દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકારને ગરીબની થાળીમાં બે ટંક ભોજન માટે કેટલા પૈસા જોઇએ તેની પણ સંવેદના નથી - ગરીબોની ક્રુર મજાક કરનારી કોંગ્રેસ સરકારે પાછલા દશ વર્ષના શાસનમાં દેશને તબાહીની દશામાં મૂકી દીધો છે
કેન્દ્રના કોંગ્રેસના આ શાસનમાં કોલસા કૌભાંડની ફાઇલો જ નહીં આખી સરકાર- દેશની તિજોરી- દેશનો ઇમાન બધું ખોવાઇ ગયું છે : નરેન્દ્ર ભાઇ મોદી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં વિકાસયાત્રાના સમાપનમાં ઉમટેલી વિશાળ જનમેદનીને આહવાન કરતા જણાવ્યું કે રાજકીય છુતઅછુતના ભેદ રાખનારી અને અહંકારના સાતમાં આસમાને રાચનારી કેન્દ્રંની કોંગ્રેસ સલ્તનતને દેશમાંથી ઉખાડી ફેકવાનું બિડું જનતા લોકતાંત્રિક પ્રક્યિા એવી ચૂંટણીઓના માધ્યમથી ઉઠાવે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના કોંગ્રેશાસિત રાજ્યો અને ભાજપા-એન.ડી.એ. શાસિત રાજ્યોની કાર્યશૈલી, નિર્ણયપ્રક્યિા અને શાસન ચલાવવાની પધ્ધતિની તુલના કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે ભાજપા-એન.ડી.એ. શાસિત રાજ્યો સુશાસન-નિર્ણયપ્રક્રિયામાં સૌની ભાગીદારી અને સામાન્યમાં સામાન્ય- નાગરિકને વિકાસમાં જોડીને શ્રેષ્ઠ પૂરવાર થઇ રહી છે. જ્યારે દિલ્હીની કેન્દ્ર સરકાર સંવેદનાહિન, માનવતાહિન, અને ગરીબોના ઘા ઉપર મીઠું ભભરાવનારી અહંકારી તથા જનવિમૂખ સરકાર બની ગઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબોની ક્રુર મજાક કરનારી કેન્દ્ર સરકારને આડે હાથ લેતા સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે પ્રધાનમંત્રીશ્રી જેના અધ્યક્ષ છે તેવું આયોજનપંચ દેશના ગરીબને જીવવા માટે રૂપિયા ૩ર ની રોજની આવક પૂરતી છે તેમ કહે છે અને સરકારના મંત્રીઓ પણ તેને સમર્થન આપે છે ત્યારે સવાલ એ થાય છે કે જે સરકાર ગરીબની થાળીમાં ભોજન કેટલા રૂપિયામાં પડે છે તે પણ સમજવાની સંવેદના ન ધરાવતી હોય તેવી સરકાર દેશને શું સારૂં શાસન આપી શકવાની? કેન્દ્રની વર્તમાન સરકારના પાછલા દશ વર્ષના કુશાસનમાં આઝાદીના ૬૦ વર્ષોમાં ન થઇ હોય તેવી તબાહી દેશની થઇ છે. દેશ આર્થિક સંકટોમાં ધકેલાઇ ગયો છે. માત્ર કોલસા કૌભાંડની ફાઇલો જ નહીં, આખી સરકાર ખોવાઇ ગઇ છે, તિજોરીમાંથી પૈસો ખોવાઇ ગયો છે, દેશનો ઇમાન ખોવાઇ ગયો છે અને છતાં સરકાર સંકટોમાંથી બહાર આવવાના ઉપાયો શોધવાને બદલે પોતાની ખૂરશી બચાવવાના રાજકીય દાવપેચમાં રચીપચી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ છત્તીસગઢના વિકાસને નવી ઊંચાઇઓ પર લઇ જવાનું સામર્થ્ય દિલ્હી્ની કેન્દ્ર ના દરબારમાં ઝૂકીને નહીં પરંતુ જનતાના ભરોસે પાર પાડનારા છત્તીસગઢ પ્રશાસન અને ભાજપા સરકારની આ ઉત્તમ કાર્યશૈલીમાંથી બોધપાઠ લેવા કોંગ્રેસને જણાવ્યું હતું. ભાજપા શાસિત રાજ્ય સરકારો ગરીબી નિર્મૂલન માટે કોંગ્રેસના જ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દીરા ગાંધીએ આપેલા ર૦ મૂદાના અમલીકરણમાં પ્રથમ પાંચ ક્રમે રહેતી આવી છે તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહયું કે કોંગ્રેસ પક્ષની જ સરકારો તેમના જ નેતાના આ કાર્યક્રમને ભૂલી ગઇ છે અને હવે ઇન્દીરાજીની ત્રીજી પેઢીના યુવા નેતા તો ગરીબીને મનોસ્થિતી ગણે છે. ગરીબોની આવી મજાક કરનારી કોંગ્રેસના નેતાઓ આ અંગે શરમથી લાજતા પણ નથી.
સુશાસન, વિકાસ અને યુવાનોને રોજગારી, મહિલાઓની સુરક્ષા આત્મસન્માન, ગરીબોને રોજી-રોટી આ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટી શાસિત સરકારો જનતાની કસોટીની એરણે પાર ઉતરી છે તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ હિન્દુસ્તાનનું માન-સન્માન અને જગદગુરૂનું સ્થાન મેળવવા, સંકટો અને આર્થિક તબાહીમાંથી દેશને બચાવવા હવે કોંગ્રેસને દિલ્હીની ગાદી પરથી ઉખાડી ફેકવી અને દેશવટો આપવો તે સમયની માંગ છે તેવું આહવાન કરતા યુવાનોને લોકતાંત્રિક પ્રક્રિયા એવી ચૂંટણીમાં મતદાન માટે મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવા અને ૧૮ વર્ષથી ઉપરના યુવા મતદારોને મતદાર નોંધણીને અભિયાન રૂપે ઉપાડવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
ભાજપા અધ્યક્ષશ્રી રાજનાથસિંહજી, છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રી ડો. રમણસિંહ અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તથા સાંસદો-ધારાસભ્યો-પદાધિકારીઓ વગેરે પણ આ રેલીમાં ઉપસ્થિેત રહયા હતા.
છત્તીસગઢની જનતા જનાર્દને શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્મા-ભર્યું અભિવાદન કર્યું હતું.