યુરોપિયન હાઈ રિપ્રેઝન્ટેટિવ/વાઇસ પ્રેસિડન્ટ (એચઆરવીપી) મહામહિમ જોસેફ બોરેલ ફોન્ટેલ્લેસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. શ્રી બોરેલ ભારતની મુલાકાતે છે. તેઓ 16-18 જાન્યુઆરી દરમિયાન યોજએલા રાયસિના ડાયલોગમાં સહભાગી થવા આવ્યાં હતા, જેમાં તેમણે ગઈકાલે સમાપન સંબોધન કર્યું હતું. 01 ડિસેમ્બર, 2019નાં રોજ તેઓ એચઆરવીપી બન્યાં પછી યુરોપિયન યુનિયનની બહાર આ એમની પ્રથમ મુલાકાત છે.
પ્રધાનમંત્રીએ એચઆરવીપી બોરેલને આવકાર આપ્યો હતો, તેમને એચઆરવીપીનો પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં અને તેમને તેમના કાર્યકાળમાં સફળતા મળે એવી શુભેચ્છા આપી હતી. પ્રધાનમંત્રીએ એચઆરવીપીની રાઇસિના ડાયલોગમાં નિયમિત ભાગ લેવા બદલ પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ તેમને જણાવ્યું હતું કે, ભારત અને યુરોપિયન યુનિયન સ્વાભાવિક ભાગીદાર છે તથા તેઓ માર્ચ, 2020માં ભારત અને યુરોપિયન યુનિયનનાં શિખર સંમેલન ફળદાયક બને એ જોવા આતુર છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત યુરોપિયન યુનિયન સાથેનું જોડાણ ગાઢ બનાવવા પ્રતિબદ્ધ છે, ખાસ કરીને જળવાયુ પરિવર્તનનાં ક્ષેત્રમાં અને વેપારવાણિજ્યનાં સંબંધોમાં.
પ્રધાનમંત્રીએ યુરોપિયન કમિશન અને યુરોપિયન કાઉન્સિલના નેતૃત્વ સાથે અગાઉ તેમની વાતચીતને પણ યાદ કરી હતી.
એચઆરવીપી બોરેલે જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયનનું નેતૃત્વ નજીકનાં ભવિષ્યમાં બ્રસેલ્સમાં ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલન યોજવા આતુર છે. તેમણે યુરોપિયન યુનિયન અને ભારતની સહિયારી પ્રાથમિકતાઓ અને પ્રતિબદ્ધતાઓ વિશે પણ વાત કરી હતી, જેમાં લોકશાહી, બહુપક્ષીયતા અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સામેલ છે.