મારા વ્હાલા મિત્રો,
હું 140 કરોડ દેશવાસીઓ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને અભિનંદન પાઠવું છું.
આ એક સુખદ સંયોગ છે કે આ જ સ્થળે, આ જ સ્ટેડિયમમાં 1951માં પ્રથમ એશિયન ગેમ્સ યોજાઈ હતી. આજે આપે પણ અને આપ સૌ ખેલાડીઓએ, આપે જે પરાક્રમ કર્યું છે, જે પુરુષાઅર્થ કર્યો છે, જે પરિણામ આપ્યું છે, તેનાં કારણે દેશના દરેક ખૂણામાં એક ઉત્સવનું વાતાવરણ છે. 100 પારની મેડલ ટેલી માટે, તમે દિવસ-રાત એક કરી દીધી. એશિયન ગેમ્સમાં આપ સૌ ખેલાડીઓનાં પ્રદર્શનથી આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે.
આજે સમગ્ર દેશ તરફથી હું આપણા રમતવીરોના પ્રશિક્ષકો, ટ્રેનર્સ અને કોચને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. હું આ ટુકડીમાં સામેલ દરેક વ્યક્તિ, સહાયક સ્ટાફ, ફિઝિયો, અધિકારીઓ, તે બધાની ખૂબ ખૂબ પ્રશંસા કરું છું. અને તમારાં માતા-પિતાને હું ખાસ વંદન કરું છું. કારણ કે શરૂઆત ઘરેથી થતી હોય છે, કારકિર્દીના ઘણા રસ્તાઓ હોય છે, શરૂઆતમાં બાળકો આ દિશામાં જાય છે ત્યારે ઘણો વિરોધ થાય છે, કે સમય ખરાબ નહીં કરો, ભણો. આવું કરો, તેવું ન કરો. જ્યારે ઈજા થઈ જાય ત્યારે માતા કહેવા લાગે, હવે તો જવાનું જ નથી, હવે તો હું એ કરવા જ નહીં દઉં. અને તેથી તમારાં માતા-પિતા પણ વંદનના હકદાર છે. તમે ક્યારેય પડદા પર તો જે પાછળ રહેનારા લોકો હોય છે, તેઓ કદી પડદા પર આવતા નથી પરંતુ તાલીમથી પૉડિયમ સુધીની આ યાત્રા છે ને તે આ લોકો વિના શક્ય જ નથી.
સાથીઓ,
આપ સૌ ઇતિહાસ રચીને આવ્યા છો. આ એશિયન ગેમ્સમાં જે જે આંકડા છે તે ભરતની સફળતાના સાક્ષી બની રહ્યા છે. એશિયન ગેમ્સમાં તે ભારતનું અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન છે. અને વ્યક્તિગત રીતે મને એ વાતનો સંતોષ છે કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છે. જ્યારે આપણે રસી તરફ કામ કરી રહ્યા હતા ત્યારે ઘણી આશંકાઓ હતી કે સફળ થઈશું કે નહીં. પણ જ્યારે વેક્સિનમાં સફળ થયા તો 200 કરોડથી (16.19) ડોઝ મૂકાયા, દેશવાસીઓની જિંદગી બચી અને દુનિયાના 150 દેશોની મદદ કરી, તો મને લાગ્યું કે, હા આપણી દિશા સાચી છે. આજે જ્યારે આપ સફળ થઈને આવ્યા છો તો મને લાગે છે કે આપણી દિશા યોગ્ય છે.
