“મોટા પાયે અનિયંત્રિત ભ્રષ્ટાચાર અને અલ્હાબાદ હાઈ કોર્ટના ચુકાદાથી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ નૈતિક જવાબદારી લીધી અને રાજીનામું આપવાની રજૂઆત કરી. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું અને..” આ 25 જૂન, 1975ના સમાચાર હોવાની જરૂર હતી, પણ અફસોસ એવું કશું થયું નથી. તેનાથી વિપરીત શ્રીમતી ગાંધીએ કાયદાને ઊલટાવી લીધો અને વ્યક્તિગત લાભ માટે તેને તોડવાનો નિર્ણય લીધો. તેમણે કટોકટી લાગુ કરી દીધી અને કમનસીબે ભારત 21 મહિનાના અંધકાર યુગમાં ધકેલાઈ ગયું. મારી પેઢી સાથે સંબંધિત મોટા ભાગના લોકોને કટોકટીની સ્થિતિ વિશે આછુંપાતળું યાદ છે. આપણું ઇલેક્ટ્રોનિક મીડિયા પણ કટોકટીની વર્ષગાંઠ પર એક્ટિવિસ્ટ ફિલ્મી સિતારાઓની મુલાકાત આયોજન કરવાનું વધારે મહત્વપૂર્ણ ગણે છે, પરંતુ સત્તા ભૂખ્યા કોંગ્રેસી નેતાઓ એ દિવસોમાં કઈ હદે સત્તાનો દુરુપયોગ કરતા હતા એ વિશે લોકોને જાણકારી આપતા નથી.
આ ઉપરાંત એ વાતનો ઉલ્લેખ પણ કરવો જોઈએ કે શ્રીમતી ગાંધીના નિરંકુશ શાસન વિરૂદ્ધ લોકશાહી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓના નામ ઇતિહાસના પાનાંઓમાં કેવી રીતે ગુમ થઈ ગયા. હકીકતમાં સ્વતંત્રતા આંદોલન પછી આ સૌથી મોટો સંઘર્ષ હતો, જેમાં રાજકીય અને બિનરાજકીય એમ બંને ક્ષમતાઓ સત્તાભૂખ્યા કોંગ્રેસના શાસનને હરાવવા માટે એક થયા હતા. આજે લોકો નાનાજી દેશમુખ, જયપ્રકાશ નારાયણ, નાથાલાલ જગડા, વસંત ગજેન્દ્ર ગડકર, પ્રભુદાસ પટવારી વગેરેને પસંદ કરે છે, જેમણે લોકોને એક કર્યા હતા (નામોની યાદી લાંબી છે), પણ સમયની સાથે તેમનું બલિદાન વીસરાઈ ગયું છે. તેઓ કટોકટીના વીસરાઈ ગયેલા નાયકો હતા. આ માટે આપણે “ધર્મનિરપેક્ષ મીડિયા”નો જ આભાર માનવો રહ્યો.
ગુજરાતે પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને હકીકતમાં તે કટોકટી વિરોધીઓ માટે આદર્શ બની ગયું હતું. તે ગુજરાતનું નવનિર્માણ આંદોલન હતું, જેમાં કોંગ્રેસને અહેસાસ થયો હતો કે કમ સે કમ ગુજરાતમાં તેમની સત્તા લાંબો સમય ટકી નહીં રહે. મોરબી કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ફૂડ બિલમાં વધારાનો કેવી રીતે વિરોધ કર્યો અને કેવી રીતે આ નવનિર્માણ સ્વરૂપે રાજ્યવ્યાપી આંદોલન બની ગયું એ શીખવા લાયક છે. હકીકતમાં ગુજરાતે જયપ્રકાશ નારાયણને પ્રેરણા આપી હતી અને તેમણે બિહારમાં આ પ્રકારનું આંદોલન શરૂ કરી દીધું હતું. તે દિવસોમાં ‘ગુજરાતનું અનુસરણ’ બિહારમાં લોકપ્રિય રૂઢિપ્રયોગ બની ગયો હતો. આ ઉપરાંત ગુજરાત વિધાનસભા ભંગ કરવા માટે બિનકોંગ્રેસી પરિબળોની માંગે બિહારમાં પણ બિનકોંગ્રેસી તાકાતોને પ્રોત્સાહન આપ્યું. તેનું કારણ હતું. એક વખત ઇન્દિરા ગાંધીએ પોતે કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનું વિઘટન કરવું તેમના માટે મોંઘું સાબિત થયું. ચિમનભાઈ પટેલની કોંગ્રેસ સરકારના પતન પછી ગુજરાતમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું (કોંગ્રેસ ક્યારેય ચૂંટણી ઇચ્છતી નહોતી, પણ મોરારજી દેસાઈના પ્રયાસોના પરિણામે કોંગ્રેસને રાજ્યમાં ચૂંટણીનું આયોજન કરવાની ફરજ પડી હતી).
