મુખ્યમંત્રીશ્રી ચીનમાં શાંઘાઇ
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ઉદ્યોગ વેપારક્ષેત્રના વરિષ્ઠ આગેવાનો સાથે શાંઘાઇના યાંગશાન ડીપ વોટર પોર્ટની મુલાકાત લઇ બંદર વિકાસની આધુનિક ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું .
વિશાળ દરિયાકાંઠો ધરાવતા બંદર આધારિત વિકાસમાં વિકાસ વ્યુહને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતને વિશ્વવેપારનું ભારતનું પ્રવેશદ્વાર તથા યુરોપ અને એશિયા વચ્ચેનું કેન્દ્રબિંદુ બનાવવાનું વિઝન સાકાર કરાશે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના ઉદ્યોગ વેપાર ક્ષેત્રના અગ્રણીઓના ડેલીગેશને આજે ગુરૂવારે ચીનના પ્રવાસ દરમિયાન શાંઘાઇના દરિયાઇ માર્ગે વિશ્વવેપારના ક્ષેત્રે વિશ્વખ્યાત યાંગશાન ડીપ વોટર પોર્ટ ની મુલાકાત લીધી હતી.યાંગટીઝ રિવર કેન્ટા રીજીયનના ઇસ્ટ ચાઇના સીકોસ્ટના સૌથી વધુ ઊંડાઇ ધરાવતા ડીપ વોટર પોર્ટ તરીકે યાંગશાનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને શાંઘાઇ ઇન્ટરનેશનલ શિપીંગ સેન્ટર દ્વારા ૨૦૦૨માં આ ડીપ વોટર પોર્ટનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું તથા ૨૦૦૫ના ડિસેમ્બરથી ૭૨ કિલોમીટરના દરિયાકાંઠે પથરાયેલું આ પોર્ટ ૧૬ જેટલા ડીપ વોટર ઓલ વેધર બર્થ ધરાવે છે અને ૨૦ મિલીયન ટન કન્ટેઇનર કાર્ગો ટ્રાફિક વહન કરે છે.
મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના પ્રતિનિધિ મંડળ આજે બૈઇન્જીગનો અત્યંત સફળ પ્રવાસ સંપન્ન કરીને શાંઘાઇ વોટર પોર્ટ આવી પહોંચ્યા હતા અને યાંગશાન પોર્ટની મુલાકાત લીધી હતી. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના વિશાળ દરિયાકાંઠા ઉપર ત્રણ મુખ્ય બંદરો સહિત ૪૫ બંદરો ધમધમી રહ્યા છે અને બંદર વિકાસના ખાનગીકરણની પહેલ સાથે ગુજરાત ભારતના દરિયાઇ માર્ગે વિશ્વવેપારનું પ્રવેશદ્વાર બન્યું છે. દેશનો ૭૦ ટકાથી અધિક ખાનગી કાર્ગો ટ્રાફિક ગુજરાતના બંદરોથી પરિવહન થાય છે.
ગુજરાતનો સમુદ્ર કિનારો એશિયા, યુરોપ અને ગલ્ફના દેશો વચ્ચે વિશ્વવેપારનું કેન્દ્રબિંદુ બની ગયો છે. ભારતના બંને એલએનજી ટર્મિનલ ગુજરાતના હજીરા અને દહેજમાં ધમધમતા થયા છે. આ ઉપરાંત બે એલએનજી ટર્મિનલ પણ આકાર લઇ રહ્યા છે.
તદ્ઉપરાંત દહેજ બંદર કેમિકલ ટર્મિનલ પોર્ટ તરીકે વિકસી રહ્યું છે જ્યારે શિપ બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ ગુજરાત વિશ્વનું આકર્ષણ બની ગયું છે. છેલ્લા ૧૦ વર્ષમાં બંદર આધારિત વિકાસ વ્યુહમાં નવું વિઝન ઉમેરીને ગુજરાતમાં ન્યુ પોર્ટ સિટી પણ આકાર લઇ રહ્યા છે. ધોલેરા એસઆઇઆર નિર્માણ શાંઘાઇ મોડેલ આધારિત થવાનું છે તે દ્રષ્ટિએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ઉદ્યોગ વેપારના અગ્રણીઓના પ્રતિનિધિ મંડળની યાંગશાન ડીપ વોટર પોર્ટ ની આ નિરીક્ષણ મુલાકાત ખૂબ જ મહત્વની બની હતી.મુખ્યમંત્રીશ્રીએ ચીનમાં સ્થાયી થયેલા ભારતીય સમાજોના પરિવારો સાથે આજે શાંઘાઇમાં સ્નેહમિલન પણ યોજ્યું હતું. જેમાં તેમણે ગુજરાતના વિકાસના નવિનતમ આયામોના સિદ્ધિ સોપાનો અને ૧૦ વર્ષના સ્થાયી શાસનમાં જનશક્તિના સમર્થનથી ગુજરાતે દેશ અને દુનિયામાં વિકાસયાત્રાના મોડલ તરીકે ધ્યાન આકર્ષિત કયુઁ છે તેની ભૂમિકા પણ આપી હતી.