હું જાપાનનાં ઓસાકામાં જી20નાં શિખર સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યો છું. હું દુનિયાનાં અન્ય નેતાઓ સાથે અત્યારે આપણી દુનિયાસામે રહેલાં મુખ્ય પડકારો અને અવસરો પર ચર્ચા કરવા આતુર છું. આ શિખર સંમેલનનાં મુખ્ય મુદ્દાઓ મહિલા અધિકાર, ડિજિટલાઇઝેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંબંધિત મુદ્દા તથા એસડીજી (SDG – sustainable development goals) હાંસલ કરવામાં થયેલી પ્રગતિ તેમજ આતંકવાદ અને જળવાયુ પરિવર્તન જેવા મોટાં આંતરરાષ્ટ્રીય પડકારો ઝીલવા આપણા સહિયારા પ્રયાસો છે.
આ શિખર સંમેલન બહુપક્ષીય અભિગમની મહત્ત્વપૂર્ણ તક પ્રદાન કરશે તથા આપણા મજબૂત સમર્થન પર ભાર મૂકશે, જે હાલની ઝડપથી બદલાતી દુનિયામાં નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ છે. છેલ્લા પાંચ વર્ષથી આ શિખર સંમેલન ભારતનો મજબૂત વિકાસલક્ષી અનુભવ વહેંચવા માટેનો મંચ બની રહ્યું છે, જે સરકારને પ્રગતિ અને સ્થિરતાનાં માર્ગે આગળ વધવા ભારતનાં લોકો દ્વારા સ્પષ્ટ જનાદેશ માટેનો આધાર પ્રદાન કરે છે.
ઓસાકા શિખર સંમેલન વર્ષ 2022માં જી-20 શિખર સંમેલનનું આયોજન કરવા ભારત માટે મહત્ત્વપૂર્ણ પાયાનો પત્થર બનશે, જે આપણી સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠનું વર્ષ છે અને તે નવા ભારત તરફ દોરી જશે.
ઉપરાંત હું દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર આપણા મુખ્ય સાથીદાર દેશોનાં નેતાઓ સાથે જોડાવા પણ આતુર છું.
સાથે સાથે હું રશિયા, ભારત અને ચીન (આરઆઇસી)નાં અનૌપચારિક શિખર સંમેલનમાં યજમાન બનવા આતુર છું તથા બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત,ચીન અને દક્ષિણ આફ્રિકા) તથા જેએઆઈ (જાપાન, અમેરિકા અને ભારત)નાં નેતાઓની આગામી અનૌપચારિક શિખર સંમેલનમાં સહભાગી થવા પણ આતુર છું.