ગુજરાતની આંગણવાડી બહેનોને નિવૃત્તિ સમયે સ્વમાનભેર જીવવા "યશોદા ગૌરવ નિધિ'ની યોજના આંગણવાડીનું "નંદધર' નામકરણ કન્યા કેળવણી નિધિમાંથી તેજસ્વી કન્યાઓને પુરસ્કારને સન્માન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મધ્ય ગુજરાતના પૂર્વપટ્ટીના વનવાસી ક્ષેત્રમાં સ્વર્ણિમ્ ગુજરાતના સામુહિક સંકલ્પ લેવડાવતાં જાહેર કર્યું હતું કે, સ્વર્ણિમ્ ગુજરાતના અવસર પૂર્વે ગુજરાતની જનશક્તિને પૂરી તાકાતથી ઉજાગર કરીને પાયાના કામો પુરાં કરાશે.
સ્વર્ણિમ્ ગુજરાત માટેની સંકલ્પ જ્યોતનો રથ ગુજરાતના ૧૬૦ નગરોમાં લાખો લોકોને સંકલ્પમય બનાવીને આજે પૂર્વપટ્ટીના દાહોદ નગરમાં આવી પહોંચતાં વિરાટ આદિવાસી સમાજના પરિવારો લાખ ઉપરાંતની સંખ્યામાં ઉમટયા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે રૂ. ર૬ કરોડના વિવિધ વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કર્યા હતા અને દાહોદ જિલ્લા માટે વધુ નવા પાયાની સુખાકારી તથા માળખાકીય સુવિધાના કામોની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડીઓના ભૂલકાંના સંસ્કાર ધડતરની પાયાની પ્રવૃત્તિ માટે સમર્પિત આંગણવાડી બહેનોને ગૌરવ મળે, નિવૃત્તિ વેળાએ સ્વમાનભેર જીવન વિતાવી શકે તે માટે "યશોદા ગૌરવ નિધિ' ની યોજના જાહેર કરી હતી જેમાં આંગણવાડી બહેનોની જનભાગીદારીથી નિવૃત્તિ વેળા આ નિધિમાંથી સરેરાશ પોણા બે લાખ રૂપિયા મળી રહેશે તેમ જણાવ્યું હતું. તેમણે આંગણવાડી બહેનોને માતા યશોદાથી પુરસ્કૃત કરતાં એમ પણ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં હવે આંગણવાડીઓ "નંદધર' તરીકે ઓળખાશે.
સગર્ભા માતાઓ અને નવજાત શિશુના પોષણ માટે સુખડીના સામાજિક દાયિત્વના અભિગમને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સગર્ભા અને ગર્ભસ્થ શિશુની સુરક્ષિત પ્રસુતિ માટે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોકટરોની જનભાગીદારીથી ચિરંજીવી યોજનાને જે અભૂતપૂર્વ સફળતા મળી છે તેને દુનિયાના ગરીબ અને વિકસી રહેલા દેશો પણ અનુસરવા પ્રેરિત થયા છે, તેનાથી એક ડગલું આગળ વધીને આ સરકારે નવજાત શિશુને જન્મ સમયે જ યોગ્ય સ્વાસ્થ્યની સારવાર મળે તે માટે બાળ રોગ નિષ્ણાંતોની જનભાગીદારી જોડીને "બાલસખા ' યોજના શરૂ કરી દીધી છે.
આ સરકાર ગરીબ અને વંચિત સમાજના વિકાસની સાથોસાથ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પણ એટલી જ ગંભીરતાથી પ્રતિબદ્ધ છે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ એ સરકારી તિજોરીનો કાર્યક્રમ નથી પરંતુ પ્રજાએ તેમને આપેલી કિંમતી ભેટ-સોગાદોની જાહેર હરાજી પ્રજામાં જ કરીને કન્યા કેળવણી માટેનું રૂા. ૨૦ કરોડનું ભંડોળ છે અને તેઓ તાલુકાવાર તેજસ્વી કન્યાઓને પુરસ્કાર આપીને દિકરીઓને સન્માનિત કરવાનું અભિયાન ઉપાડી રહ્યા છે.
