ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન શ્રી જીયન-યેવ્સ લિ ડ્રિયાન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાન લિ ડ્રિયાને જમ્મુ-કાશ્મીરમાં ઉરીમાં 18 સપ્ટેમ્બર, 2016ના રોજ થયેલા આતંકવાદી હુમલાના પીડિતો માટે દિલસોજી વ્યક્ત કરી હતી અને આતંકવાદનો સામનો કરવા દ્વિપક્ષીય સહકારને મજબૂત બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાન્સ હંમેશા ભારતની સાથે છે.
પ્રધાન લિ ડ્રિયાને પ્રધાનમંત્રીને દ્વિપક્ષીય સંરક્ષણ સહકારની વર્તમાન સ્થિતિ પર જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ આજે સવારે 36 રફાલ યુદ્ધ વિમાનોની ખરીદી પર બંને દેશની સરકાર વચ્ચે થયેલી સમજૂતીને આવકારી હતી અને આ વિમાનોની ડિલિવરી ઝડપથી અને સમયસર કરવા જણાવ્યું હતું.