે ખાવાની કોશિશ કરતા હતા તો ત્યાં પાછળ જઈને બધું પડતું હતું અને એટલા માટે તેઓ ભૂખ્યા મરતા હતા. બધું જ હતું પણ બસ આમાં જ લાગેલા રહેતા હતા. અને સ્વર્ગની હાલત કંઇક જુદી હતી. તેમને પણ આવા જ વાંસના પટ્ટાઓ બાંધેલા હતા, તેમના પણ હાથ વળી નહોતા શકતા. પરંતુ તેમણે રસ્તો શોધી કાઢ્યો હતો કે તેઓ લેતા હતા અને સામે વાળાને ખવડાવતા હતા. પેલો લેતો હતો અને આને ખવડાવતો હતો. બધા જ અનાજના ભંડાર ભરેલા હતા. જેમણે બીજાને મજબુત કરવાનો રસ્તો અપનાવ્યો હતો ત્યાં સ્વર્ગ હતું, જેમણે પોતાને મજબુત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાં નર્ક ફેલાયેલું હતું.
ભાઈઓ અને બહેનો, 75 વર્ષ પહેલા જ્યારે 1942માં ગાંધીજીએ ભારત છોડો આંદોલનનું આહ્વાન કર્યું હતું, તો દેશ એક નવી ઉર્જાથી ભરાઈ ગયો હતો. દરેક ગામ, દરેક ગલી, દરેક શહેર, દરેક કસ્બામાં આ ઉર્જા સાચી રીતે પ્રસારિત થતી રહી, અને તેનું જ પરિણામ હતું કે આપણને પાંચ વર્ષ બાદ આઝાદી મળી, આપણે સ્વતંત્ર બન્યા.
હવે આજથી પાંચ વર્ષ બાદ આપણે સૌ સ્વતંત્રતાના 75 વર્ષનું પર્વ ઉજવીશું. આ પાંચ વર્ષોમાં આપણે એકસાથે મળીને તે ભારતનું સપનું પૂરું કરવાનું છે, જે ભારતનું સપનું આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયું હતું. તેની માટે બંધારણ પાસેથી ઉર્જા લેનારી પ્રત્યેક સંસ્થાએ પોતાની ઉર્જા ગતિમાન કરવી પડશે, તેને માત્ર અને માત્ર ન્યુ ઇન્ડિયાનું સપનું પૂરું કરવામાં લગાવવી પડશે.
સાથીઓ, આ વાત આજે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે જનભાવનાઓની આવી પ્રબળતા આપણા દેશમાં દાયકાઓ પછી જોવા મળી રહી છે. ભારત આજે દુનિયાનો સૌથી નવયુવાન દેશ છે. આ નવયુવાન ઉર્જાને દિશા આપવા માટે દેશની પ્રત્યેક બંધારણીય સંસ્થાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
20મી સદીમાં આપણે એકવાર આ અવસર ચુકી ગયા છીએ. હવે 21મી સદીમાં ભારતને નવી ઉંચાઈઓ પર લઇ જવા માટે ન્યુ ઇન્ડિયા બનાવવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે. સંકલ્પ સાથે મળીને કામ કરવાનો, સંકલ્પ એક બીજાને મજબુત કરવાનો.
ભાઈઓ અને બહેનો, દેશની સામે વર્તમાન પડકારો સામે લડવા માટે સંગઠિત થવાનું મહત્વ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે બંધારણ સભાની એક ચર્ચા દરમિયાન વિસ્તૃત રૂપે સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે –
“અમે સૌને એ વિશ્વાસ અપાવીએ છીએ કે દેશમાંથી ગરીબી નાબુદ કરવા માટે, ગંદકી દુર કરવા માટે, ભૂખ અને બીમારી ખતમ કરવા માટે, ભેદભાવ સમાપ્ત કરવા માટે, શોષણ ખતમ કરવા માટે, અને જીવવાનો વધુ સારો માહોલ નિર્માણ કરવા માટે અમે સદા પ્રયત્નશીલ રહીશું. આપણે એક ખુબ મોટા મિશન પર નીકળી રહ્યા છીએ. મને આશા છે આ પ્રયાસમાં આપણને બધા જ લોકોનો સહયોગ મળશે, સહાનુભુતિ મળશે અને સમાજના દરેક વર્ગનું સમર્થન પ્રાપ્ત થશે.”