રાજ્યની બધી જ દિકરીઓ ભણેલી ગણેલી હોય એનાથી મોટી ગુજરાતની કોઇ શોભા હોઇ શકે જ નહીં. કન્યા કેળવણી રથયાત્રાના તેમની સરકારના જનઅભિયાને ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવી દીધું છે તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતની નારી શક્તિને નિર્ણયમાં ભાગીદાર બનાવી, મિલ્કતમાં અધિકાર આપી, સખી મંડળો દ્વારા આર્થિક પ્રવૃત્તિમાં સક્રિય સંચાલન સાથે જોડીને ગ્રામનારી સશક્તિકરણનું અભિયાન જે રીતે ધમધમતું થયું છે તેનાથી ગુજરાતના ગામડાંને ધબકતાં કર્યાં છે તેની રૂપરેખા તેમણે આપી હતી. જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી અમિતભાઇ શાહે વનબંધુઓ અને દાહોદ જિલ્લા વતી સુવર્ણ કળશનું પ્રતિક મુખ્યમંત્રીને અર્પણ કરી સ્વાગત કર્યું હતું. શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ વનાંચલ વિસ્તારની દિકરીઓ કન્યા કેળવણી અભિયાનને પગલે તથા કન્યા કેળવણી નિધિના પુરસ્કાર પ્રોત્સાહનોને પરિણામે હવે શાળાએ જતી થઇ છે અને ભણતર પ્રત્યે જાગૃત બની છે તેનું સંપૂર્ણ શ્રેય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી માટેની પ્રતિબદ્ધતા સાથોસાથ માતા અને બાળ આરોગ્ય સંભાળની વિવિધ યોજનાઓ, તત્કાલ તબીબી સેવા પુરી પાડતી ઇ.એમ.આર.આઇ. ૧૦૮ સેવા વગેરેની દ્રષ્ટાંતસહ વિસ્તૃત વિગતો તેમણે આપી હતી. ૨૦૧૦ના સ્વર્ણિમ્ ગુજરાત અવસરે એક પણ દિકરી શિક્ષણથી વંચિત ન રહે તેવો સંકલ્પ પાર પાડવા તેમણે જનભાગીદારીથી જોડાઇ જવા સૌને આહવાન કર્યું હતું. આદિજાતિ કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરે સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોત રથ યાત્રા દાહોદની અલગ જિલ્લા તરીકેની રચના બાદ પહેલી વાર રૂ. ૧૩૫ કરોડના વિકાસકામો સાથે આ વનવાસી વિસ્તારની કાયાપલટ કરવાના મુખ્યમંત્રીશ્રીના દ્રઢ નિર્ધારની પ્રતીતિ કરાવે છે તેમ જણાવ્યું હતું. વનવાસી બંધુઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં ભેળવવા સરકારે શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજના અને અનેક કલ્યાણ કાર્યક્રમોનો વ્યાપક લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. સાંસદ શ્રી ભૂપેન્દ્રસિંહ સોલંકીએ મુખ્યમંત્રીશ્રીના દીર્ધદ્રષ્ટિભર્યા આયોજનને કારણે હવે આદિજાતિ લાભાર્થીઓ પણ વિપુલ દૂધ ઉત્પાદન અને વેચાણ દ્વારા માતબર આવક રળીને આર્થિક સમૃદ્ધ બની રહ્યા છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીઓએ કન્યા કેળવણી નિધિ પુરસ્કારો તથા વિવિધ ર્સ્પધાના વિજેતાઓને ઇનામો અર્પણ કર્યા હતા. પ્રારંભમાં જિલ્લા કલેકટર શ્રી આર. એમ. જાદવે સ્વાગત તથા સમાપને આભાર દર્શન નગરપાલિકા પ્રમુખ શ્રી ગુલશન બચાણીએ કર્યું હતું.
આ સંકલ્પ જ્યોત રથને આવકારવા ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ સુખડીયા, દીતાભાઇ મછાર, તુષારસિંહ મહારાઉલ તેમજ જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં વનબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ એકલવ્ય શાળાના ૩૫૨ આદિજાતિ બાળકોને પ્રેરણા પ્રવાસ અંતર્ગત પ્રવાસ ઉજાણીએ લઇ જતી છ એસ.ટી. બસોને પ્રસ્થાન સંકેત આપી વિદાય આપી હતી.