મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તર ગુજરાતના રણકાંઠાના પ્રદેશમાં સૂર્યશકિતથી વિરાટ ઊર્જા પેદા કરવાનો સોલાર એનર્જી પાર્ક આકાર લેવાનો છે તેનો નિર્દેશ આપતાં આજે જણાવ્યું હતું કે નર્મદાના પાણી અને સૂર્યઊર્જા ઉત્તર ગુજરાતની સૂકી ધરતી માટે સમૃદ્ધિના નવા અવસરો ઉભા કરશે.
‘‘આપણે ગરીબી સામે આક્રમણ કર્યું છે અને સહિયારા પુરૂષાર્થથી ગરીબીનું કલંક ભૂંસી નાંખીને, પ૦ વર્ષના ગુજરાતની આવતીકાલ સ્વર્ણિમ બનાવવી છે'' એમ તેમણે થરાદમાં જણાવ્યું હતું.
ગુજરાતના સરહદી પ્રદેશ બનાસકાંઠાના થરાદના રણકાંઠામાં આજે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ગરીબ-વંચિત લાભાર્થીઓની સાથે વિરાટ માનવ મહેરામણ ઉમટયો હતો. ગરીબીમાંથી ઉપર ઉઠવા માટેની ઝંખના સાથે આવેલા ૯ર૦૦૦થી વધારે ગરીબ લાભાર્થીઓને એકંદર રૂ. ૬૮ કરોડની સરકારની વિવિધલક્ષી સહાય-સાધનો અને હક્કના લાભો હાથોહાથ મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ સર્વશ્રી નરોત્તમભાઇ પટેલ, આનંદીબેન પટેલ, નીતિનભાઇ પટેલ, ફકીરભાઇ વાઘેલા, રાજ્યમંત્રીશ્રીઓશ્રી પરબતભાઇ પટેલ, શ્રી વાસણભાઇ આહીર અને શ્રી જયસિંહજી ચૌહાણ સહિતના મહાનુભાવોએ આપ્યા હતા.
બનાસકાંઠાના થરાદ, વાવ, કાંકરેજ, ડીસા, ભાભર અને દિઓદર તાલુકાઓમાંથી ઉમટેલા વિરાટ જનસમૂદાયની ગરીબીમાંથી ઉપર ઉઠવાની આ જનશકિતને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે રાજકારણમાં સત્તા મેળવીને ૩૦૦૦ દિવસનો લાંબામાં લાંબો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો અવસર આ જનતા જનાર્દને આપ્યો છે છતાં તેની ઉજવણી કરી નથી અને ભૂતકાળના જૂના ચીલા ચાતરીને, ગરીબોની સેવા કરવાનો અવસર ગણીને આ ગૌરવના સાચા હક્કદાર તરીકે ઋણ સ્વીકાર કરૂં છું.
ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીના પ૦ વર્ષની ઉજવણી પણ સાથોસાથ આવી છે ત્યારે, હાર-તોરાની સન્માન ઉજવણીને બદલે પ૦ જેટલા ગરીબ કલ્યાણ મેળા યોજીને ગરીબી સામેની લડાઇનું અભિયાન ઉપાડયું છે, એમ તેમણે જણાવ્યું હતું.
‘‘ગરીબીમાં જ જીવવા માટે કોઇની ઇચ્છા નથી હોતી અને દેશ આઝાદ થયા પછી ગરીબને ‘‘ઓટલો'' અને ‘‘રોટલો'' મળવાની આશા હતી તે ૬૦ વર્ષો પછી પણ ઠગારી નીવડી છે પરંતુ ગરીબના હક્કોની યોજનાના લાભો અપાવવાના નામે ‘ઝોળાછાપ ખાઉટોળકી'ના કારોબારને ડામી દેવા આ સરકારે ગરીબ કલ્યાણ મેળા જિલ્લે-જિલ્લે યોજીને ગરીબને તેના હક્કો પૂરેપૂરા પહોંચાડવા પ્રતિબદ્ધ છે તેવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
બનાસકાંઠાની સૂકી ધરતીને ધૂળની ડમરી, ધોમધખતા તાપ અને રણની રેતી આપના સપનાને સૂકવી નાંખતા હતા તે બદલીને હવે નર્મદાના પાણી ખેતરે-ખેતરે પહોંચાડીને નર્મદાથી ખેતીની સમૃદ્ધિ અને સૂર્યશકિતથી ઊર્જા પેદા કરીને બનાસકાંઠા-પાટણ જિલ્લામાં ઉદ્યોગો અને આર્થિક વિકાસના નવા અવસરો ઉભા થવાના છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકતાં જણાવ્યું કે શિક્ષણનો દીવો ઘેર-ઘેર પ્રગટાવીને આ સરકારે ગરીબો અને વંચિતોના સંતાનોને શિક્ષણની સુવિધા આપવા શાળા પ્રવેશોત્સવથી ગુણોત્સવ સુધીનો પુરૂષાર્થ કર્યો છે. ગરીબી સામે લડવા માટે શિક્ષણનું હથિયાર લઇને અને સરકારની યોજનાના લાભો મેળવીને ગરીબને આત્મબળથી સમર્થ બનાવ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
‘ગરીબ કલ્યાણ મેળો વચેટીયા નાબૂદીનો મેળો બની રહેવાનો છે' એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગામે-ગામથી સાચા લાભાર્થીને તેના હક્ક આપવા સરકારના મંત્રીઓ અને જિલ્લાના વહીવટી તંત્રો ગામડા ખૂંદી રહ્યા છે તેમ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે જે ગરીબ છે, ઘરવિહોણા છે, જમીનનો પ્લોટ લેવા હક્કદાર છે તેમને જિલ્લે-જિલ્લેથી શોધીને આઝાદીના આટલાં વર્ષોમાં ઘરથાળના જેટલા પ્લોટો અપાયા છે તેનાથી વધારે એક જ મહિનામાં ઘરથાળના પ્લોટસ આપી દેવાની ઝૂંબેશ ઉપાડી છે એના માટે ગામે-ગામ ગામતળના પ્લોટો શોધ્યા છે, ગામતળ ના હોય ત્યાં નીમ કરવાની ઝુંબેશ પૂરી કરી છે.