ભાઈઓ અને બહેનો, બંધારણ નિર્માણ સાથે જોડાયેલ મહાન વ્યક્તિઓના આ જ ચિંતનના કારણે આપણા બંધારણને એક “સામાજિક દસ્તાવેજ” માનવામાં આવે છે. આ માત્ર એક કાયદાનું પુસ્તક નથી, પરંતુ તેમાં એક સામાજિક દર્શન પણ છે. 14 ઓગસ્ટ 1947, એટલે કે સ્વતંત્રતાની કેટલીક ક્ષણો પૂર્વે જ કહેવામાં આવેલ રાજેન્દ્ર બાબુની આ વાત આજે પણ એટલી જ અગત્યની છે. આપણા સૌનું ધ્યેય તો આખરે દેશના સામાન્ય નાગરિકના જીવનને વધુ સારું બનાવવાનું છે, તેને ગરીબી, ગંદકી, ભૂખ બીમારીથી મુક્ત કરવાનું છે. તેને સમાન તક આપવાનું છે, તેને ન્યાય આપવાનું છે, તેને તેના અધિકાર આપવાનું છે. આ કાર્ય દરેક સંસ્થામાં એક સંતુલન બનાવીને એક સંકલ્પ નક્કી કરીને જ પૂરું કરી શકાય તેમ છે.
આ જ બેઠકમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને એક અન્ય મહત્વપૂર્ણ વિચાર રજુ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે – “જ્યાં સુધી આપણે ઊંચા પદો પર ઉપસ્થિત ભ્રષ્ટાચારને ખતમ નહી કરીએ, ભાઈ-ભત્રીજાવાદને મૂળથી નહી ઉખાડીએ, સત્તાની લાલચ, નફાખોરી અને કાળા બજારને નહિ દુર કરીએ ત્યાં સુધી આપણે ના તો વહીવટમાં ચોકસાઈ વધારી શકીશું અને ના તો જે વસ્તુઓ જીવન સાથે જોડાયેલી છે, તેને સરળતાથી લોકો સુધી પહોંચાડી શકીશું.”
સાથીઓ, આ વાતો સ્વતંત્રતાની કેટલીક ક્ષણો પહેલાની હતી. 14 ઓગસ્ટ 1947, એક જવાબદારીનો ભાવ હતો, દેશની આંતરિક નબળાઈઓની અનુભૂતિ હોવાની સાથે જ એવો પણ અહેસાસ હતો કે આ નબળાઈઓને દુર કઈ રીતે કરી શકાય તેમ છે. દુર્ભાગ્યથી સ્વતંત્રતાના આટલા વર્ષો વિતી ગયા પછી પણ આ આંતરિક નબળાઈઓ દુર નથી થઇ. એટલા માટે કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને વિધાયિકા, આ ત્રણેય સ્તર પર આને લઈને મંથન કરવાની જરૂર છે કે હવે બદલાયેલ પરિસ્થિતિમાં કઈ રીતે આગળ વધી શકાય. આપણે કોઈને સાચા, કોઈને ખોટા સાબિત નથી કરવાના. પોત પોતાની નબળાઈઓને આપણે જાણીએ છીએ, પોત પોતાની શક્તિઓને પણ ઓળખીએ છીએ.
ભાઈઓ અને બહેનો, આ સમય તો ભારત માટે સુવર્ણ કાળ જેવો છે. દેશમાં આત્મવિશ્વાસનો આવો માહોલ વર્ષો પછી બન્યો છે. નિશ્ચિતપણે આની પાછળ સવા સો કરોડ ભારતીયોની ઈચ્છાશક્તિ કામ કરી રહી છે. આવા જ સકારાત્મક માહોલને આધાર બનાવીને આપણે ન્યુ ઇન્ડિયાના રસ્તા પર આગળ વધવાનું છે. સામર્થ્ય અને સંસાધનની આપણી પાસે કોઈ ખોટ નથી. બસ આપણે સમયનું જરૂરથી ધ્યાન રાખવાનું છે.
આપણે એવું માનીને ચાલીશું કે આપણી પાસે ઘણો સમય છે, આપણે એવું માનીને ચાલીશું કે આવનારી પેઢીઓ જ બધું કરશે, બધા જોખમો ઉઠાવશે, તો ઈતિહાસ આપણને ક્યારેય માફ નહી કરે. જે કરવાનું છે આપણે અત્યારે જ કરવાનું છે, આ જ સમયમાં કરવાનું છે. આપણે એવું વિચારીને ના અટકી શકીએ કે આના પરિણામો આવતા આવતા તો આપણે નહી હોઈએ.