ભારતે આ વખતે વિદેશની ભૂમિ પર ઍથ્લેટિક્સમાં સૌથી વધુ મેડલ્સ જીત્યા છે. શૂટિંગમાં અત્યાર સુધીના સૌથી વધુ મેડલ, તીરંદાજીમાં અત્યાર સુધીના સર્વોચ્ચ ચંદ્રક, સ્ક્વોશમાં અત્યાર સુધીના સર્વોચ્ચ ચંદ્રકો, હલેસામાં અત્યાર સુધીના સર્વોચ્ચ ચંદ્રક, મહિલા બૉક્સિંગમાં અત્યાર સુધીના સર્વોચ્ચ ચંદ્રક, મહિલા ક્રિકેટમાં પ્રથમવાર સુવર્ણ ચંદ્રક, પુરુષ ક્રિકેટમાં પ્રથમવાર સુવર્ણચંદ્રક, સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં પ્રથમ વખત સુવર્ણચંદ્રક, તમે લોકોએ તો ગોલ્ડ મેડલ્સની ઝડી લગાવી દીધી. અને તમે જુઓ, મહિલાઓના શોટપુટમાં 72 વર્ષ પછી, 4X4 100 મીટર રિલેમાં 61 વર્ષ પછી, ઘોડેસવારીમાં 41 વર્ષ પછી, અને પુરુષ બૅડમિન્ટનમાં 40 વર્ષ પછી, આપણને મેડલ મળ્યો છે. એટલે કે ચાર-ચાર, પાંચ-પાંચ, છ-છ દાયકાથી દેશનાં કાન આ સમાચાર સાંભળવા માટે તરસ્યા હતા, તમે તે પૂર્ણ કર્યું છે. આપ વિચારો કે કેટલાં વર્ષોની પ્રતીક્ષા આપના પુરુષાર્થે સમાપ્ત કરી છે.
સાથીઓ,
આ વખતે એક બીજી એક ખાસ વાત એ રહી જેનો હું ઉલ્લેખ કરવા માગું છું. આપણે જેટલી પણ રમતોમાં-ઈવેન્ટ્સમાં ભાગ લીધો, એમાંથી મોટાભાગની એટલે એક રીતે દરેકમાં આપણે કોઇને કોઇ મેડલ લઇને આવ્યા છીએ. તેથી આ પોતાનામાં જ આપણું કૅન્વાસ જે વધી રહ્યું છે તે ભારત માટે ખૂબ જ શુભ સંકેત છે. 20 ઈવેન્ટ્સ તો એવી હતી જેમાં આજ સુધી દેશને પોડિયમ ફિનિશ મળતું ન હતું. અનેક રમતોમાં આપે માત્ર ખાતું જ નથી ખોલ્યું પણ એક નવો રસ્તો ખોલ્યો છે. એક એવો રસ્તો જે યુવાઓની સમગ્ર પેઢીને પ્રેરિત કરશે. એક એવો રસ્તો જે હવે એશિયન રમતોથી આગળ વધીને ઑલિમ્પિક્સમાં આપણી યાત્રાને નવો વિશ્વાસ આપશે.
સાથીઓ,
મને એ વાતનો પણ ગર્વ છે કે આપણી નારી શક્તિએ આ રમતોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આપણી મહિલા ખેલાડીઓએ જે જુસ્સા સાથે પ્રદર્શન કર્યું છે તે ભારતની દીકરીઓનું સામર્થ્ય કેટલું છે તે દર્શાવે છે. એશિયન ગેમ્સમાં ભારતે જેટલા મેડલ જીત્યા છે તેમાંથી અડધાથી વધુ મેડલ આપણી મહિલા ખેલાડીઓએ જીત્યા છે. બલકે આ ઐતિહાસિક સફળતાની શરૂઆત પણ આપણી મહિલા ક્રિકેટ ટીમે જ કરી હતી.
દીકરીઓએ બૉક્સિંગમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. ટ્રેક એન્ડ ફિલ્ડમાં તો એવું લાગતું હતું કે જાણે આપણી દીકરીઓ મોખરે રહેવાના એકમાત્ર આશય સાથે ઉતરી છે, જાણે નક્કી કરી આવી છે. ભારતની દીકરીઓ નંબર 1થી ઓછું કંઈપણ સ્વીકારવા તૈયાર નથી. અને આ જ નવા ભારતની ભાવના છે. આ જ નવા ભારતની તાકાત છે. અંતિમ પરિણામ સુધી, અંતિમ વિજય જાહેર ન થાય ત્યાં સુધી નવું ભારત તેના પ્રયત્નો છોડતું નથી. નવું ભારત પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા, સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરે છે.