ગરીબ માનવીને સ્વમાનભેર જીવવાની આ તક આપીને આવતીકાલના ગુજરાતને સ્વર્ણિમ બનાવવાનો આ સરકારનો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. નર્મદામૈયા પધાર્યા છે અને દૂધની ડેરીઓ ગરીબીમાંથી બહાર આવવા ખેતી સાથે પશુપાલનથી સમૃદ્ધિ તરફ લઇ જવાની છે ત્યારે ટપક સિંચાઇ અપનાવવા અને વૈજ્ઞાનિક પશુઉછેરથી ગરીબાઇથી મૂકિત મેળવવા તેમણે અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના પ્રભારી અને ગ્રામવિકાસ મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના છ તાલુકાના લાભાર્થીઓને આજે સહાય અપાઇ છે. જિલ્લાની પ્રજાને લાભ-સહાય માટે કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તેવા આશયથી રાજ્ય સરકારે ઘરઆંગણે સહાય પહોંચાડી છે. ગરીબો-વંચિતો-કચડાયેલા લોકોની ચિંતા આ સરકારે કરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને પ૦ ટકા પ્રતિનિધિત્વ આપવાની પહેલ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે. રાજ્યમાં ૧.૪૦ લાખ સખીમંડળોની રચના કરાઇ છે. બનાસકાંઠા જિલ્લામાં ૯ હજાર જેટલાં સખીમંડળો રચીને તેમને કરોડો રૂપિયાનું ધિરાણ કરાયું છે એમ તેમણે ઉમેર્યું હતું.
સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ૦ જેટલા ગરીબી કલ્યાણ મેળા યોજીને લગભગ ર૦ લાખ લાભાર્થીઓને રૂ. ૧પ૦ કરોડનું ધિરાણ-સહાય વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત અપાનાર છે. તે જ પૂરવાર કરે છે કે આ રાજ્ય સરકાર ગરીબોની બેલી છે. વંચિતોના વિકાસની પહેલ આ સરકારે કરી છે. દેશમાં ૩૦ કરોડ લોકો પૂરતું ભોજન પામતા નથી, જ્યારે ગુજરાત સરકારે ગરીબી હટાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી સુનિયોજિત પ્રયાસો હાથ ધર્યા છે.
રાજ્ય મંત્રીશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, વંચિતો-છેવાડાના લોકોને ઘરે જઇને યોજનાના લાભ-સહાય પહોંચાડીને ગરીબોના જીવનમાં સુખનો પ્રકાશ પાથર્યો છે. જિલ્લાના થરાદ, વાવ, દિયોદર, ભાભર, ડીસા, કાંકરેજ તાલુકાના ૯૦ હજારથી વધુ લાભાર્થીઓને અંદાજે રૂ.૬૮ કરોડના લાભો આજે આપ્યા છે. મંત્રીશ્રીએ ખેડૂતોના ખેતર સુધી નર્મદાના નીર પહોંચાડવાના પ્રયાસોની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે વિવિધ સંસ્થા-સંગઠનો દ્વારા મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં રૂ. પ.પ૧ લાખના ચેક અપાયા હતા.
આ પ્રસંગે મંત્રીઓ સર્વશ્રી શ્રીમતી આનંદીબેન પટેલ, નીતિનભાઇ પટેલ, જયસિંહ ચૌહાણ, વાસણભાઇ આહિર, પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ શ્રી હરિભાઇ ચૌધરી, ધારાસભ્યો સર્વશ્રી લીલાધરભાઇ વાઘેલા, શંકરભાઇ ચૌધરી, અનિલભાઇ માળી, બાબુભાઇ દેસાઇ, મફતભાઇ પુરોહિત, ગોવિંદભાઇ પ્રજાપતિ, વસંતભાઇ ભટોળ, જિલ્લા ભાજપા પ્રમુખ, ગોપાલક બોર્ડના ચેરમેન ડો. સંજ્યભાઇ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ભાજપાના પદાધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.