મારા સાથીઓ, આપણે ભલે ના રહીએ, પરંતુ આ દેશ તો રહેશે. આપણે ભલે ના રહીએ, પરંતુ જે વ્યવસ્થા આપણે દેશને આપીને જઈએ તે સુરક્ષિત સ્વાભિમાની અને સ્વાવલંબી ભારતની વ્યવસ્થા હોવી જોઈએ. એક એવી વ્યવસ્થા, કે જે લોકોની જિંદગીને સરળ બનાવનારી હોય, જિંદગીની સુગમતા વધારનારી હોય.
સાથીઓ, મારું હંમેશાથી માનવાનું રહ્યું છે કે સરકારની ભૂમિકા નિયંત્રક કરતા વધુ સગવડકર્તાની હોવી જોઈએ. આજે તમે પણ અનુભવ કરતા હશો કે હવે પાસપોર્ટ તમને કેટલો જલ્દી મળી જાય છે. વધુમાં વધુ બે દિવસ, નહી તો ત્રણ દિવસ. નહિતર આ જ પાસપોર્ટ તમને પહેલા એક મહિના બે મહિનામાં મળતો હતો. છેલ્લા બે ત્રણ વખતથી તમારે ઇન્કમટેક્સ રીફંડ માટે પણ મહિનાઓ સુધી રાહ નથી જોવી પડતી. તમે જોઈ રહ્યા હશો કે સીસ્ટમમાં હવે એક ગતિ આવી રહી છે, ઝડપ આવી રહી છે. અને આ ગતિ માત્ર તમે લોકો જ નહી, દેશના મધ્યમ વર્ગ, ગરીબ, બધાની જિંદગીને સરળ બનાવી રહી છે.
હવે વિચારો, ગ્રુપ સી અને ડીની નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા ખતમ થવાના કારણે યુવાનોનો કેટલો સમય બચ્યો છે, કેટલો પૈસો બચ્યો છે. દસ્તાવેજોને કે જે પહેલા ગેઝેટેડ અધિકારીઓ પાસેથી અટેસ્ટ કરાવવા પડતા હતા, તે પણ હવે તેમણે નથી કરાવવું પડતું. તેના લીધે પણ તેમને કારણ વગર અહિયાં ત્યાં ભાગવું દોડવું નથી પડતું. ચાર લોકોને ફોન નથી કરવા પડતા કે ભાઈ કોઈ ગેઝેટેડ અધિકારીને ઓળખો છો શું? કોઈ સાંસદ વિધાયકને ઓળખો છો?
સાથીઓ, તમે જાણીને નવાઈ પામશો કે આપણા દેશમાં 27 હજાર કરોડ રૂપિયા એવા હતા કે જેની ઉપર કોઈનો દાવો નહોતો. આ પૈસા શ્રમિકોએ, કર્મચારીઓએ પોતાના પીએફ ખાતામાં જમા કરાવ્યા હતા અને પછીથી જગ્યા બદલાવાના કારણે તેમણે તેમના પૈસાનો દાવો નહોતો કર્યો. એકવાર શહેર છૂટી ગયું, તો હવે કોણ પાછું આવવાનું હતું ક્યાં ભાગ દોડ કરે.
આ આપણા શ્રમિક અને મધ્યમ વર્ગની ખુબ મોટી સમસ્યા હતી, જેને આ સરકારે યુનિવર્સલ એકાઉન્ટ નંબર બનાવીને ઉકેલી દીધી. હવે કર્મચારી ગમે ત્યાં નોકરી કરે, તેની પાસે યુએએન નંબર હોય છે. આ યુએએન નંબરથી તે પોતાના પીએફના પૈસા ગમે ત્યાંથી ઉપાડી શકે છે.
