આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના મહાનિદેશક શ્રી રાફેલ મારિયાનો ગ્રોસીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ શાંતિ અને વિકાસ માટે અણુ ઊર્જાના સલામત અને સુરક્ષિત ઉપયોગ માટે ભારતની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ દેશના ઊર્જા મિશ્રણના ભાગરૂપે પર્યાવરણને અનુકૂળ પરમાણુ ઊર્જા ઉત્પાદન ક્ષમતાના હિસ્સાને વધારવાના ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોની વહેંચણી કરી હતી.
ડાયરેક્ટર જનરલ ગ્રોસીએ ભારતના દોષરહિત રેકોર્ડને જવાબદાર પરમાણુ શક્તિ તરીકે બિરદાવ્યો હતો. તેમણે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની પ્રગતિની પ્રશંસા કરી હતી, ખાસ કરીને સ્વદેશી પરમાણુ ઊર્જા પ્લાન્ટનાં વિકાસ અને તેની સ્થાપના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સામાજિક લાભ માટે નાગરિક પરમાણુ કાર્યક્રમોમાં ભારતની વૈશ્વિક નેતૃત્વની ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો. તેમાં પરમાણુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતે કરેલી નોંધપાત્ર પ્રગતિનો સમાવેશ થાય છે, જે માનવજાત સામેના પડકારોનું સમાધાન કરે છે, જેમાં આરોગ્ય, ખાદ્ય, જળ શુદ્ધિકરણ, પ્લાસ્ટિક પ્રદૂષણ અને આબોહવામાં પરિવર્તન સાથે સંબંધિત પડકારો સામેલ છે.
સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ અને મિર્ક્રો-રિએક્ટર્સ સહિત ચોખ્ખી શૂન્ય પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવામાં અણુ ઊર્જાની ભૂમિકાના વિસ્તરણ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.
ડાયરેક્ટર જનરલ ગ્રોસીએ આઇએઇએ અને ભારત વચ્ચે ઉત્કૃષ્ટ ભાગીદારી માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે તાલીમ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે ભારતની પ્રશંસા કરી હતી, જેણે ઘણાં દેશોને મદદ કરી છે. બંને પક્ષોએ ભારત અને આઇએઇએ વચ્ચે વૈશ્વિક દક્ષિણમાં નાગરિક પરમાણુ ટેકનોલોજી એપ્લિકેશન્સનો વિસ્તાર કરવા માટે સહકારનાં માર્ગો શોધવા સંમતિ વ્યક્ત કરી હતી.