મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ. ર્ડા. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૧૦મી જન્મજ્યંતિએ આજે ગાંધીનગર વિધાનસભા પોડિઅમમાં ર્ડા. શ્યામાપ્રસાદના તૈલચિત્ર તસ્વીર સમક્ષ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષશ્રી ગણપતભાઇ વસાવા અને મંત્રીમંડળના તમામ સભ્યો, સંસદીય સચિવશ્રીઓ તથા ધારાસભ્યો અને ભાજપાના પદાધિકારીશ્રીઓએ પણ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આઝાદી પછી ભારતની એકતા અને અખંડિતતા માટે બલિદાન આપનારા દેશના પ્રથમ મહાપુરૂષ તરીકે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે કાશ્મીર જાણે કે હિન્દુસ્તાનનો હિસ્સો જ ના હોય એમ, તે સમયે કાશ્મીરમાં પ્રવેશ માટે પરમીટ પ્રથા હતી, કાશ્મીરનો રાષ્ટ્રધ્વજ જૂદો હતો અને બંધારણ અલગ હતું, તેની સામે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીએ આંદોલન કરેલું અને એક જ દેશમાં ‘‘દો વિધાન, દો નિશાન, દો પ્રથા નહીં ચલેગી'' -એવા નારા સાથે આ કાળા કાયદાનો ભંગ કરી કાશ્મીરમાં પ્રવેશ્યા હતા, પરંતુ રહસ્યમય સંજોગોમાં તેમનું મૃત્યુ થયેલું. આઝાદી માટે જીવન ખપાવી દેનારા આ મહાપુરૂષે, ભારતની એકતા માટે પણ પોતાનું બલિદાન આપી દીધું. એમના જીવનમાંથી દેશની એકતા માટે પ્રેરણા લેવાની છે એમ તેમણે જણાવ્યું હતું.