સાથીઓ, બ્રુહ્દારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે –
तदेतत् – क्षत्रस्य क्षत्रं यद्धर्म:
तस्माद्धर्मात् परं नास्ति
अथो अबलीयान् बलीयांसमाशंसते धर्मेण
यथा राज्ञा एवम्
અર્થાત કાયદો એ સમ્રાટોનો પણ સમ્રાટ છે. કાયદાથી ઉપર કઈ જ નથી. કાયદામાં જ રાજાની શક્તિ રહેલી છે અને કાયદામાં જ ગરીબોને નબળા લોકોને શક્તિશાળી લોકો સાથે લડવા માટેની હિમ્મત રહેલી છે, તેમને સક્ષમ બનાવે છે. આ જ મંત્ર પર ચાલીને અમારી સરકારે પણ નવા કાયદા બનાવ્યા અને જુના કાયદા ખતમ કરીને જીવનની સુગમતાને વધારવાનું કામ કર્યું છે.
છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષોમાં લગભગ 1200 જુના કાયદાઓને ખતમ કરવામાં આવી ચુક્યા છે. જેમ સરદાર પટેલે દેશનું એકીકરણ કર્યું હતું તે જ રીતે દેશને એકતાના સૂત્રમાં પરોવવાનું કામ જીએસટીના માધ્યમથી કરવામાં આવ્યું છે. દાયકાઓ બાદ “એક રાષ્ટ્ર એક કર”નું સપનું સાકાર થયું છે.
એ જ રીતે પછી તે દિવ્યાંગો માટે કાયદામાં બદલાવ લાવવાનો નિર્ણય હોય, એસટી/એસસી કાયદાને વધુ કડક કરવાનો નિર્ણય હોય, કે પછી બિલ્ડરોની મનમાની રોકવા માટે રેરા, આ બધા જ એટલા માટે લેવામાં આવ્યા કે જેથી સામાન્ય નાગરિકને રોજબરોજની જિંદગીમાં થનારી મુશ્કેલીઓ ઓછી થાય.
સાથીઓ, અહિયાં આ ગૃહમાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓને ખબર છે કે સર્વોચ્ચ અદાલતના આદેશ છતાં કાળાનાણા વિરુદ્ધ જે સીટ ત્રણ વર્ષ સુધી ટાળવામાં આવી હતી, તેની રચના આ સરકારે શપથ લીધાના ત્રણ જ દિવસની અંદર અંદર કરી દીધી હતી. આ નિર્ણય પણ જેટલો કાળા નાણા અને ભ્રષ્ટાચારની વિરુદ્ધ હતો, તેટલો જ સામાન્ય નાગરિક સાથે જોડાયેલો હતો. દેશમાં થનાર તમામ ભ્રષ્ટાચાર, કાળા નાણાની દરેક લેવડ દેવડ ક્યાંક ને ક્યાંક કોઈક ગરીબનો અધિકાર છીનવી લે છે, તેના જીવનમાં મુસીબત ઉભી કરે છે.
ભાઈઓ અને બહેનો, અમે નાના મોટા ઘણા નિર્ણયો લીધા છે, પરંતુ જનતાની સમસ્યાઓને સમજીને લીધા છે. અમારા નિર્ણયો ચોક્કસ જ નહી, પરંતુ સંવેદનશીલ પણ રહ્યા છે. સાથીઓ, જીવનની સુગમતા પર ધ્યાન આપવાની સીધી અસર એ થઇ કે દેશના વેપારની સરળતાના ક્રમાંકમાં પણ અભૂતપૂર્વ સુધારો થઇ ગયો છે. 2014ની પહેલા જ્યાં આપણે વેપાર કરવાની સરળતાના ક્રમાંકમાં 142માં નંબર પર હતા, હવે 100માં નંબર પર પહોંચી ગયા છીએ.
મને ખુશી છે કે આપણા ન્યાય તંત્રમાં પણ આ દિશામાં ઘણા બધા મહત્વપૂર્ણ પગલાઓ ઉપાડવામાં આવી રહ્યા છે. મને જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે થયેલી લોક અદાલતોમાં જ 18 લાખ પ્રિ-લીટીગેશન અને 22 લાખ પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
ભાઈઓ અને બહેનો, આ આંકડો એ વાતની પણ સાબિતી છે કે આવા વિવાદ જે આંતરિક વાતચીત કે કોઈની મધ્યસ્થી વડે ઉકેલી શકાય તેમ હોય, તે પણ મોટી સંખ્યામાં આપણી અદાલતોમાં પહોંચી રહ્યા છે. મને જાણ નથી કે આવા કેસો કેટલા વર્ષોથી અટકેલા પડ્યા છે. પરંતુ નિશ્ચિતપણે આવા કેસો ઉકેલાવાના કારણે આપણી અદાલતોનો બોજ થોડો ઓછો થયો છે. તેનાથી લોક અદાલતો પ્રત્યે પણ આપણા દેશમાં શ્રદ્ધા વધી છે. મને લાગે છે કે કરોડો પડતર કેસોને ઉકેલવામાં આવી લોક અદાલતોની ઘણી મોટી ભૂમિકા હોઈ શકે તેમ છે.
