મહાનુભાવો,
ત્રીજી એફ.આઈ.પી.આઈ.સી સમિટમાં આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત છે! મને પ્રસન્નતા છે કે પ્રધાનમંત્રી જેમ્સ મરાપે મારી સાથે આ સમિટનું સહ-આયોજન કરી રહ્યા છે. હું અહીં પોર્ટ મોરેસબીમાં સમિટ માટે કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ માટે તેમનો અને તેમની ટીમનો આભાર માનું છું.
મહાનુભાવો,
આ વખતે, આપણે લાંબા સમય પછી મળી રહ્યા છીએ. આ દરમિયાન, વિશ્વ કોવિડ મહામારીના મુશ્કેલ સમયગાળા અને અન્ય ઘણા પડકારોમાંથી પસાર થયું છે. આ પડકારોની સૌથી વધુ અસર ગ્લોબલ સાઉથના દેશોએ અનુભવી છે.
આબોહવામાં પરિવર્તન, કુદરતી આપત્તિઓ, ભૂખમરો, ગરીબી અને આરોગ્ય સંબંધિત વિવિધ પડકારો પહેલેથી જ પ્રચલિત હતા. હવે નવા નવા મુદ્દા સામે આવી રહ્યા છે. ખાદ્ય, બળતણ, ખાતર અને ફાર્માસ્યુટિકલ્સની પુરવઠા શૃંખલામાં અવરોધો ઊભા થઈ રહ્યા છે.
જેમને આપણે વિશ્વાસપાત્ર માનતા હતા, તે ખબર પડી કે તેઓ જરૂરિયાતના સમયે આપણ સાથે ઊભા નથી. આ પડકારજનક સમયમાં, એક જૂની કહેવત સાચી સાબિત થઈ છે: "અણીના વખતે ખપ આવે એ જ સાચો મિત્ર."
મને ખુશી છે કે આ પડકારજનક સમયમાં ભારત તેના પેસિફિક ટાપુ મિત્રોની સાથે ઊભું રહ્યું. પછી તે રસી હોય કે આવશ્યક દવાઓ, ઘઉં અથવા ખાંડ; ભારત પોતાની ક્ષમતાઓને અનુરૂપ તમામ ભાગીદાર દેશોને મદદ કરતું રહ્યું છે.
મહાનુભાવો,
મેં અગાઉ પણ કહ્યું છે તેમ, મારા માટે તમે નાના ટાપુ રાષ્ટ્રો નથી, પણ મોટા સમુદ્રી દેશો છો. આ વિશાળ સમુદ્ર જ ભારતને આપ સૌની સાથે જોડે છે. ભારતીય ફિલસૂફી હંમેશાં વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે.
આ વર્ષે અમારા ચાલી રહેલા જી-20 પ્રેસિડેન્સીની થીમ 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર'નો વિષય પણ આ વિચારધારા પર આધારિત છે.
આ વર્ષે જાન્યુઆરીમાં અમે વોઈસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કર્યું હતું, જેમાં તમારા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એ માટે હું તમને અભિનંદન આપું છું. ભારત જી-20 પ્લેટફોર્મ મારફતે ગ્લોબલ સાઉથના મુદ્દાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓને વિશ્વનું ધ્યાન દોરવાની જવાબદારી માને છે.
મહાનુભાવો,
છેલ્લા બે દિવસમાં મેં જી-7 આઉટરીચ સમિટમાં પણ આ જ પ્રયાસ કર્યો છે. ત્યાં પેસિફિક આઇલેન્ડ ફોરમનું પ્રતિનિધિત્વ કરી રહેલા મહામહિમ માર્ક બ્રાઉન તેની સાબિતી આપી શકે છે.
મહાનુભાવો,
ભારતે જળવાયુ પરિવર્તનના મુદ્દા પર મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કર્યાં છે અને મને પ્રસન્નતા છે કે અમે તેમની તરફ ઝડપથી કામ કરી રહ્યા છીએ.
ગયાં વર્ષે, મેં યુએન સેક્રેટરી જનરલ સાથે મળીને લાઇફ - લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ મિશન શરૂ કર્યું હતું. હું ઇચ્છું છું કે તમે પણ આ ચળવળમાં જોડાઓ.
ભારતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને સીડીઆરઆઈ જેવી પહેલ હાથ ધરી છે. હું સમજું છું કે તમારામાંથી મોટા ભાગના લોકો સૌર ગઠબંધનનો હિસ્સો બની ચૂક્યા છે. હું માનું છું કે તમને સીડીઆરઆઈ પ્રોગ્રામ્સ પણ ઉપયોગી લાગશે. આ પ્રસંગે, હું તમને બધાને આ વિવિધ પહેલમાં જોડાવા આમંત્રણ આપું છું.