ગુજરાતમાં પહેલી વખત બિનકોંગ્રેસી સરકારે મુખ્યમંત્રી બાબુભાઈ જે પટેલના નેતૃત્વમાં શપથ લીધા હતા. ગુજરાત સરકાર જનતા મોરચાની સરકાર તરીકે જાણીતી હતી. આ વાત ધ્યાન યોગ્ય છે કે એ દિવસોમાં ઇન્દિરા ગાંધી ગુજરાતના લોકોને ભરમાવવા દરેક ચાલ ચાલતા હતા. હકીકતમાં ઘણાં પ્રસંગો પર તેમણે “હું ગુજરાતની પુત્રવધુ છું” તેવી વાતો કરીને મત માગ્યા હતા (હું ગુજરાતની પુત્રવધુ છું એટલે તમારે મને સમર્થન આપવું જોઈએ). પણ શ્રીમતી ગાંધી થોડાઘણા અંશે જાણતાં હતાં કે ગુજરાતની ભૂમિ તેમની ભ્રામક રાજનીતિમાં આવવાની નથી.
ગુજરાતમાં જનતા મોરચાની સરકારને કારણે બહુ લોકોને કટોકટીના અત્યાચારોને ઘણો સામનો કરવો ન પડ્યો. અનેક કાર્યકર્તાઓ ગુજરાતમાં આવ્યા અને વસી ગયા. કટોકટીમાં ગુજરાત લોકશાહી માટે સંઘર્ષ કરતા લોકોનું આશ્રયસ્થાન બની ગયું. ઘણી વખત કેન્દ્ર સરકારને સહયોગ ન આપવા માટે ગુજરાતની જનતા મોરચાની સરકારને દોષિત ઠેરવી હતી. (અહીં સહયોગ ન કરવાનો અર્થ છે કે ગુજરાત સરકાર કોંગ્રેસવિરોધી બળોને વિખંડિત કરવામાં મદદ કરે, જે માટે ગુજરાતમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર તૈયાર નહોતી). કટોકટી દરમિયાન જ દેશને સેન્સરશિપનો અનુભવ થયો હતો.
કોંગ્રેસ દ્વારા સત્તાનો દુરુપયોગ એટલી હદે થતો હતો કે, જ્યારે ઇન્દિરા ગાંધીએ ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલને 15 ઓગસ્ટના દિવસે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થનાર તેમના ભાષણને સેન્સર કરવા માટે કહ્યું હતું. (તે દિવસોમાં સંબંધિત મુખ્યમંત્રી ઓલ ઇન્ડિયા રેડિયોના માધ્યમથી 15 ઓગસ્ટના રોજ પોતાના રાજ્યો માટે સંદેશ આપતા હતા) જ્યારે આ તમામ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી ત્યારે સંઘના એક પ્રચારકે દેશમાં લોકશાહી વ્યવસ્થા સ્થાપિત કરવા માટે રાતદિવસ એક કરવાનો નિર્ણય લીધો હતો અને આ માટે પોતાના જીવને પણ જોખમ મૂકવાની તૈયારી દાખવી હતી. તે કોઈ બીજા નહીં, પણ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હતા. સંઘના અન્ય પ્રચારકોની જેમ નરેન્દ્રભાઈને પણ આંદોલનો, સંમેલનો, બેઠકો, સાહિત્યનું વિતરણ વગેરે વ્યવસ્થા માટે જવાબદારી સુપરત કરવામાં આવી હતી. તે દિવસોમાં નાથાભાઈ જગડા અને વસંત ગજેન્દ્ર ગડકર સાથે નરેન્દ્રભાઈ સક્રિય થઈને કામ કરતા હતા. જ્યારે કટોકટી લાદવામાં આવી, ત્યારે સંઘ પાસે જ કોંગ્રેસના અત્યાચારોને નિષ્ફળ બનાવવા માટે સંગઠનાત્મક માળખું હતું તથા સંઘના તમામ પ્રચારકો તેના બળે જ તેમાં સામેલ થયા હતા. કટોકટી લાગુ કર્યા પછી કોંગ્રેસને અહેસાસ થયો હતો કે સંઘમાં કોંગ્રેસના અન્યાય સામે આંગળી ઉઠાવવાની ક્ષમતા અને બળ છે એટલે કોંગ્રેસ સરકારે કાયરતાપૂર્ણ પગલું લઈને સંઘ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.