મારા પ્રિય રમતવીરો,
તમે પણ જાણો છો કે આપણા દેશમાં ટેલેન્ટની ક્યારેય કોઈ કમી નથી રહી. દેશમાં હંમેશા વિજયનો જુસ્સો હતો. આપણા ખેલાડીઓએ પહેલાના સમયમાં પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ અનેક પડકારોને કારણે આપણે મેડલની બાબતમાં પાછળ જ રહી જતા હતા. તેથી, 2014 પછી, ભારત તેની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને આધુનિક બનાવવામાં, તેનો કાયાકલ્પ કરવામાં વ્યસ્ત છે. અમારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે ભારતીય ખેલાડીઓને વિશ્વમાં શ્રેષ્ઠ તાલીમ સુવિધાઓ મળે. ભારતનો પ્રયાસ છે કે ભારતીય ખેલાડીઓને દેશ અને વિદેશમાં રમવાની મહત્તમ તકો મળે. અમારો પ્રયાસ છે કે ભારતીય ખેલાડીઓની પસંદગીમાં પારદર્શિતા આવે, તેમની સાથે કોઈ ભેદભાવ ન થાય, અમારો પ્રયાસ છે કે ગામડાંમાં રહેતી રમત પ્રતિભાઓને પણ વધુમાં વધુ તકો મળે. અમે એ માટે અમારી પૂરી શક્તિ લગાવી રહ્યા છીએ કે અમારા તમામ ખેલાડીઓનું મનોબળ અકબંધ રહે અને તેમને કોઈપણ પ્રકારની કમી ન રહે.
રમતગમતનાં બજેટમાં પણ 9 વર્ષ પહેલાની સરખામણીમાં 3 ગણો વધારો કરવામાં આવ્યો છે. અમારી ટોપ્સ અને ખેલો ઈન્ડિયા સ્કીમ ગેમ ચૅન્જર્સ સાબિત થઈ છે. અને મારો તો ગુજરાતનો અનુભવ છે કે ગુજરાતના લોકો એક જ ખેલ જાણે છે – પૈસાનો. પરંતુ જ્યારે ખેલો ગુજરાતની શરૂઆત થઈ ત્યારે ધીમે ધીમે એક સ્પોર્ટી કલ્ચર વિકસવા લાગ્યું અને તે અનુભવથી જ મારાં મનમાં આ વાત આવી અને તે અનુભવના આધારે જ અમે અહીં ખેલો ઈન્ડિયાની શરૂઆત કરી અને તેને ઘણી સફળતા મળી.
સાથીઓ,
આ એશિયન ગેમ્સમાં લગભગ 125 ઍથ્લીટ્સ એવા છે જે ખેલો ઈન્ડિયા અભિયાનની શોધ છે. આમાંથી 40થી વધુ મેડલ પણ જીતી ચૂક્યા છે. ખેલો ઈન્ડિયા અભિયાનમાંથી નીકળીને આટલા બધા ખેલાડીઓ પોડિયમ પર પહોંચ્યા તે હકીકત દર્શાવે છે કે ખેલો ઈન્ડિયા અભિયાન સાચી દિશામાં છે. અને હું તમને પણ વિનંતી કરીશ, તમે જ્યાં પણ હોવ, જ્યારે પણ તમે શાળાઓ અને કૉલેજો સાથે વાત કરો, દરેકને ખેલો ઇન્ડિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો. તેનું જીવન ત્યાંથી જ શરૂ થાય છે.
