પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.
પ્રધાનમંત્રીએ સૌપ્રથમ વાતચીત તેલંગાણાનાં કરીમનગરનાં શ્રી એમ. મલ્લિકાર્જુન રેડ્ડી સાથે કરી હતી, જેઓ પશુપાલન અને બાગાયતી ખેતી સાથે પણ સંકળાયેલા છે. શ્રી રેડ્ડી બી ટેક ગ્રેજ્યુએટ અને એક સોફ્ટવેર કંપનીના ભૂતપૂર્વ કર્મચારી છે. પોતાની સફરનું વર્ણન કરતાં શ્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે, શિક્ષણે તેમને વધુ સારા ખેડૂત બનવામાં મદદ કરી છે. તે એક સંકલિત પ્રણાલીને અનુસરી રહ્યા છે જ્યાં તે પશુપાલન, બાગાયત અને કુદરતી ખેતી કરી રહ્યા છે. આ અભિગમનો મુખ્ય ફાયદો તેમના માટે નિયમિત દૈનિક આવક છે. તે ઓષધીય ખેતીમાં પણ છે અને પાંચ પ્રવાહોમાંથી આવક મેળવી રહ્યા છે. જ્યારે તેઓ ખેતીના પરંપરાગત મોનો એપ્રોચમાં 6 લાખની કમાણી કરી રહ્યા હતા ત્યારે હવે સંકલિત અભિગમ સાથે તેઓ વાર્ષિક 12 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે જે તેમની અગાઉની આવક કરતા બમણી છે.
શ્રી રેડ્ડીને આઇસીએઆર સહિત ઘણી સંસ્થાઓએ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ દ્વારા પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તેઓ સંકલિત અને કુદરતી ખેતીનો પ્રચાર પણ કરી રહ્યા છે અને નજીકના વિસ્તારોમાં ખેડૂતોને તાલીમ પણ આપી રહ્યા છે. તેમણે કિસાન ક્રેડિટ કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, ટપક સિંચાઈ સબસિડી અને ફસલ બીમાનો લાભ લીધો હતો. પ્રધાનમંત્રીએ તેમને કેસીસી પર લેવામાં આવેલી લોન પરના તેમના વ્યાજ દરની તપાસ કરવા જણાવ્યું હતું કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વ્યાજ સબસિડી પ્રદાન કરે છે.
પ્રધાનમંત્રીએ તેમને વિદ્યાર્થીઓને મળવા અને શિક્ષિત યુવાનોને કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમની બે પુત્રીઓ સાથે પણ વાતચીત કરી હતી. શિક્ષિત યુવાનોએ ખેતીમાં હાથ ધરવા બદલ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "તમે ખેતીમાં રહેલી શક્યતાઓનું એક મજબૂત ઉદાહરણ છો." જ્યારે તેમણે ખેતી પ્રત્યેનાં તેમનાં સંકલિત અભિગમની પ્રશંસા કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમનું કાર્ય અન્ય ખેડૂતોને પ્રેરિત કરશે. પ્રધાનમંત્રીએ શ્રી રેડ્ડીની પત્નીના ત્યાગ અને ઉદ્યોગસાહસિકને સાથસહકાર આપવા બદલ તેમની પ્રશંસા કરી હતી.