મહાનુભાવો,
ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપવાની સાથે-સાથે અમે પોષણ અને પર્યાવરણીય સંરક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્ષ 2023ને યુએન દ્વારા આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભારતે આ સુપરફૂડને "શ્રી અન્ન"નો દરજ્જો આપ્યો છે.
તેને ખેતી માટે ઓછાં પાણીની જરૂર હોય છે અને પોષક સમૃદ્ધ છે. હું માનું છું કે બાજરી-બરછટ અનાજ તમારા દેશોમાં પણ ટકાઉ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે.
મહાનુભાવો,
ભારત તમારી પ્રાથમિકતાઓનું સન્માન કરે છે. તે તમારા વિકાસના ભાગીદાર હોવાનો ગર્વ અનુભવે છે. પછી તે માનવીય સહાયતા હોય કે પછી તમારો વિકાસ, તમે ભારતને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ગણી શકો છો. આપણો દ્રષ્ટિકોણ માનવીય મૂલ્યો પર આધારિત છે.
પલાઉમાં કન્વેન્શન સેન્ટર; નૌરુમાં વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ; ફિજીમાં ચક્રવાતથી અસરગ્રસ્ત ખેડૂતો માટે બિયારણ; અને કિરીબાતીમાં સોલાર લાઇટ પ્રોજેક્ટ. આ બધા આ એક જ ભાવના પર આધારિત છે.
અમે કોઈ પણ જાતના ખચકાટ વિના અમારી ક્ષમતાઓ અને અનુભવો તમારી સાથે વહેંચવા માટે તૈયાર છીએ.
પછી તે ડિજિટલ ટેકનોલોજી હોય કે પછી સ્પેસ ટેકનોલોજી; પછી તે આરોગ્ય સુરક્ષાની વાત હોય કે પછી ખાદ્ય સુરક્ષાની; પછી તે આબોહવામાં પરિવર્તન હોય કે પછી પર્યાવરણીય સંરક્ષણ; અમે દરેકમાં તમારી સાથે છીએ.
મહાનુભાવો,
અમે બહુપક્ષીયવાદમાં તમારા વિશ્વાસને વહેંચીએ છીએ. અમે મુક્ત, ખુલ્લા અને સમાવેશી ઇન્ડો-પેસિફિકને ટેકો આપીએ છીએ. અમે તમામ દેશોનાં સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સન્માન કરીએ છીએ.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ગ્લોબલ સાઉથનો અવાજ જોરદાર રીતે ગુંજવો જોઈએ. આ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારો કરવો એ આપણી સહિયારી પ્રાથમિકતા હોવી જોઈએ.
ક્વાડના ભાગ રૂપે મેં હિરોશિમામાં ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન સાથે ચર્ચા કરી હતી. આ સંવાદમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ક્વાડની બેઠકમાં અમે પલાઉમાં રેડિયો એક્સેસ નેટવર્ક (આરએએન) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. પ્લુરિલેટરલ ફોર્મેટમાં અમે પેસિફિક ટાપુના દેશો સાથે ભાગીદારી વધારીશું.
મહાનુભાવો,
મને એ સાંભળીને આનંદ થયો છે કે ફિજીમાં યુનિવર્સિટી ઑફ ધ સાઉથ પેસિફિકમાં સસ્ટેનેબલ કોસ્ટલ એન્ડ ઓશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SCORI)ની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા સ્થાયી વિકાસમાં ભારતના અનુભવોને પેસિફિક ટાપુના દેશોનાં વિઝન સાથે જોડે છે.
સંશોધન અને વિકાસ ઉપરાંત, તે આબોહવા પરિવર્તનના પડકારોને પહોંચી વળવા માટે મૂલ્યવાન સાબિત થશે. આજે, મને ખુશી છે કે સ્કોરી 14 દેશોના નાગરિકોની સુખાકારી, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સમર્પિત છે.
એ જ રીતે, મને પ્રસન્નતા છે કે અવકાશ ટેકનોલોજી માટેની વેબસાઇટનું પ્રક્ષેપણ રાષ્ટ્રીય અને માનવ વિકાસ માટે થઈ રહ્યું છે. આનાં માધ્યમથી તમે ભારતીય ઉપગ્રહ નેટવર્ક પરથી તમારા દેશના રિમોટ સેન્સિંગ ડેટા ડાઉનલોડ કરી શકશો અને તેનો ઉપયોગ તમારા સંબંધિત રાષ્ટ્રીય વિકાસ યોજનાઓમાં કરી શકશો.
મહાનુભાવો,
હવે, હું તમારા વિચારો સાંભળવા આતુર છું. ફરી એકવાર, આજે આ સમિટમાં ભાગ લેવા બદલ તમારો ખૂબ-ખૂબ આભાર.
અસ્વીકરણ - આ પ્રધાનમંત્રીની ટિપ્પણીનો અંદાજીત અનુવાદ છે. મૂળ ટિપ્પણીઓ હિન્દીમાં કરવામાં આવી હતી.