શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાજ્યના વડાઓની કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર હું સમરકંદની મુલાકાત લઈશ.
SCO સમિટમાં, હું પ્રસંગોચિત, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, SCO ના વિસ્તરણ અને સંગઠનની અંદર બહુપક્ષીય અને પરસ્પર લાભદાયી સહકારને વધુ ગાઢ બનાવવા પર વિચારોની આપલે કરવા આતુર છું. ઉઝબેક અધ્યક્ષતા હેઠળ, વેપાર, અર્થતંત્ર, સંસ્કૃતિ અને પર્યટનના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સંખ્યાબંધ નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.
હું સમરકંદમાં રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવને મળવા માટે પણ આતુર છું. હું 2018માં તેમની ભારતની મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરું છું. તેમણે 2019માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અતિથિ વિશેષ તરીકે પણ હાજરી આપી હતી. આ ઉપરાંત, હું સમિટમાં ભાગ લેનારા કેટલાક અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજીશ.