યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકના પ્રેસિડન્ટ ડો. વર્નર હોયર આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની સાથે બેંકના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.
પ્રધાનમંત્રી વર્ષ અગાઉ યુરોપિયન યુનિયન-ભારત સમિટમાં યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને મળ્યા હતા તથા દિલ્હીમાં બેંકની રિઝનલ ઓફિસ સ્થાપિત કરવા સાથસહકારની ખાતરી આપી હતી.
આજે વાતચીતમાં પ્રધાનમંત્રીએ ભારતની આબોહવામાં ફેરફાર અને સ્થાયી પર્યાવરણના ક્ષેત્રોમાં નીતિઓ સમજાવી હતી. યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકએ લખનૌ મેટ્રો સહિત ભારતમાં પર્યાવરણને અનુકૂળ હોય એવા પ્રોજેક્ટ્સને એક અબજ યુરોનું ધિરાણ કર્યું છે.
ડો. હોયરે આબોહવામાં ફેરફારના ક્ષેત્રમાં ભારતની મજબૂત અને સક્રિય પહેલોની પ્રશંસા કરી હતી તથા આ દિશામાં ભારતના પ્રયાસો માટે બેંક સતત સાથસહકાર આપશે તેવું જણાવ્યું હતું.