સાર્ક, ભારતની વિદેશ નીતિનો અત્યંત મહત્વપૂર્ણ અભિગમ છે. સાર્ક દેશોમાં ભારત સૌથી મોટો દેશ હોવા ઉપરાંત આર્થિક રીતે પણ તે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. પહેલા જ દિવસથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાર્ક રાષ્ટ્રો સાથે વધુ સારા સંબંધો તેમની વિદેશ નીતિના મુખ્ય સ્થાને છે, એ દર્શાવ્યું હતું.
6મી મે, 2014ના રોજ પોતાના સોગંદવિધિ સમારંભમાં શ્રી મોદીએ તમામ સાર્ક દેશોના નેતાઓને આમંત્રણ આપવાનું નક્કી કર્યું હતું. એટલે, જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા હતા, ત્યારે પ્રમુખ હામિદ કરઝાઈ (અફઘાનિસ્તાન), સ્પીકર શર્મિન ચૌધરી (બાંગ્લાદેશ) (પ્રધાનમંત્રી શેખ હસિના પૂર્વ-આયોજિત જાપાનના પ્રવાસે હતા), પ્રધાનમંત્રી ત્શેરિંગ તોબ્ગે (ભૂતાન), પ્રમુખ અબ્દુલ્લા યામીન (માલદીવ્ઝ), પ્રધાનમંત્રી સુશિલ કોઈરાલા (નેપાળ), પ્રધાનમંત્રી નવાઝ શરીફ (પાકિસ્તાન) અને પ્રમુખ રાજપાક્સા (શ્રીલંકા) આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બીજા જ દિવસે તેમણે આ નેતાઓ સાથે અત્યંત સફળ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ પ્રત્યેક બેઠકો નવા આરંભ, આશાવાદના યુગના ઉદય અને સાર્ક દેશોના સંબંધોમાં વિક્રમજનક પ્રગતિની સૂચક હતી.
પ્રધાનમંત્રીએ પોતાની વિદેશ યાત્રા માટે સૌપ્રથમ ભૂતાનની પસંદગી કરી હતી. તેઓ 15મી જૂન, 2014ના રોજ અત્યંત ઉષ્માભર્યા આવકાર વચ્ચે ત્યાં પહોંચ્યા હતા અને મુલાકાત દરમિયાન કેટલીક મહત્વની સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રીએ તેમની મુલાકાત દરમિયાન ભૂતાનની સંસંદને પણ સંબોધન કર્યું હતું.
જ્યારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાઠમંડુ પહોંચ્યા, ત્યારે 17 વર્ષમાં એ સૌ પ્રથમવાર ભારતીય પ્રધાનમંત્રી દ્વારા યોજાયેલી સ્વતંત્ર દ્વિપક્ષીય મુલાકાત હતી. નેપાળમાં પણ તેમણે મહત્વના કરાર કર્યા હતા અને પ્રધાનમંત્રી તેમજ નેપાળના નેતાઓ વચ્ચેની વાતચીતો દ્વારા ભારત-નેપાળના જોડાણોના ઐતિહાસિક યુગનો આરંભ થયો હતો. શ્રી મોદી ફરી નવેમ્બર,નવેમ્બર, 2014માં સાર્ક શિખર સંમેલન માટે નેપાળ ગયા હતા અને ત્યાં તેઓ સાર્ક દેશોના ટોચના નેતાઓને મળ્યા હતા.
ફેબ્રુઆરી, 2015માં શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ સીરીસેના ભારત આવ્યા હતા અને જાન્યુઆરી, 2015માં કાર્યભાર સંભાળ્યા બાદ પોતાની સૌપ્રથમ વિદેશ યાત્રા માટે તેમણે ભારત પસંદ કર્યું હતું. માર્ચ, 2015માં પ્રધાનમંત્રી શ્રી મોદીએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને કેટલાક વર્ષોમાં ભારતના પ્રધાનમંત્રી દ્વારા યોજાયેલી આ પ્રથમ સ્વતંત્ર મુલાકાત હતી. આ પ્રવાસ દરમિયાન સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા અને પ્રધાનમંત્રીએ શ્રીલંકાની સંસદને સંબોધન કર્યું તેમજ જાફનાની મુલાકાત લીધી. જાફનાની મુલાકાત લેનારા તેઓ ભારતના સૌપ્રથમ પ્રધાનમંત્રી તેમજ વિશ્વના બીજા નેતા બન્યા. જાફનામાં તેમણે ભારત સરકારની સહાયથી હાથ ધરાયેલા હાઉસિંગ પ્રોજેક્ટના ભાગરૂપે લાભાર્થીઓને મકાનો સોંપ્યા અને જાફના કલ્ચરલ સેન્ટરનો શિલાન્યાસ કર્યો.
અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની મે, 2015માં ભારત આવ્યા હતા અને બંને દેશો જોડાણો વધારવા માટે સાથે મળીને કાર્યરત બનવા સહમત થયા હતા.
મે, 2015માં જ્યારે ભારતની સંસદે એકમતે ભારત-બાંગ્લાદેશ બોર્ડર એગ્રીમેન્ટને મંજૂરી આપી ત્યારે ઈતિહાસ સર્જાયો હતો અને તે ભારત-બાંગ્લાદેશ વચ્ચેના જોડાણો માટેની ઐતિહાસિક ક્ષણ હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ તમામ રાજકીય પક્ષો અને મુખ્યમંત્રીઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને પ્રધાનમંત્રી શેખ હસિના તરફથી પણ શુભેચ્છાઓ મળી હતી. આ જોડાણોને વધુ મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી ટૂંક સમયમાં જ બાંગ્લાદેશની મુલાકાત લે તેવી ધારણા છે.
આમ, દ્વિપક્ષીય બેઠકો, મહત્વપૂર્ણ સમજૂતીઓ અને બીજી ઘણી બાબતો દ્વારા શ્રી નરેન્દ્ર મોદી સાર્ક દેશો સાથેના જોડાણો વધુ મજબૂત બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.