પ્રતિભાની ઓળખથી લઈને આધુનિક તાલીમ અને વિશ્વના શ્રેષ્ઠ કૉચિંગ સુધી, આજે ભારત કોઈ પણ બાબતમાં પાછળ નથી. આ સમયે, જુઓ, હું હમણાંની વાત કરી રહ્યો છું, હાલમાં 3 હજારથી વધુ પ્રતિભાશાળી ઍથ્લીટ્સ ખેલો ઈન્ડિયા યોજના દ્વારા તેમની તાલીમ લઈ રહ્યા છે. સરકાર દરેક ખેલાડીઓને કૉચિંગ, મેડિકલ, ડાયેટ, ટ્રેનિંગ માટે દર વર્ષે 6 લાખ રૂપિયાથી વધુની સ્કોલરશિપ પણ આપી રહી છે.
આ યોજના હેઠળ હવે લગભગ 2.5 હજાર કરોડ રૂપિયાની મદદ સીધી ઍથ્લીટ્સને આપવામાં આવી રહી છે. અને હું તમને ખાતરી આપું છું. પૈસાની અછત તમારા પ્રયત્નોને ક્યારેય અવરોધશે નહીં. સરકાર આગામી પાંચ વર્ષમાં ખેલ જગત માટે 3 હજાર કરોડ રૂપિયા વધુ ખર્ચવા જઈ રહી છે. આજે દેશના દરેક ખૂણે તમારા માટે જ આધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
એશિયન ગેમ્સમાં તમારાં પ્રદર્શને મને વધુ એક બાબત માટે ઉત્સાહિત કર્યો છે. આ વખતે ઘણા નાની વયના ખેલાડીઓએ મેડલ ટેલીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. અને જ્યારે નાની વયના ખેલાડીઓ ઊંચાઈ હાંસલ કરે છે, ત્યારે તેઓ પોતાનામાં જ આપણી સ્પોર્ટિંગ નેશનનીઓળખ બની જાય છે, આ એક સ્પોર્ટિંગ નેશનની નિશાની છે. અને તેથી જ આજે હું આ સૌથી નાની વયના જે લોકો વિજયી બનીને આવ્યા છે એમને બેવડાં અભિનંદન આપું છું. કારણ કે તમે લાંબા સમય સુધી દેશની સેવા કરવાના છો. આ નાની વયના નવા વિજેતાઓ લાંબા સમય સુધી દેશ માટે શાનદાર પ્રદર્શન કરશે. યુવા ભારતની નવી વિચારસરણી હવે માત્ર સારાં પ્રદર્શનથી જ સંતુષ્ટ નથી થઈ રહી, તેને મેડલ જોઇએ છે, જીત જોઈએ છે.
સાથીઓ,
આજકાલ યુવા પેઢી એક શબ્દ ખૂબ બોલે છે - 'GOAT' - એટલે કે સર્વકાલીન મહાન (Greatest of All Time). દેશ માટે તો તમે બધા જ 'ગોટ' જ ‘ગોટ’ છો. તમારો જુસ્સો, તમારું સમર્પણ, તમારાં બાળપણની વાતો દરેક માટે પ્રેરણારૂપ છે. તે અન્ય યુવાનોને મોટા ધ્યેયો પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. હું જોઉં છું કે નાનાં બાળકો તમારાથી ખૂબ પ્રભાવિત છે. તેઓ તમને જુએ છે અને તમારા જેવા બનવા માગે છે. તમારે તમારા આ સકારાત્મક પ્રભાવનો સદુપયોગ કરવો જોઈએ અને બને તેટલા વધુ ને વધુ યુવાનો સાથે જોડાવું જોઈએ. મને યાદ છે કે આ અગાઉ જ્યારે મેં ખેલાડીઓને શાળાઓમાં જઈને બાળકોને મળવાની વિનંતી કરી હતી ત્યારે ઘણા ખેલાડીઓ શાળાએ ગયા હતા. તેમાંથી કેટલાક અહીં પણ હાજર છે. નીરજ એક સ્કૂલમાં ગયા હતા, ત્યાંનાં બાળકોએ નીરજના ખૂબ વખાણ કર્યા. આજે હું તમને બધાને ફરીથી એવી જ વિનંતી કરવા માગું છું. દેશને તમારી પાસેથી પણ કંઈક માગવાનો અધિકાર છે ને? કેમ ચૂપ થઈ ગયા, છે કે નહીં? ના, તમે ઢીલું બોલો છો, તો તો ગડબડ છે. દેશ તમારી પાસેથી પણ કંઈક અપેક્ષા રાખે છે કે નહીં? શું તમે પૂરી કરશો?