જ્યારે સંઘના વરિષ્ઠ નેતા કેશવરાવ દેશમુખની ગુજરાતમાં ધરપકડ કરવામાં આવી ત્યારે સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. નરેન્દ્રભાઈ તેમની સાથે કામ કરવાના હતા, પણ દેશમુખની ધરપકડ થવાથી આવું શક્ય ન બન્યું. કેશવરાવની ધરપકડ થવાની જાણકારી મળ્યા પછી તરત નરેન્દ્રભાઈ સંઘના અન્ય વરિષ્ઠ આગેવાન નાથાલાલ જગડાને સ્કૂટર પર એક સુરક્ષિત જગ્યાએ લઈ ગયા. નરેન્દ્રભાઈને અહેસાસ થયો કે કેશવ દેશમુખ પાસે અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ હતા અને તેને ફરી મેળવવા જરૂરી છે, કારણ કે ભાવિ દિશા નક્કી કરવાનો નકશો એ કાગળિયામાં હતા. જ્યાં સુધી દેશમુખ પોલીસના પહેરામાં હતા, ત્યાં સુધી આવું શક્ય નહોતું. છતાં નરેન્દ્રભાઈએ પડકાર સ્વીકારી લીધો અને મણિનગરમાં એક સ્વયંસેવક બહેનની મદદથી તેને પુનઃપ્રાપ્ત કરવાની યોજના બનાવી. યોજના અનુસાર, આ મહિલાને દેશમુખને મળવા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. ઉપરાંત કટોકટી દરમિયાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સ્વતંત્ર પ્રેસને સેન્સર કરવાનો નિર્ણય પણ લીધો હતો. અનેક પત્રકારોની મીસા અને ડીઆઈઆર અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત પ્રસિદ્ધ બ્રિટિશ પત્રકાર માર્ક ટુલી સહિત ભારત આવેલા ઘણાં વિદેશી પત્રકારો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. સાચી જાણકારી ન મળે તેવી પૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે મુખ્ય રાજકીય વિરોધીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. આ સમયે સૂચનાનો પ્રસાર લગભગ અશક્ય થઈ જશે તેવું લાગતું હતું. પણ આ દરમિયાન નરેન્દ્રભાઈ અને સંઘના પ્રચારકોએ આ ભગીરથ કાર્ય પાર પાડવાની જવાબદારી લીધી.
નરેન્દ્રભાઈએ માહિતી ફેલાવવા અને સાહિત્યનું વિતરણ કરવાના નવીન માર્ગનો ઉપયોગ કર્યો હતો. બંધારણ, કાયદો, કોંગ્રેસ સરકારના અત્યાચારો વિશેની માહિતી ધરાવતા સાહિત્યને ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં પસાર થતી ટ્રેનોમાં મૂકવામાં આવતું હતું. આ કામમાં જોખમ હતું, કારણ કે રેલવે પોલીસ ફોર્સને શંકાસ્પદ લોકોને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પણ નરેન્દ્રભાઈ અને અન્ય પ્રચારકોએ અપનાવેલી ટેકનિક અસરકારક નીવડી. સંઘ પર પ્રતિબંધ હોવાથી અને મોટા પાયે સેન્સરશિપ હોવાથી સંઘના સ્વયંસેવકોને સંબંધિત જિલ્લાઓમાં તૈયાર કરવા અને જન સંઘર્ષ સમિતિઓનો ભાગ બનાવવાનો નિર્ણય લેવાયો. આ સમયે નરેન્દ્રભાઈએ આંદોલન માટે સંપૂર્ણ યોગદાન આપવાનો નિર્ણય લેનાર સ્વયંસેવકોના પરિવારોની સહાયતા કરવાની જરૂરિયાત અનુભવી. નરેન્દ્રભાઈએ એ લોકોની ઓળખ કરવાની પહેલ કરી, જેઓ સ્વયંસેવકોના પરિવારોની સહાયતા કરશે.
