મહામહિમ
મહાનુભાવો,
તમારી મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને સૂચનો માટે તમારા બધાનો આભાર. અમે ભારત અને આસિયાન વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા કટિબદ્ધ છીએ. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને માનવ કલ્યાણ, પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહીશું.
અમે માત્ર ભૌતિક જોડાણ જ નહીં, પણ આર્થિક, ડિજિટલ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને પણ વધારવા માટેનાં પગલાં લેવાનું ચાલુ રાખીશું.
મિત્રો,
ચાલુ વર્ષની આસિયાન સમિટની થીમ "કનેક્ટિવિટી અને રેઝિલિયન્સ વધારવી"ના સંદર્ભમાં હું કેટલાક વિચારો વહેંચવા માગું છું.
આજે દસમા મહિનાનો દસમો દિવસ છે, તેથી હું દસ સૂચનો જણાવવા માંગું છું.
પહેલું, આપણી વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, આપણે 2025 ને "આસિયાન-ઇન્ડિયા યર ઓફ ટૂરિઝમ" તરીકે જાહેર કરી શકીએ છીએ. આ પહેલ માટે ભારત 50 લાખ ડોલરની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે.
બીજું, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના એક દાયકાને યાદગાર બનાવવા માટે આપણે ભારત અને આસિયાન દેશો વચ્ચે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી શકીએ તેમ છીએ. આપણા કલાકારો, યુવાનો, ઉદ્યોગસાહસિકો અને થિંક ટેન્ક વગેરેને જોડીને આપણે આ ઉજવણીના ભાગરૂપે મ્યુઝિક ફેસ્ટિવલ, યુથ સમિટ, હેકેથોન અને સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ જેવી પહેલોનો સમાવેશ કરી શકીએ છીએ.
ત્રીજું, "ઇન્ડિયા-આસિયાન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફંડ" હેઠળ આપણે વાર્ષિક મહિલા વૈજ્ઞાનિકોનું સંમેલન યોજી શકીએ છીએ.
ચોથું, નવી સ્થાપિત નાલંદા વિશ્વવિદ્યાલયમાં આસિયાન દેશોના વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક શિષ્યવૃત્તિની સંખ્યામાં બમણો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં આસિયાન વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃત્તિ યોજના પણ આ વર્ષથી શરૂ થશે.
પાંચમું, "ચીજવસ્તુઓમાં આસિયાન-ભારત વેપાર"ની સમીક્ષા વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થવી જોઈએ. આ આપણા આર્થિક સંબંધોને મજબૂત કરશે અને એક સુરક્ષિત, સ્થિતિસ્થાપક અને વિશ્વસનીય સપ્લાય ચેઇન બનાવવામાં મદદ કરશે.
છઠ્ઠું, આપત્તિ સ્થિતિસ્થાપકતા માટે, "આસિયાન-ઇન્ડિયા ફંડ" માંથી 50 લાખ ડોલરની ફાળવણી કરવામાં આવશે. ભારતની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને આસિયાન હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ સેન્ટર આ ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી શકે છે.
સાતમું, સ્વાસ્થ્યમાં સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા આસિયાન-ભારત સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકને સંસ્થાગત સ્વરૂપ આપી શકાય તેમ છે. આ ઉપરાંત અમે દરેક આસિયાન દેશોમાંથી બે નિષ્ણાતોને ભારતની વાર્ષિક નેશનલ કેન્સર ગ્રિડ 'વિશ્વમ કોન્ફરન્સ'માં સામેલ થવા આમંત્રણ આપીએ છીએ.
આઠમું, ડિજિટલ અને સાયબર સ્થિતિસ્થાપકતા માટે, ભારત અને આસિયાન વચ્ચે સાયબર નીતિ સંવાદને સંસ્થાગત સ્વરૂપ આપી શકાય છે.
નવમી, ગ્રીન ફ્યુચરને પ્રોત્સાહન આપવા માટે, હું ગ્રીન હાઇડ્રોજન પર વર્કશોપનું આયોજન કરવાની દરખાસ્ત કરું છું, જેમાં ભારત અને આસિયાન દેશોના નિષ્ણાતો સામેલ છે.
અને દસમું, આબોહવાની સ્થિતિસ્થાપકતા માટે, હું તમને બધાને અમારા અભિયાનમાં જોડાવા વિનંતી કરું છું, "એક પેડ મા કે નામ" (માતા માટે છોડ).
મને વિશ્વાસ છે કે મારા દસ વિચારોને તમારો ટેકો મળશે. અને અમારી ટીમો તેમને અમલમાં મૂકવા માટે સહયોગ કરશે.
તમારો ખૂબ ખૂબ આભાર.