આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુસ્લિમ ઉલેમાઓ, બૌદ્ધિકો, શિક્ષણવિદો અને અન્ય પ્રસિદ્ધ લોકોનું પ્રતિનિધિમંડળ મળ્યું હતું. આ પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીને કેન્દ્ર સરકારે સર્વસમાવેશક વૃદ્ધિ, સામાજિક-આર્થિક અને લઘુમતી સહિત સમાજના તમામ વર્ગોના શૈક્ષણિક ઉત્થાન માટે લીધેલા પગલા પર અભિનંદન આપ્યા હતા.
આ પ્રતિનિધિમંડળે સાઉદી સરકારના ભારતમાંથી હજ યાત્રાળુઓ (હાજી)ની સંખ્યા વધારવાના નિર્ણયની પ્રશંસા કરી હતી અને આ નિર્ણય લેવામાં સફળ પ્રયાસો કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
પ્રતિનિધિમંડળના તમામ સભ્યોએ પ્રધાનમંત્રી દ્વારા ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે શરૂ કરાયેલા અભિયાનની પ્રશંસા કરી હતી. પ્રતિનિધિમંડળ સંમત થયું હતું કે, ભ્રષ્ટાચાર સામેની લડાઈથી લઘુમતી સમુદાય સહિત સમાજના ગરીબ લોકોને ફાયદો થશે.
પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીને સમગ્ર વિશ્વના દેશો સાથે સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો બદલ અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે, અત્યારે વિશ્વના દરેક ખૂણામાં વસતો દરેક ભારતીય ગર્વ અનુભવે છે.
પ્રતિનિધિમંડળના સભ્યોએ સ્વચ્છ ભારત અભિયાનને આગળ વધારવા માટે પણ પ્રધાનમંત્રીના પ્રયાસોને બિરદાવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં યુવાનો સફળતાપૂર્વક કટ્ટરતાનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે અત્યારે દુનિયાના કેટલાક વિસ્તારોમાં અશાંતિ અને અરાજકતા પ્રવર્તે છે. તેમણે જણાવ્યું હતું કે, આ માટેનો શ્રેય આપણા લોકોના લાંબા, સહિયારા વારસાને જાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, હવે આ વારસાને આગળ વધારવાની જવાબદારી આપણા બધાની સહિયારી છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં સંસ્કૃતિ, પરંપરાઓ અને સામાજિક તાણાવાણા ક્યારેય આતંકવાદીઓ, કે તેમના સ્પોન્સર્સના મનસૂબા પાર પાડવા નહીં દે. પ્રધાનમંત્રીએ શિક્ષણ અને કૌશલ્ય વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો, જે લાભદાયક રોજગારી અને ગરીબીમાંથી ઉત્થાનની ચાવી છે.
સાઉદી અરેબિયાની સરકારે ભારત માટે હાજીઓની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેને પ્રધાનમંત્રીએ આવકાર આપ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આ નિર્ણય માટે ભારતીય મુસ્લિમોની વિદેશમાં હકારાત્મક છબી જવાબદાર છે.
પ્રતિનિધિમંડળના સભ્યોમાં ઇમામ ઉમેર અહમદ ઇલ્યાસી (ભારતના મુખ્ય ઇમામ, ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇમામ્સ ઓફ મોસ્ક્સ); લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ઝમીરુદ્દીન શાહ (વાઇસ-ચાન્સેલર, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી); એમ વાય ઇકાબલ (ભૂતપૂર્વ ન્યાયાધિશ, સુપ્રીમ કોર્ટ); તલત અહમદ (વાઇસ ચાન્સલર, જામિયા મિલિયા ઇસ્લામિયા) અને શાહિદ સિદ્દિકી (ઉર્દૂ પત્રકાર)નો સમાવેશ થાય છે.
લઘુમતી બાબતો (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય વિદેશ મંત્રી શ્રી એમ જે અકબર પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.