જુઓ, મારા પ્રિય રમતવીરો,
દેશ હાલમાં ડ્રગ્સ સામે નિર્ણાયક યુદ્ધ લડી રહ્યો છે. ડ્ર્ગ્સના દુષ્પ્રભાવ વિશે તમે બધા સારી રીતે જાણો છો. અજાણતામાં થયેલ ડોપિંગ પણ ખેલાડીની કારકિર્દીને નષ્ટ કરી શકે છે. ઘણી વખત જીતવાની ઈચ્છા કેટલાક લોકોને ખોટા રસ્તે લઈ જાય છે, પરંતુ આ હું તમારા દ્વારા તમને અને આપણા યુવાનોને સાવધાન કરવા માગું છું. તમે આપણા યુવાનોને ચેતવશો કારણ કે તમે બધા વિજેતા છો. અને સાચા માર્ગ પર ચાલીને તમે આટલી સિદ્ધિ મેળવી ચૂક્યા છો. તેથી કોઈને ખોટા રસ્તે જવાની જરૂર નથી, તમારી વાત સાંભળશે. અને તેથી તમે આમાં મોટી ભૂમિકા ભજવી શકો છો.
તમે નિશ્ચય અને માનસિક શક્તિનાં પ્રતિક છો, મેડલ ફક્ત શારીરિક શક્તિથી નથી મળતા જી, માનસિક શક્તિ એક મોટી ભૂમિકા ભજવે છે અને તમે તેમાં સમૃદ્ધ છો. આ તમારી બહુ મોટી મૂડી છે, આ મૂડી દેશને કામ લાગવી જોઇએ. ભારતની યુવા પેઢીને નશીલી દવાઓની હાનિકારક અસરો વિશે શિક્ષિત કરવા માટે તમે સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર પણ છો. જ્યારે પણ તમને તક મળે, જો કોઈ તમને બાઈટ અથવા ઈન્ટરવ્યૂ માટે પૂછે તો કૃપા કરીને બે વાક્યો જરૂર જણાવો. હું મારા દેશના યુવા મિત્રોને આ કહેવા માગું છું, અથવા હું આ કહેવા ઇચ્છું છું, કૃપા કરીને આ જરૂરથી કહો, કારણ કે તમે એ સિદ્ધ કર્યું છે કે દેશના યુવાનો તમારી વાત સાંભળશે.
હું તમને વિનંતી કરું છું કે તમે તેને તમારું મિશન બનાવો કે લોકોને મળતી વખતે, ઇન્ટરવ્યૂ આપતી વખતે, તમારે શાળાઓ અને કૉલેજોમાં દરેક જગ્યાએ ડ્રગ્સનાં જોખમ વિશે જણાવવું જોઈએ. ડ્રગ-મુક્ત ભારતની લડાઈને મજબૂત કરવા તમારે આગળ આવવું જોઈએ.