મને કહેવામાં આવ્યું છે હમણાં સપ્ટેમ્બરમાં જ મુખ્ય ન્યાયાધીશે પડતર કેસોને લઈને તમામ વડી અદાલતોના ન્યાયાધીશોને પત્ર પણ લખ્યા છે. અરજીઓની સુનાવણીમાં થઇ રહેલા વિલંબને તેમણે આપણી ન્યાય વ્યવસ્થા અને ખાસ કરીને આપણી ગુનાહિત ન્યાય વ્યવસ્થાની નબળાઈ માની છે. મને એ સુચન પણ ઘણું સારું લાગ્યું કે કેટલાક મામલાઓની સુનાવણી માટે શનિવારે ખાસ ખંડપીઠો પણ બેસી શકે છે. પડતર કેસોને ઓછા કરવા માટે તમિલનાડુ અને ગુજરાત જેવા રાજ્યોમાં સંધ્યા અદાલતનો પણ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના પ્રયોગો બાકીના અન્ય રાજ્યોમાં પણ કરી શકાય તેમ છે.
સાથીઓ, ન્યાય વ્યવસ્થામાં ટેકનોલોજીનો વધી રહેલો ઉપયોગ પણ લોકોની જિંદગીને સરળ બનાવવા, જીવનની સુગમતાને સરળ બનાવવામાં મદદગાર સાબિત થશે. ઈ-કોર્ટનો જેટલો વિસ્તાર થશે, નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડનો જેટલો વિસ્તાર થશે, તેટલું જ લોકોને અદાલતોમાં થનારી મુશ્કેલીઓ ઓછી થશે. જ્યારે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી દેશની અદાલતો જેલ સાથે જોડાઈ જશે, તો અદાલત અને જેલ વહીવટ બંનેની સરળતા વધશે.
મને જાણકારી આપવામાં આવી છે કે છેલ્લા બે વર્ષોમાં લગભગ 500 અદાલતો વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી જેલો સાથે જોડવામાં આવી છે.
મને ટેલી લો સ્કીમ વિશ પણ જણાવવામાં આવ્યું છે કે જેની મદદથી દેશના દુર સુદૂર વિસ્તારોમાં રહેતા લોકોને, ગામમાં રહેનારા ગરીબોને કાયદાકીય સલાહ આપવામાં આવી રહી છે. આ યોજનાની સીમા જેટલી વધશે, તેટલો જ લોકોને ફાયદો થશે.
બીજો એક રચનાત્મક વિચાર મને ઘણો સારો લાગ્યો જસ્ટીસ કલોકનો. આ ઘડિયાળ અત્યારે ન્યાયતંત્ર વિભાગમાં લગાવવામાં આવી છે અને આનાથી ટોચની સારો દેખાવ કરતી જીલ્લા અદાલતો વિષે માહિતી મળે છે. તૈયારી છે કે ભવિષ્યમાં આવી જસ્ટીસ કલોક દેશભરની અદાલતોમાં લગાવવામાં આવે. જસ્ટીસ કલોક એક રીતે અદાલતોને રેન્કિંગ આપવાની વાત થઇ.
જે રીતે સ્વચ્છતાની રેન્કિંગ શરુ થયા બાદ શહેરોમાં એક સ્પર્ધા શરુ થઇ છે, કોલેજોમાં રેન્કિંગ શરુ થયા બાદ આ ક્ષેત્રમાં પણ સ્પર્ધાનો ભાવ આવ્યો છે, તે જ રીતે જો જસ્ટીસ કલોકનો વિસ્તાર કરીને, કોઈ સુધારાની જરૂરિયાત હોય તો તેમાં સુધારો કરીને અદાલતોમાં પણ વ્યાવસાયિક સ્પર્ધા થઇ શકે છે. એવો મારો અનુભવ છે કે સ્પર્ધાનો ભાવ આવતા જ વ્યવસ્થાઓમાં ગતિ આવે છે, ઓછા સમયમાં વધુ સુધારો જોવા મળે છે. હું કાયદાનો જાણકાર નથી, પરંતુ મને લાગે છે કે અદાલતોમાં સ્પર્ધા થવાથી તે પણ ન્યાય મેળવવામાં સુગમતા અને જીવનની સુગમતાને વધારશે.
