શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની સિધ્ધિઓથી પ્રભાવિત
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત આજે અફઘાનિસ્તાનથી ભારતમાં તાલીમ પ્રવાસે આવેલા ૧૭ જેટલા ડિસ્ટ્રીકટ ગવર્નર ઓફિસરોએ લીધી હતી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતના વિકાસની સિધ્ધિઓ વિશે ખૂબ જ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.
આ અફઘાન ડિસ્ટ્રીકટ ગવર્નરોનું ડેલીગેશન, ઇન્ડીઅન ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લીક એડમિનીસ્ટ્રેશન, ભારત સરકાર આયોજિત ઇન્ડો અફઘાન પાર્ટનરશીપ ફોર સ્ટ્રેન્ધનીંગ સબ ગવર્નન્સ ઇન અફઘાનિસ્તાનના ઉપક્રમે ભારતમાં આવેલું છે અને બે દિવસ માટે અમદાવાદ તથા બનાસકાંઠાનો અભ્યાસ પ્રવાસ કર્યો હતો.
અફઘાન ડેલીગેશને ગુજરાત અને ભારતના પ્રશાસનતંત્રની વિશેષતાઓ અફઘાનિસ્તાન માટે ઉપયોગી બનશે એમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ સૌજ્ન્ય મૂલાકાત દરમિયાન ગુજરાતના વિકાસના રહસ્યો અને ભૂમિકા જાણવામાં અફઘાન ડિસ્ટ્રીકટ ગવર્નરોએ ખૂબ જ ઇન્તેજારી દાખવી હતી. ગુજરાતના વિકાસમાં જનભાગીદારીને પ્રેરિત કરવામાં આવી છે તેવો પ્રતિભાવ તેઓએ આપ્યો હતો.
ગુજરાતમાં ડેરી વિકાસની સફળતાના પગલે અફઘાનિસ્તાન પણ ડેરી વિકાસ અને વહીવટી વિકેન્દ્રીકરણ કરવા તત્પર છે અને આ સંદર્ભમાં, તેમણે ગુજરાતના સહયોગની અપેક્ષા રાખી હતી જેનો પ્રતિસાદ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.
ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિકેનિઝમ દ્વારા અફઘાનિસ્તાનના ભૂકંપ પૂનવસન માટે જે યોગદાન આપેલું તેની પણ રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી અને માઇક્રો ઇરિગેશનથી બનાસકાંઠાના ખેડૂતો અફઘાનિસ્તાનમાં ટમેટાની નિકાસ કરે છે તે જાણી અફઘાન ડેલીગેશન ખુશ થયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ એ. કે. શર્મા અને સામાન્ય વહીવટના અગ્રસચિવશ્રી પંકજ કુમાર ઉપસ્થિત હતા.