પ્રધાનમંત્રીને પ્રાપ્ત થયેલી ભેટસોગાદોનું પ્રદર્શન કમ ઇ-હરાજી આજે 24 ઓક્ટોબરનાં રોજ પૂર્ણ થઈ હતી. આ હરાજીને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને હજારો બિડ મળી હતી. આ ઇ-હરાજીમાંથી પ્રાપ્ત થનારી બધી જ રકમ નમામિ ગંગે અભિયાનનાં ભંડોળમાં દાનમાં આપવામાં આવશે.
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે 14 સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રીને પ્રાપ્ત થયેલી કુલ 2772 ભેટસોગાદોનું વેચાણ કરવા ઇ-હરાજીનું આયોજન કર્યું હતું. નવી દિલ્હીમાં નેશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટમાં આ ચીજવસ્તુઓ રાખવામાં આવી હતી. આ ભેટસોગાદોમાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ અને સ્મૃતિચિહ્નો સામેલ હતા, જેમાં પેઇન્ટિંગ્સ, શાલ, જેકેટ અને સંગીતનાં પરંપરાગત વાદ્યો પણ સામેલ હતા.
શરૂઆતમાં ઇ-હરાજી 3 ઓક્ટોબર સુધી જ હતી. જોકે લોકોનાં જબરદસ્ત પ્રતિસાદને ધ્યાનમાં રાખીને અને વધુ લોકોને સહભાગી થવાની વિનંતીને ધ્યાનમાં રાખીને હરાજીની પ્રક્રિયા વધુ ત્રણ અઠવાડિયા લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. અત્યાર સુધી હરાજીમાં સામેલ આ તમામ ચીજવસ્તુઓનું વેચાણ થઈ ગયું છે. સેલિબ્રિટીઓ, રાજકારણીઓ અને કાર્યકર્તાઓએ હરાજીમાં રસ દાખવ્યો છે, જેમાં બોલીવૂડનાં સ્ટાર અનિલ કપૂર, અર્જુન કપૂર અને ગાયક કૈલાશ ખેર જેવા લોકો સામેલ છે.
પ્રદર્શનમાં મૂકવામાં આવેલી ચીજવસ્તુઓની બેઝ પ્રાઇસ રૂ. 500 હતી, જે ભગવાન ગણેશની નાની પ્રતિમા અને કમળ આકારનાં લાકડાનાં સુશોભિત બોક્સ જેવી ચીજવસ્તુઓ માટે હતા. સૌથી ઊંચી બેઝ પ્રાઇસ રૂ. 2.5 લાખ હતી, જે મહાત્મા ગાંધી સાથે તિરંગાની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રીનાં એક્રેલિકનાં પેઇન્ટિંગ માટે નિશ્ચિત હતી, તેના માટે રૂ. 25 લાખની ફાઇનલ બિડ મળી છે.
પોતાની માતાનાં આશીર્વાદ લેતાં પ્રધાનમંત્રીનાં ફ્રેમ ફોટોગ્રાફની બેઝ પ્રાઇસ રૂ. 1000 હતી, તેની ફાઇનલ બિડ રૂ. 20 લાખની મળી હતી. હરાજીમાં લોકપ્રિય થયેલી અન્ય ચીજવસ્તુઓમાં મણિપુરી લોકકળાની ચીજવસ્તુઓ (ઓરિજિનલ બેઝ પ્રાઇઝ રૂ. 50,000, વેચાણ માટે પ્રાપ્ત થયેલી બિડ રૂ. 10 લાખ), વાછરડાને પેટ ભરાવતી ગાયની મેટલિકની પ્રતિમા (બેઝ પ્રાઇઝ રૂ. 4,000, વેચાણ માટે પ્રાપ્ત થયેલી બિડ રૂ. 10 લાખ) અને સ્વામી વિવેકાનંદની 14 સેમીની ધાતુની પ્રતિમા (બેઝ પ્રાઇસ રૂ. 4,000, જેની ફાઇનલ પ્રાઇસ રૂ. 6 લાખ મળી છે) સામેલ હતી.