ગઈકાલે આદરણીય રાષ્ટ્રપતિજીએ પણ આ જ બાબત પર ચિંતા વ્યક્ત કરી હતી કે ગરીબ ન્યાય માટે અદાલતમાં જતા ગભરાય છે. સાથીઓ, આપણા તમામ પ્રયત્નોનું પરિણામ એ હોવું જોઈએ કે ગરીબ અદાલતથી ડરે નહી, તેને સમય પર ન્યાય મળે અને અદાલતની પ્રક્રિયાઓમાં તેનો ખર્ચ પણ ઓછો થાય.
સાથીઓ, આજે બંધારણ દિવસના અવસર પર હું તે યુવાનોને પણ વિશેષ શુભકામનાઓ આપવા માંગું છું જેમને એક જાન્યુઆરી 2018થી મત આપવાનો અધિકાર મળવા જઈ રહ્યો છે. આ એવા યુવાનો છે જેઓ 21મી સદીમાં જન્મ્યા છે અને કેટલાક મહિનાઓ બાદ ચુંટણીઓમાં સૌપ્રથમ વાર મતદાન કરશે. 21મી સદીને ભારતની સદી બનાવવાની જવાબદારી આ જ નવયુવાનો ઉપર છે. ત્યારે આપણા સૌની જવાબદારી આ યુવાનોને એવી વ્યવસ્થા આપીને જવાની છે કે જે તેમને વધુ મજબુત કરે, તેમની શક્તિ વધારે.
આ જ કડીમાં એક ખુબ મહત્વપૂર્ણ વિષય હું આપ સૌ વિદ્વાનોની સામે રાખવા માંગું છું. આ વિષય છે કેન્દ્ર અને રાજ્યમાં એક સાથે ચુંટણી યોજવાનો. વીતેલા કેટલાક સમયથી આની ઉપર દેશમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક રાજનૈતિક દળોએ પણ દરેક 4-6 મહીને થનારી ચુંટણીના કારણે દેશ ઉપર જે આર્થિક બોઝ પડે છે, સંસાધનો પર દબાણ પડે છે, તેની ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. હવે જેમ કે 2009ની ચુંટણીની જ વાત કરીએ તો તે વર્ષે ચુંટણી યોજવામાં લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. ત્યાં જ 2014ની લોકસભા ચુંટણીનો ખર્ચ લગભગ 4 હજાર કરોડ રૂપિયા થયો હતો. આ સિવાય ઉમેદવારોનો ખર્ચ અલગથી. એક એક ચુંટણીમાં હજારો કર્મચારીઓની હાજરી, લાખો સુરક્ષાદળોનું અહીંથી ત્યાં થવાનું પણ વ્યવસ્થા ઉપર દબાણ વધારે છે. જ્યારે આચાર સંહિતા લાગુ થઇ જાય છે તો સરકાર એટલી સરળતાથી નિર્ણયો પણ નથી લઇ શકતી.
તેની સામે તેના કરતા સાવ ઊંધું દુનિયાના અનેક દેશો છે જ્યાં ચુંટણીની તારીખ નક્કી હોય છે. લોકોને ખબર હોય છે કે તેમના દેશમાં ક્યારે ચુંટણી થવાની છે, કયા મહિનામાં ચુંટણી થશે. તેનો ફાયદો એ થાય છે કે દેશ હંમેશા ચુંટણીના મોડમાં નથી રહેતો, પોલીસી પ્લાનિંગ પ્રોસેસ અને તેમનું અમલીકરણ વધુ ચોકસાઈપૂર્ણ હોય છે અને દેશના સંસાધનો પર બિનજરૂરી બોજ પણ નથી પડતો.
એકસાથે ચુંટણીનો ભારત પહેલા પણ અનુભવ કરી ચુક્યું છે અને તે અનુભવ સુખદ રહ્યો હતો. પરંતુ આપણી જ નબળાઈઓના કારણે આ વ્યવસ્થા પણ તૂટી ગઈ. હું આજે બંધારણ દિવસના શુભ અવસર પર આ ચર્ચાને આગળ વધારવાનો આગ્રહ કરું છું.