જ્યારે પોલીસને સંઘની પ્રવૃત્તિઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી, ત્યારે નરેન્દ્રભાઈ ભૂગર્ભ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ સમયે ગુપ્ત બેઠકો મણિનગરમાં યોજવામાં આવી હતી. નરેન્દ્રભાઈએ આ કામને બહુ સારી રીતે કર્યું હતું. જ્યારે નરેન્દ્રભાઈ સક્રિય રીતે કોંગ્રેસ સરકારના અત્યાચારો સામે ભૂગર્ભ આંદોલનમાં સામેલ થયા હતા, ત્યારે તેઓ પ્રભુદાસ પટવારીના સંપર્કમાં આવ્યા. તેમણે નરેન્દ્ર ભાઈને પોતાના ઘરે આવવા કહ્યું, જ્યાં તેમની મુલાકાત જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે થઈ હતી. તેઓ પણ કટોકટી વિરોધી આંદોલનના સિપાહી હતા. જ્યોર્જ ફર્નાન્ડિસ મુસ્લિમ બિરાદરના વેશમાં હતા. તેઓ નરેન્દ્ર ભાઈને મળ્યા અને પોતાની યોજના વિસ્તૃતપણે જણાવી. આ સમયે નરેન્દ્રભાઈએ જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે નાનાજી દેશમુખની બેઠકમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. નરેન્દ્રભાઈ અને નાનાજી સાથે બેઠક દરમિયાન તેમણે ઇન્દિરા ગાંધીના અત્યાચારો સામે સશસ્ત્ર સંઘર્ષ કરવા પોતાની યોજના રજૂ કરી, પણ નાનાજી અને નરેન્દ્રભાઈએ યોજનામાં સાથ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેઓ અહિંસક આંદોલનના હિમાયતી હતા. જોકે ઇન્દિરા ગાંધીના અત્યાચારો હિંસક હોય તેવી શક્યતા હતી. કટોકટીના દિવસોમાં ભારત સરકારે પોતાના પ્રચારના મશીન સ્વરૂપે ઓલ ઇન્ડિયા રેડિયોને મહત્તમ ઉપયોગ કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારના ભયાનક કૃત્યોને છાવરવા માટે તેનો ઉપયોગ થતો હતો. જનતા આકાશવાણી દ્વારા આ રીતે ખોટી માહિતી ફેલાવવાના વલણથી નિરાશ થઈ હતી. આ જ સમયે શાંતિપૂર્ણ જન આંદોલન આકાશવાણીની બહાર કરવામાં આવ્યું હતું, જ્યાં જન સંઘર્ષ સમિતિના સભ્યો લોકોને સૂચના આપવા બંધારણ, કાયદો અને અન્ય સાહિત્યનું પઠન કરતા હતા.
સંઘના અન્ય પ્રચારકોની જેમ નરેન્દ્ર ભાઈ પણ જન સંઘર્ષ સમિતિને સમર્થન પ્રદાન કરવાની સાથે જ લોકોને એકજૂથ કરવામાં સામેલ થયા હતા. કટોકટી સુધી સંઘ એકમાત્ર સંસ્થા હતી, જેની પાસે આયોજનબદ્ધ રીતે આંદોલન કરવા માટે તંત્ર અને માળખું હતું. આજે પણ આપણે બધા મીડિયાના પક્ષપાતપૂર્ણ દ્રષ્ટિકોણ અને કોંગ્રેસ પ્રત્યે કૂણાં વલણથી પરેશાન થઈ જઈએ છીએ. કટોકટી કોંગ્રેસ દ્વારા સત્તાના દુરુપયોગ અને પોતાના સ્વાર્થી પ્રચાર માટે સૂચના પ્લેટફોર્મનો ઉપયોગનું સાક્ષી છે. (આ આપણને યાદ અપાવે છે કે જ્યારે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો, ત્યારે કેવી રીતે ઓલ ઇન્ડિયા રેડિયોએ સંપૂર્ણપણે એન ટી રામારાવ વિશેની સૂચના બ્લેક આઉટ કરી હતી. જ્યારે આંધ્રપ્રદેશના રાજ્યપાલે શપથગ્રહણ માટે આમંત્રણ આપ્યું હતું ત્યારે દેશને એન ટી રામારાવ નામની વ્યક્તિ વિશે જાણકારી મળી હતી). નરેન્દ્રભાઈને પણ નેતાઓ વિશે જાણકારી આપવા માટે સામેલ કરવામાં આવ્યા હતા, જેમને સરકારે કેદ કર્યા હતા. નરેન્દ્રભાઈ વેશ બદલવામાં માહેર હતા. ધરપકડનું જોખમ હોવા છતાં તેઓ વેશ બદલીને જેલ જતા હતા અને જેલમાં નેતાઓ માટે મહત્વપૂર્ણ જાણકારીઓ પહોંચાડતા હતા. પોલીસ પણ તેમને એક વખત ઓળખવામાં થાપ ખાઈ ગઈ હતી. તે દિવસોમાં ‘સાધના’ નામના સામાયિકે કટોકટી અને સેન્સરશિપ વિરૂદ્ધ સાહસ દેખાડવાનો નિર્ણય કર્યો હતો. સંઘનું માળખું આ સામાયિક ઘરેઘરે પહોંચતું કરવામાં ઉપયોગી પુરવાર થયું હતું અને અન્ય પ્રચારકોની જેમ નરેન્દ્ર ભાઈ પણ તેમાં સામેલ હતા.