સાથીઓ,
તમે સુપરફૂડનું મહત્વ પણ જાણો છો અને ફિટનેસ માટે તે કેટલું મહત્વનું છે, એ પણ તમને ખબર છે. તમે જે રીતે તમારી જીવનશૈલીમાં પૌષ્ટિક ખોરાકને પ્રાધાન્ય આપ્યું છે, અને ઘણી વસ્તુઓ પસંદ હોવા છતાં ખાવાથી દૂર રહ્યા છો, શું ખાવું એનું જેટલું મહત્વ છે એના કરતાં પણ શું ન ખાવું તેનું મહત્વ વધુ હોય છે. અને તેથી જ હું કહીશ કે દેશનાં બાળકોને તેમની ખાણી-પીણીની આદતો અંગે પૌષ્ટિક આહાર અંગે તમે ચોક્કસ ઘણું માર્ગદર્શન આપી શકો છો. તમે બાજરી ચળવળ અને પોષણ મિશનમાં પણ મોટી ભૂમિકા ભજવી શકો છો. તમારે શાળાઓમાં યોગ્ય આહાર આદતો વિશે બાળકો સાથે વધુ વાત કરવી જોઈએ.
સાથીઓ,
તમે રમતનાં મેદાનમાં જે કર્યું છે તે એક મોટા કૅનવાસનો ભાગ પણ છે. દેશ જ્યારે પ્રગતિ કરે છે ત્યારે તેની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. ભારતનાં રમતગમત ક્ષેત્રે પણ આપણે આવું જ જોઈ રહ્યા છીએ. જ્યારે દેશમાં સ્થિતિ સારી નથી હોતી, ત્યારે રમતગમત ક્ષેત્રે પણ તેની અસર જોવા મળે છે. આજે જ્યારે ભારત વિશ્વ મંચ પર મહત્વનું સ્થાન મેળવી રહ્યું છે, ત્યારે તમે રમતગમતનાં ક્ષેત્રમાં પણ તેનું પ્રદર્શન કર્યું છે. આજે જ્યારે ભારત વિશ્વમાં ટોપ-3 અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણા યુવાનોને તેનો સીધો ફાયદો થાય છે. તેથી, આજે તમે અવકાશમાં જોઇ લો, ભારતનો ડંકો વાગી રહ્યો છે. દરેક જગ્યાએ ચંદ્રયાનની ચર્ચા છે. આજે ભારત સ્ટાર્ટઅપની દુનિયામાં ટોચ પર છે. વિજ્ઞાન અને ટેક્નૉલોજીમાં અદ્ભૂત કામ થઈ રહ્યું છે. ભારતના યુવાનો ઉદ્યોગસાહસિકતામાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. દુનિયાની મોટી મોટી કંપનીઓનાં નામ લઈ લો, તેમના સીઈઓ ભારતનાં સંતાનો છે, ભારતના યુવાનો છે. તેનો અર્થ એ છે કે ભારતની યુવા ક્ષમતા દરેક ક્ષેત્રમાં છવાયેલી છે. દેશને તમારા બધા ખેલાડીઓમાં પણ ઘણો વિશ્વાસ છે. આ ભરોસા સાથે અમે 100 પારનું સૂત્ર આપ્યું હતું. તમે એ ઈચ્છા પૂરી કરી. આગલી વખતે આપણે આ રેકોર્ડ કરતાં પણ ઘણા આગળ વધીશું. અને હવે આપણી સામે ઑલિમ્પિક પણ છે. પેરિસ માટે જોર લગાવીને તૈયારી કરો. જેમને આ વખતે સફળતા નથી મળી, તેમણે નિરાશ થવાની જરૂર નથી. આપણે ભૂલોમાંથી શીખીશું અને નવા પ્રયાસો કરીશું. મને વિશ્વાસ છે, તમે પણ ચોક્કસ જીતશો. થોડા દિવસોમાં જ પેરા એશિયન ગેમ્સ પણ 22મી ઑક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. તમારા દ્વારા, હું પેરા એશિયન ગેમ્સનાં તમામ બાળકો અને ખેલાડીઓને પણ મારી શુભકામનાઓ પાઠવું છું. હું ફરી એકવાર આ શાનદાર પ્રદર્શન માટે, આ શાનદાર સિદ્ધિ માટે અને દેશને ગૌરવ અપાવવા બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
ખૂબ ખૂબ આભાર.