ભાઈઓ અને બહેનો, જ્યારે પોતાની ઉપર બંધન નથી હોતું, તો વ્યક્તિ હોય કે કોઈપણ સરકાર કે સંસ્થા, તેની ઉપર કોઈ ને કોઈ દિવસે સંકટ આવવાનું નક્કી હોય છે. આપણે ત્યાં એ વ્યવસ્થાની મજબૂતી છે કે સમય સમય પર આપણે પોતાની જાતને સુધારતા રહ્યા છીએ, પોતાની ઉપર જ બંધન સ્વીકારતા ગયા છીએ. ખાસ કરીને જનપ્રતિનિધિઓ અને રાજનૈતિક દળોની વાત કરીએ તો તેમણે જાતે જ પોતાની માટે અનેક બંધનો સ્વીકાર્યા છે. દેશના હિતમાં સમાજના હિતમાં સ્વીકાર્યા છે.
જેમ કે આજે ઘણા લોકોને ખબર જ નહી હોય કે ચુંટણી વખતે જે આચાર સંહિતા લાગુ થાય છે, તે કોઈ કાયદા દ્વારા લાગુ કરવામાં નથી આવતી પરંતુ આચારસંહિતા રાજનૈતિક દળોએ જાતે જ પોતાની સ્વેચ્છાએ સ્વીકાર કરી છે.
એ જ રીતે સંસદમાં કેટલાય કાયદા પસાર કરીને નેતાઓએ રાજનૈતિક વ્યવસ્થાને મર્યાદામાં રાખવા માટેના પગલા ભર્યા છે. રાજનીતિમાં શુચિતા આવે, સ્વચ્છતા આવે, તેની માટે પ્રયાસો કરવામાં આવ્યા છે અને કરવામાં આવી રહ્યા છે. સંસ્થા કોઈપણ હોય, તેમાં સ્વયં શિસ્ત, નિયંત્રણ અને સંતુંલિતતાની વ્યવસ્થા જેટલી મજબુત હશે તેટલી જ સંસ્થા અને તેની સાથે જોડાયેલ અંગો પણ મજબુત હશે.
આજે જ્યારે આ અવસર પર બંધારણના ત્રણ આધારભૂત પાયાઓ વચ્ચે સંતુલનની ચર્ચા ચાલી રહી છે, તો આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઇશે કે ન્યાયપાલિકા, વિધાયિકા અને કાર્યપાલિકા વચ્ચે સંતુલન એ આપણા બંધારણની કરોડરજ્જુ રહ્યું છે. આ જ સંતુલનના કારણે આપણો દેશ ઈમરજન્સી દરમિયાન લોકતંત્રની રાહ પરથી ભટકી જવાની તમામ કોશિશોને નકારી શક્યો હતો.
સાથીઓ, તે સમયે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે –
“બંધારણના માળખાગત સ્વરૂપ અંતર્ગત, બંધારણીય રીતે અલગ ત્રણ અંગો, બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલી સીમાઓને પાર કરીને, એક બીજાની સીમામાં નથી જઈ શકતા. એ બંધારણના પ્રભુત્વના સિદ્ધાંતનો તાર્કિક અને પ્રાકૃતિક અર્થ છે.”
બંધારણની આ શક્તિઓના લીધે બાબા સાહેબ તેને મૂળભૂત દસ્તાવેજ માનતા હતા. એક એવો દસ્તાવેજ કે જે કારોબારી, ન્યાયતંત્ર અને ધારાસભાની સ્થિતિ અને શક્તિઓને પરિભાષિત કરે છે.
ડોક્ટર આંબેડકરે કહ્યું હતું –
“બંધારણનો ઉદ્દેશ્ય માત્ર સંઘના ત્રણ અંગોનું નિર્માણ કરવાનો નથી પરંતુ તેમના અધિકારોની મર્યાદા નક્કી કરવાનો પણ છે. આવું એટલા માટે જરૂરી છે કારણ કે જો મર્યાદાઓ નક્કી કરેલી નહી હોય તો સંસ્થાઓમાં નિરંકુશતા આવી જશે અને તે શોષણ કરવા લાગશે. એટલા માટે ધારાસભાને કોઈપણ કાયદો બનાવવાની સ્વતંત્રતા હોવી જોઈએ, કારોબારીને કોઈપણ નિર્ણય લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને સર્વોચ્ચ અદાલતને કાયદાની વ્યાખ્યા કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.”