કટોકટીના દિવસોમાં નરેન્દ્રભાઈ સહિત સંઘના પ્રચારકોએ ઇન્દિરા ગાંધીની સરકારના અત્યાચારો વિરૂદ્ધ ઘણાં આંદોલનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. તે દિવસોમાં સંઘ સમર્થિત સંઘર્ષ સમિતિ દ્વારા ‘મુક્તિ જ્યોતિ’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ એક સાયકલ યાત્રા હતી, જેમાં ઘણાં પ્રચારકોએ ભાગ લીધો હતો અને લોકશાહીના સંદેશનો પ્રચાર કરવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા હતા. બહુ થોડા લોકો જાણે છે કે આ યાત્રાને નડિયાદમાં લીલી ઝંડી આપનાર બીજું કોઈ નહીં, પણ સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી શ્રી મણિબહેન પટેલ હતા (કમનસીબી છે કે દેશ નેહરુ ગાંધી પરિવારની દરેક પેઢી વિશે જાણે છે, ત્યારે આઝાદીના આંદોલનમાં ભાગ લેનાર અન્ય દિગ્ગજ પરિવારોના સભ્યોની હાલત વિશે કોઈને ખ્યાલ સુદ્ધાં નથી). આજે જે કોંગ્રેસ આઝાદીના આંદોલનમાં ભાગ લેવાનો દાવો કરે છે, એ જ કોંગ્રેસે મણિબહેન પટેલ જેવા લોકોને નજરઅંદાજ કર્યા છે. કે વી કામથ પોતાના પુસ્તકમાં નરેન્દ્ર ભાઈ વિશે બરોબર લખે છે કે, કટોકટીમાં જ લોકો નરેન્દ્ર ભાઈના પ્રતિભાશાળી કૌશલ્યથી પરિચિત થયા હતા. જોકે તેમણે નિઃસ્વાર્થ પ્રચારક સ્વરૂપે કામ કર્યું હતું. તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે, સંગઠન અને અન્ય પ્રચારકોને નાણાકીય સમસ્યાઓનો સામનો ન કરવો પડે. હું નજીકના ભવિષ્યમાં એક નવા નવનિર્માણના શરૂઆતની નિશાનીઓ જોવાની આશા સેવું છું....
કામથનું કહેવું ઉચિત છે કે, નરેન્દ્ર ભાઈએ પ્રચારકો માટે નાણાકીય સહાયની વ્યવસ્થા કરવાની સાથે અન્ય દેશોમાં રહેતા ભારતીયો સુધી કટોકટીના અત્યાચારોની સાચી અને ખરી માહિતી પહોંચે તેવી સુનિશ્ચિતા પણ કરી હતી. અત્યારે આપણે બધા નરેન્દ્ર ભાઈના સુશાસનના લાભનો અનુભવ કરી ચુક્યા છીએ, પણ કટોકટીની સ્થિતિમાં એક નિઃસ્વાર્થ કાર્યકર્તા સ્વરૂપે તેમના યોગદાનને સ્વીકારવું પણ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ગુજરાતે જનતા મોરચાની સરકાર અંતર્ગત સામાન્ય નાગરિકના અધિકારો જાળવી રાખવામાં સર્વશ્રેષ્ઠ પ્રદાન કર્યું હતું. અત્યારે રાષ્ટ્ર દબાણ હેઠળ છે અને કટોકટી જેવી સ્થિતિનું ભારતમાં નિર્માણ થયું છે તથા ભારતના લોકો ‘નવનિર્માણ’ના નવા આંદોલન માટે ગુજરાત અને નરેન્દ્ર ભાઈ તરફ જુએ છે, જે ભારતીયોને કોંગ્રેસના ભ્રષ્ટાચારી શાસનમાંથી મુક્ત કરશે. હું નજીકના ભવિષ્યમાં એક નવા નવનિર્માણની શરૂઆતની નિશાનીઓ જોવા મળશે તેવી ઇચ્છા રાખું છું.....