પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે દેશના પ્રત્યેક શહેર, પછી તે નાનું હોય કે મોટું, તે ભારતના અર્થતંત્રનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે, આમ છતાં, દિલ્હીએ રાષ્ટ્રીય રાજધાની તરીકે વિશ્વમાં પોતાની હાજરી નોંધાવતા 21મી સદીની ભવ્યતા પ્રગટ કરવી જોઈએ. તેમણે કહ્યું કે જૂના શહેરને આધુનિક બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ડ્રાઈવર વિનાની પ્રથમ મેટ્રો સંચાલનના ઉદ્ઘાટન અને દિલ્હી મેટ્રોના એરપોર્ટ એક્સપ્રેસ લાઇન સુધી નેશનલ કોમન મોબિલિટી કાર્ડ જાહેર કર્યા બાદ આ સંબોધન કરી રહ્યા હતા.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે સરકારે કરમાં છૂટ આપીને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજધાનીના જૂના ઇન્ફ્રાસ્ટ્રકચરને આધુનિક ટેકનોલોજી આધારિત ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. આ વિચારધારા સેંકડો કોલોનીઓને નિયમિત બનાવીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની જીવન સ્થિતિ વધુ સારી બનાવવાની જોગવાઈ તેમજ જૂના સરકારી મકાનોનું પર્યાવરણ અનુકૂળ આધુનિક માળખામાં પરિવર્તિત કરવાના કાર્યમાં જોવા મળે છે.
પ્રધાનમંત્રીએ ભાર મૂકતાં જણાવ્યું હતું કે દિલ્હી એ જૂનું પર્યટક સ્થળ છે અને સાથે સાથે દિલ્હીમાં 21મી સદીના આકર્ષણ વિકસિત કરવા માટે કાર્ય ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હી એ આંતરરાષ્ટ્રીય સંમેલનો, આંતરાષ્ટ્રીય પ્રદર્શનો અને આંતરરાષ્ટ્રીય વેપારી પ્રવાસન સ્થળ બની ગયું છે. રાજધાનીના દ્વારકા વિસ્તારમાં સૌથી મોટું કેન્દ્ર નિર્માણ પામી રહ્યું છે. એ જ રીતે, ઘણા મોટા ભારત વંદના પાર્કની સાથે સાથે નવા સંસદ ભવન માટેનું કાર્ય પણ શરૂ થઈ ગયું છે. તે માત્ર દિલ્હીના હજારો લોકોને રોજગારી જ નહિ આપે પરંતુ સાથે સાથે તે શહેરનું ચિત્ર પણ બદલી નાંખશે.
સૌપ્રથમ ડ્રાઈવર વિનાની મેટ્રો ઓપરેશન અને દિલ્હી મેટ્રોના એરપોર્ટ એક્સપ્રેસ લાઇન માટે રાષ્ટ્રીય કોમન મોબિલિટી કાર્ડના વિસ્તરણની જાહેરાત કરતી વખતે રાજધાનીના નાગરિકોને અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “દિલ્હી એ 130 કરોડથી વધુ લોકોની મોટી આર્થિક અને વ્યૂહાત્મક શક્તિની રાજધાની છે, તેની ભવ્યતા પ્રગટ થવી જોઈએ.”