આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ જમ્મુ-કાશ્મીરના મુદ્દે વિવિધ રાજકીય પક્ષો સાથે મળેલી બેઠક હમણાં જ પૂર્ણ થઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીને મજબૂત બનાવવા તથા તેના વિકાસ તરફનો આ હકારાત્મક પ્રયાસ રહ્યો હતો. આ બેઠક અત્યંત સુમેળભર્યા વાતાવરણમાં હાથ ધરાઈ હતી. તેમાં ભાગ લેનારા તમામ પક્ષકારોએ ભારતના બંધારણ અને ભારતની લોકશાહીમાં તેમનો સંપૂર્ણ સહકાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની પ્રવર્તમાન પરિસ્થિતિમાં થઈ રહેલા સુધારા અંગે રાજકીય પક્ષોના આગેવાનોને માહિતગાર કર્યા હતા.
પ્રધાનમંત્રીએ તમામ પક્ષોની દલીલો અને સૂચનો ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા અને તેમણે એ હકીકતની સરાહના કરી હતી તે પ્રજાના તમામ પ્રતિનિધિઓએ મુક્તમને તેમના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ બે મહત્વના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં પાયાના સ્તરેથી લોકશાહી પરત લાવવા માટે આપણે તમામે સાથે મળીને કામગીરી હાથ ધરવી પડશે. બીજી બાબત એ કે આપણે જમ્મુ-કાશ્મીરમાં સર્વાંગી વિકાસ માટે કામ કરવું જોઇએ અને આ વિકાસ તમામ પ્રાંત તથા તમામ સમૂદાય સુધી પહોંચવો જોઇએ. પ્રજાની ભાગીદારી અને સહકારનું વાતાવરણ સર્જાય તે પણ એટલું જ જરૂરી છે.
આદરણીય પ્રધાનમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતી રાજ અને અન્ય સ્થાનિક ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજાઈ હતી. સુરક્ષાની સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે. ચૂંટણી બાદ અંદાજે 12,000 કરોડ રૂપિયા સીધા જ પંચાયતો સુધી પહોંચ્યા છે. આમ થવાને કારણે ગામડાના વિકાસની ઝડપમાં વેગ આવ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીની પ્રક્રિયાની દિશામાં વિધાનસભાની ચૂંટણી જેવા આગામી મહત્વના પગલા માટે આગળ ધપવું જોઇએ. આ ઉપરાંત સીમાંકનની પ્રક્રિયા ઝડપથી પૂરી થવી જોઇએ જેથી વિધાનસભામાં તમામ પ્રાંત તથા તમામ જૂથ પર્યાપ્ત રાજકીય પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરી શકે. દલિતો, પછાત વર્ગના લોકો તથા આદિવાસી વિસ્તારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે જરૂરી છે.
સીમાંકનની પ્રક્રિયામાં તમામ પક્ષકારો ભાગ લઈ શકે તે વિષય પર પણ આ બેઠકમાં વિગતવાર ચર્ચા હાથ ધરાઈ હતી. બેઠકમાં હાજર રહેલા તમામ પક્ષો આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સહમત થયા હતા.
જમ્મુ અને કાશ્મીરને શાંતિ અને સમૃદ્ધિના માર્ગે લાવવા માટે તમામ પક્ષકારોના સહકાર પર પણ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર હવે હિંસાના દુષ્ચક્રમાંથી બહાર આવી રહ્યું છે અને સ્થિરતાના માર્ગે આગળ ધપી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરની પ્રજામાં નવી આશા અને નવા આત્મવિશ્વાસના દર્શન થઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે તેમના ભરોસાને મજબૂત બનાવવા તથા તેમના આત્મવિશ્વાસને વધુ ઉજ્જવળ બનાવવા માટે આપણે રાત દિવસ કાર્ય કરવું પડશે. જમ્મુ કાશ્મીરના સમૃદ્ધિ તથા વિકાસ અને લોકશાહીને મજબૂત કરવા માટે આજની બેઠક અત્યંત મહત્વની છે. આજની બેઠકમાં હાજરી આપવા માટે હું તમામ રાજકીય પક્ષોનો આભાર માનું છું.
આભાર