બાબાસાહેબ દ્વારા કહેવામાં આવેલી આ વાતો ઉપર ચાલીને જ આપણે આજે અહિયાં સુધી પહોચ્યા છીએ અને ગર્વની સાથે બંધારણ દિવસ ઉજવી રહ્યા છીએ. બંધારણની આ વિશેષતા ઉપર સંવિધાનના મૌલિક માળખા સાથે જોડાયેલ ત્રણ સંસ્થાઓ વચ્ચે સંતુલન પર સર્વોચ્ચ અદાલતે પણ પોતાના અનેક નિર્ણયોમાં ભાર મુક્યો છે. 1967માં એક નિર્ણય દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે –
“આપણા બંધારણે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્રની સીમાઓ ખુબ ઝીણવટતાથી નક્કી કરી છે. બંધારણ તેમની પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર પોતાની નિહિત શક્તિઓનો ઉપયોગ કરે.”
ભાઈઓ અને બહેનો, આજે જ્યારે આપણે ન્યુ ઇન્ડિયાના સપનાને પૂરું કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ તો બંધારણ દ્વારા શીખવવામાં આવેલ આ વાતોની પ્રાસંગિકતા વધુ વધી ગઈ છે. પોતાની નિશ્ચિત મર્યાદામાં રહીને આપણે જનતાની આશાઓ આકાંક્ષાઓને પૂરી કરવાની છે.
આજે સમગ્ર વિશ્વ ભારત તરફ ખુબ જ આશા સાથે જોઈ રહ્યું છે. કેટલાય પડકારોનું સમાધાન તે દેશોને ભારતમાં જ જોવા મળી રહ્યું છે. કેટલાય દેશો ભારતના વિકાસમાં ખભે ખભો મિલાવીને ચાલવા માંગે છે. એવામાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર બધાએ બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે.
સાથીઓ, હું કાયદા પંચ અને નીતિ આયોગના આ આયોજન માટે અભિનંદન આપું છું. બંધારણના ત્રણેય એકમોએ આ આયોજનમાં ખુલીને પોતાની વાત રજુ કરી છે. ઘણા બધા જાણકારો, વિદ્વાનોએ પોતાના મત આપ્યા છે. બધાના પ્રતિભાવોનું પોતપોતાનું આગવું મહત્વ છે. લોકશાહીની મજબૂતી માટે આ પ્રકારના સંવાદ ખુબ જરૂરી હોય છે. તે આપણી પરિપક્વતાને દર્શાવે છે. આ કાર્યક્રમથી જે પણ અમલ કરવા યોગ્ય મુદ્દાઓ નીકળ્યા છે તેમને આપણે સૌએ મળીને આગળ વધારવા જોઈએ. સંવાદની પ્રક્રિયા સતત ચાલતી રહે, એ વિષયમાં પણ વિચાર થવો જોઈએ.
ભાઈઓ અને બહેનો, આજે સમયની માંગ છે કે આપણે એકબીજાને સશક્ત કરીએ, એક સંસ્થા બીજાની જરૂરિયાતોને સમજે, તે સંસ્થા જે પડકારોનો સામનો કરી રહી છે, તેને સમજીએ. જ્યારે આ ત્રણેય સંસ્થાઓ બંધારણમાં લિખિત પોતાના કર્તવ્યો પર ધ્યાન આપશે, ત્યારે જ દેશના નાગરિકોને પણ અધિકારથી કહી શકશે કે “તમે પણ તમારા કર્તવ્યોનું પાલન કરો, મારું શું અને મારે શું, તેવી વિચારધારાને છોડીને સમાજ અને દેશ વિશે વિચારો.”
સાથીઓ, અધિકાર અધિકારના સંઘર્ષમાં કર્તવ્યો પાછળ રહી જવાની આશંકા રહેતી હોય છે અને પોતાના કર્તવ્યોથી પાછળ હટીને દેશ ક્યારેય આગળ નથી વધી શકતો.
હું એક વાર ફરી આપ સૌને દેશવાસીઓને બંધારણ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ આપું છું.
આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું અને 2022, આઝાદીના 75 વર્ષ, નવા ઉમંગ, નવા સંકલ્પ, નવા સામર્થ્યની સાથે આપણે આગળ વધીએ.
ખુબ ખુબ આભાર.
જય હિંદ!!!